પોરબંદર
પોરબંદર ખાતે ૭૩મા પ્રજાસત્તાક પર્વની જિલ્લાકક્ષાની ઉજવણી પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કોરોના મહામારીના કારણે સાદાઇથી કરવામા આવી હતી. જિલ્લા કલેકટર અશોક શર્માએ ધ્વજવંદન કરી જિલ્લા પોલીસ વડા ડો.રવિ મોહન સૈની સાથે ખુલ્લી જીપમાં પરેડનું નિરીક્ષણ કર્યું હતું. ધ્વજવંદન કાર્યક્રમમાં પોરબંદર પોલીસ પુરુષ પ્લાટુન, પોરબંદર પોલીસ મહિલા પ્લાટુન, ડોગ સ્કવોડ, માઉન્ટેન પોલીસ, હોમગાર્ડ પ્લાટુન, ટી.આર.બી પ્લાટુન, નેવલ બેઇઝ એન.સી.સી પ્લાટુન પરેડ યોજાઇ હતી.
તિરંગાને સલામી આપી સ્વાતંત્ર સંગ્રામના શહીદોને શ્રદ્ધા સુમન અર્પણ કરી કલેકટર અશોક શર્માએ કહ્યુ કે, ખેડૂતો, શ્રમિકો, પશુપાલકો, જવાનો સહિત દેશના તમામ નાગરિકના હદયમા ભારતમાતા વસેલી છે. ભારતનો દરેક નાગરિક કાયદા સમક્ષ સમાન છે. આપણે મૂળભુત ફરજો નિભાવીને નાગરિક ધર્મનુ પાલન કરવુ જોઇએ. આ અવસરે કલેકટરએ જિલ્લાની જનતાને પ્રજાસત્તાક પર્વની શુભેચ્છા પાઠવી સરકાર વતી જિલ્લાના વિકાસ માટે આયોજન અધિકારીને રૂ.૨૫ લાખનો ચેક અર્પણ કર્યો હતો. આ ઉપરાંત કરૂણા અભિયાન- ૨૦૨૨ અંતર્ગત શ્રેષ્ઠ કામગીરી કરનારને પ્રમાણપત્ર પાઠવી સન્માનિત કરી કોરોનાની ત્રીજી લહેરની તૈયારી કરવાની સાથે જનહિતલક્ષી યોજનાઓની અમલવારી કરવામા ટીમ પોરબંદરે સરાહનીય કામગીરી કરી છે. તેમ જણાવ્યુ હતુ.
આ પ્રસંગે પોરબંદરના ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયા, જિલ્લા વિકાસ અધિકારી એસ.ડી. ધાનાણી, પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની, નિવાસી અધિક કલેકટર એમ.કે.જોષી, પ્રાંત અધિકારી કે.વી.બાટી, સહિત જિલ્લાનાં અધિકારીઓ, પોલીસ કર્મચારીઓ, અન્ય કર્મચારીઓ, આમંત્રિત મહેમાનો, વિધાર્થીઓ તથા પોરબંદર જિલ્લાવાસીઓ ફેસ માસ્ક અને આપસમાં સામાજિક અંતર રાખીને ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને અંતે મહાનુભાવોએ વૃક્ષારોપણ કરી સ્થળ પર કાર્યરત કોરોના વોરીયર્સ પ્રિકોસન ડોઝ કેન્દ્રનુ નીરિક્ષણ કર્યુ હતુ. કાર્યક્રમનુ સંચાલન શિક્ષક નિરવભાઇ જોષીએ કર્યુ હતુ.