પોરબંદર
તુમ રક્ષક કાહુ કો ડરના ટેગલાઈન સાથે ૨૬ જાન્યુઆરી-૨૦૧૯ એ પોરબંદર ના સૌથી લોકપ્રિય ન્યુઝ પોર્ટલ “પોરબંદર ટાઈમ્સ “નો પ્રારંભ કરવામાં આવ્યો હતો.કઈક મેળવવા નહી પરંતુ શહેર ને કઈક આપવાના શુભ ઉદેશ થી ૨૬ જાન્યુઆરી ૨૦૧૯ એ શરુ કરાયેલ પોરબંદર વાસીઓ ના ફેવરીટ પોરબંદર ટાઈમ્સે વાચકો અને વિજ્ઞાપનદાતાઓ ના સહયોગ થી આજે ૨૬ મી જાન્યુઆરી એ બે વરસ પૂર્ણ કરી ત્રીજા વર્ષમાં મંગળ પ્રવેશ કર્યો છે.
ડિજિટલ યુગ સાથે કદમ તાલ મિલાવીને પોરબંદર ટાઈમ્સે પાપા પગલી ભરવાની શરૂઆત કરી હતી.પોરબંદર ટાઈમ્સ ના ફોલોવર્સ, વાચક વર્ગ,વિજ્ઞાપનદાતાઓ, અમારી સાથે એક યા બીજી રીતે જોડાયેલા દરેક લોકો ના સાથ સહકાર બદલ આપ સૌનો પોરબંદર ટાઈમ્સ સહહૃદય આભાર વ્યક્ત કરે છે. અને આવનાર પડકારોને ઝીલીને એક હકારાત્મક સમાચારો આપ સુધી વેબ પોર્ટલના માધ્યમથી અમે પહોંચાડતા રહીશું એવી અભ્યર્થના સાથે પોરબંદર ટાઈમ્સ આપ સૌના આશીર્વાદો થકી બે વર્ષની જ્વલંત સફળતા બદલ કૃતજ્ઞતા વ્યક્ત કરે છે.
સોશ્યલ મીડિયા માં ઝીરો થી શરુ કરી બે વરસ માં પોરબંદર ટાઈમ્સ ના ફેસબુક પેજ માં ૨૦,૦૦૦ થી વધુ ફોલોઅર ,ફેસબુક ગ્રુપ માં પણ ૧૩૦૦૦ થી વધુ લોકો જોડાયા છે તો યુટ્યુબ માં પોરબંદર ટાઈમ્સ ની ચેનલ સાથે ૧૦૦૦૦ થી વધુ લોકો જોડાયા છે.ઈન્સ્ટાગ્રામ માં પણ ૧૧૦૦૦ લોકો જોડાયા છે ઉપરાંત ટ્વીટરમાં પણ મોટી સંખ્યા માં ફોલોઅર જોડાયા છે.
પોરબંદર ટાઈમ્સ ની બે વર્ષ પહેલા ૨૬ જાન્યુઆરી ૨૦૧૯ ના દિવસે એક નાનકડી શરૂઆત કરવામાં આવી હતી.પોરબંદર ટાઈમ્સ ના પ્રથમ દિવસે વાંચકોની સંખ્યા માત્ર ૧૦૦ હતી,પણ પોરબંદર ટાઈમ્સ નો મંત્ર કોઈ નો ડર નહીં..કોઈ નો પક્ષપાત નહીં આ મંત્રને આધાર બનાવી કામની શરૂઆત કરી.જેના કારણે પહેલા દિવસે જ્યારે માત્ર ૧૦૦ વાંચકો હતા તેમની સંખ્યા વધી લાખોમાં કેવી રીતે થઈ ગઈ તેની કોઈને જ ખબર પડી નહીં.
કોઈ પણ અખબાર, ન્યુઝ એજન્સી અથવા પોર્ટલનો પ્રાણ સમાચાર અને તેની વિશ્વસનિયતા હોય છે.પોરબંદર ટાઈમ્સ પ્રત્યે લોકો ની વિશ્વસનીયતા કોરોના કાળ દરમ્યાન અનેક વખત સાબિત થઇ છે.કોરોના ના લોકડાઉન દરમ્યાન દરરોજ નવા જાહેરનામાં અને નવા નવા સરકારી પરિપત્રો બહાર પડતા હતા તે અંગે ની દરેક સાચી માહિતી તાત્કાલિક ધોરણે દરેક શહેરીજનો સુધી પહોંચે અને કોઈને પણ ખોટી પરેશાની ભોગવવી ન પડે તેવા હેતુ થી પોરબંદર ટાઈમ્સ દ્વારા દરેક માહિતી વીજળી ગતી એ વાચકો સુધી પહોચાડવાનો હરહમેશ પ્રયત્ન રહ્યો હતો.કોરોના ના કેસો અને તેણે લગતી દરેક માહિતી સચોટ રીતે વિડીયો ના માધ્યમ થી પણ લોકો સુધી પહોંચાડવામાં આવી હતી.અને કોરોના કાળ દરમ્યાન વધુ ને વધુ લોકો પોરબંદર ટાઈમ્સ સાથે જોડાતા ગયા અને ગત વરસ ની સરખામણી એ આ એક જ વરસ માં પોરબંદર ટાઈમ્સ સાથે ચાર ગણા વધુ લોકો જોડાયા છે.
