પોરબંદર
મધદરિયે બીમાર પડેલા ખલાસી ની મદદે પોરબંદર કોસ્ટગાર્ડ ની પેટ્રોલિંગ શીપ દોડી ગઈ હતી.અને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે પોરબંદર લાવવામાં આવ્યો હતો.
ભારતીય તટરક્ષક દળની પેટ્રોલિંગ શીપ ચાર્લી- 161 ગઈ કાલે દરિયામાં તેની નિયમિત કામગીરીમાં નિયુક્ત હતું.તે દરમિયાન સાડા નવ કલાકે દિક્ષા નામની ફિશિંગ બોટ માં રહેલા એક માછીમારને ગંભીર શ્વસન સમસ્યા થઇ હોવાથી કોસ્ટગાર્ડની મદદ માંગી હતી.આથી પોરબંદર હેડક્વાર્ટર ખાતેથી તટરક્ષક દળ જિલ્લા હેડક્વાર્ટર દ્વારા તાત્કાલિક ધોરણે ચાર્લી-161 જહાજને મેડિકલ બચાવ માટે ડાઇવર્ટ કરવામાં આવ્યું હતું.જહાજ નાં સ્ટાફે મુશ્કેલીમાં રહેલા દર્દીને બહાર કાઢ્યો હતો.અને પ્રાથમિક સારવાર આપી હતી તેમજ રાત્રે તેને વધુ સારવાર અર્થે પોરબંદરના બંદર ખાતે લાવવામાં આવ્યો હતો.કોસ્ટગાર્ડ ની ઇન્ટરસેપ્ટર બોટ દ્વારા આસિસ્ટન્ટ કમાન્ડન્ટ કાર્તિકેયનના કમાન્ડ હેઠળ ત્વરિત પ્રતિભાવ આપવામાં આવ્યો હોવાથી દર્દીને સમયસર બહાર લાવી શકાયો હતો.અને મેડિકલ મદદથી તેનો જીવ બચાવી શકાયો હતો. હાલમાં દર્દીની સ્થિતિ સુધારા હેઠળ અને સારી હોવાનું જાણવા મળ્યું છે.