પોરબંદર ટાઈમ્સ શરૂઆતના તબક્કા થી જ વિવિધ સમાચાર.લોકો ના પ્રશ્નો ને વાચા આપવામાં અગ્રેસર રહ્યું છે.ન્યુઝ પોર્ટલ એટલે માત્ર રાજકીય પક્ષો ની અને પોલીસ ની પ્રેસનોટ જ નહી.પરંતુ કઈક અલગ..કઈક અનોખું આપવાનો પ્રયાસ પોરબંદર ટાઈમ્સ નો હમેશા રહ્યો છે.પોરબંદર ના ઈતિહાસ અને વિવિધ રાજવીઓ અંગે રસપ્રદ કિસ્સા,પોરબંદર શહેર માં રમતગમત અને કળા ક્ષેત્રે રહેલી વિવિધ પ્રતિભાઓ ને બિરદાવવા ખાસ અહેવાલો પ્રકાશિત કરવા,શહેર માં થતા વિવિધ ધાર્મિક આયોજનો અંગે વિશેષ અહેવાલો,લોકો ની સમસ્યાઓ અંગે પણ ખાસ અહેવાલો સમયાંતરે પ્રકાશિત કરવામાં આવ્યા છે.
સમાચારનો અર્થ માત્ર કોઈની ટીકા કરવી અથવા સનસનાટી ફેલાવી દેવાનો નથી.તેની તકેદારી રાખવાનો અમે પ્રયાસ કર્યો છે. દુનિયામાં જેમ ખરાબ થાય છે તેમાં કયાંક સારૂ પણ થાય છે.પોરબંદર ટાઈમ્સ દ્વારા એ આગ્રહ સતત રખાયો છે કે જ્યાં કઈ પણ સારૂ થાય છે.તેની વાત અચુક વાંચકો સુધી લઈ જવી.સતત નેગેટીવ સમાચારો વચ્ચે એક હકારાત્મક ઘટના આપણને બધાને જીવાડવામાં મદદ કરે છે.અમે પ્રયત્ન કર્યો કે વિશ્વમાં બધી જ ખરાબ ઘટનાઓ થતી નથી.સારા માણસો પણ છે અને સારૂ પણ બને છે.એક મોટા સમાચાર ચુકી જવાય તો વાંધો નહીં,પણ એક સારી ઘટના નોંધ વગર આપણે અને વાંચકો ચુકી જઈએ તે પાલવશે નહીં.
પોરબંદર ટાઈમ્સ પોતાની ટીકા કરનારની પણ કદર કરે છે,તેના બે કારણો છે.પ્રથમ કારણ અમારાથી પણ ચુક થવાની સંભાવના છે.અને બીજુ કારણ અમારા કરતા તમારો મત અલગ પણ હોઈ શકે છે અને જેને માઠુ લાગે તેને કાયદાની મર્યાદામાં પોતાની વાત કહેવાનો પણ અધિકાર છે.ન્યુઝ પોર્ટલના વાંચકો લાંબુ વાંચતા નથી.તેવી એક માન્યતા હતી, પણ અમારો અનુભવ રહ્યો કે લખાણ સારૂ હોય તો તેની લંબાઈ સાથે વાંચકોને કોઈ નીસબત નથી.વાંચકો લાંબુ પણ વાંચે.પોરબંદર ટાઈમ્સ એ ૨૪ કલાક કાર્યરત ન્યુઝ પોર્ટલ છે.જેમાં ગમે ત્યારે મોડી રાત્રે પણ બનેલ ઘટના ગણતરી ના સમય માં વાચકો સુધી પહોંચડવામાં આવે છે.અને એક વોટ્સેપ ગ્રુપ અને ૫૦ લોકો થી શરુ થયેલ આ સફર કોઈ ને પણ એડ કર્યા વગર સ્વયંભુ રીતે જોડાયેલા ૮૦૦૦ થી વધુ લોકો સુધી પહોચી છે.અને આજે પોરબંદર ટાઈમ્સ ના ૩૭ જેટલા વોટ્સેપ ગ્રુપ કાર્યરત છે.
પોરબંદર ટાઈમ્સે વર્ષોથી સ્થાપિત ન્યુઝ પોર્ટલ ના પત્રકારત્વની પુરાતન પરંપરાને ધરમૂળથી બદલી નાખી.વાચકોના અપાર સ્નેહ અને અદભુત સમર્થનના લીધે જ પોરબંદર ટાઈમ્સે પ્રથમ વરસે જ દરરોજ દસ હજાર નિયમિત મુલાકાતીઓ સુધી પહોચવાની ઐતિહાસિક રેકોર્ડ ની સફળતા મેળવી હતી.જેમાં વિશ્વ ના અલગ અલગ ૧૮ દેશો માં વસતા મૂળ પોરબંદર પંથક ના લોકો પોરબંદર ટાઈમ્સ સાથે નિયમિત રીતે જોડાયેલા છે.પોરબંદર ટાઈમ્સ નું નિષ્પક્ષ પત્રકારત્વ એક ક્ષણ માટે પણ સત્ય અને તથ્યથી વેગળું થયું નહીં.આ વિશ્વાસના લીધે જ પોરબંદર ટાઈમ્સે હંમેશા જે ખોટું છે.એને ખોટું અને જે સાચું છે.એને સાચું કહેવાનું સાહસ દર્શાવ્યું અને ભવિષ્યમાં પણ દર્શાવતું રહેશે.અમારા દરેક સમાચાર અને પ્રત્યેક શબ્દ વાચકો માટે સમર્પિત છે.પોરબંદર ટાઈમ્સ આજે જે સ્થાને છે.તેનો શ્રેય પોરબંદર ઉપરાંત દેશ અને દુનિયા ના લાખો વાચકો,પરિવારો અને શુભચિંતકોને જાય છે.આ વિશ્વાસ હંમેશા જળવાઈ રહે એ માટે દેશ-દુનિયાના દરેક ખૂણેથી નિષ્પક્ષ,સાચા અને સર્વશ્રેષ્ઠ સમાચારો આપના સુધી પહોંચાડવા માટે અમે પ્રતિબદ્ધ છીએ.બે વર્ષ દરમિયાન અમને વાંચનાર દેશ વિદેશ ના લાખો વાંચકોનો આભાર માનીએ છીએ,આવનાર બીજા વર્ષમાં અમારી ચુકો સુધારી વધુ સારૂ થઈ શકે તેવો અમે પ્રયાસ કરીશું,જેના માટે તમારો અત્યાર સુધી મળેલો સહકાર અમને મળતો રહે તે જરૂરી છે. તમને પોરબંદર ટાઈમ્સ તમારું પોતાનું લાગે તેની અમે તકેદારી રાખીશું.
દુનિયા ના વિવિધ દેશો માં વસતા મૂળ પોરબંદર ના વતનીઓ ને પોરબંદર શહેર સહિત બરડા અને ઘેડ પંથક, રાણાવાવ,કુતિયાણા પંથક ની રાજકીય,સામાજીક અને સાંસ્કૃતિક ઘટનાઓના સમાચાર મળે અને સાથે સાથે સત્વશીલ રસભરી વાંચનસામગ્રી મળે તે પોરબંદર ટાઇમ્સનો ઉદેશ્ય છે.પોરબંદર ટાઇમ્સ સર્વધર્મસમભાવ ધરાવતું માનવતાવાદી અભિગમવાળું નિરપેક્ષ ન્યુઝ પોર્ટલ છે.આપ સૌ શુભેચ્છકોનો,જાહેરખબર દાતાઓ અને વાચકોનો સાથ સહકાર સતત મળતો રહયો છે.અમે આપ સૌનો હ્રદયપૂર્વક આભાર માનીએ છીએ.આપ સૌનો સ્નેહ અને સાથ પોરબંદર ટાઇમ્સને હંમેશા મળતો રહેશે એવી શ્રધ્ધા સાથે આપ સૌને સુખમય જીવનની શુભકામના પાઠવું છું.
લી.આપનો વિશ્વાસુ,
નિપુલ પોપટ
પોરબંદર ટાઈમ્સ અંગે આપના વિચારો પ્રતિભાવો આવકાર્ય છે.
ઈમેઈલ આઈડી porbandartimes@gmail.com અથવા ૯૯૨૪૧ ૮૭૩૮૩ નંબર પર વોટ્સેપ પર આપના વિચારો પ્રતિભાવો જણાવો.આપની દ્રષ્ટિ એ હજુ પોરબંદર ટાઈમ્સ ને કઈ રીતે વધુ ને વધુ લોકોપયોગી બનાવી શકાય ,ક્યા ક્યા વિભાગો સમાવી શકાય ,શું નવું ઉમેરી શકાય તે સહીત ના મંતવ્યો અમોને મોકલી આપવા વિનંતી છે.