પોરબંદરમાં સરકારી શાળાઓ ની આસપાસ અને કમ્પાઉન્ડમાં આવારા તત્ત્વો દ્વારા નશાકીય પ્રવૃત્તિ આચરાતી હોવા અંગે જિલ્લા નશાબંધી અમલીકરણ સમિતિની બેઠકમાં ચર્ચા કરાઈ હતી. અને નશાબંધી વિભાગ દ્વારા શિક્ષણાધિકારી ને આવી પ્રવૃતિઓ અંગે માહિતી આપવા અપીલ કરાઈ છે.
પોરબંદર નશાબંધી અને આબકારી ખાતાના અધિક્ષક પી.આર.ગોહિલે જિલ્લા શિક્ષણાધિકારીને પરિપત્ર લખી જણાવ્યું છે કે જિલ્લા પોલીસ વડાની અધ્યક્ષતામાં જિલ્લા નશાબંધી અમલીકરણ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નશાબંધી નિતિના સુચારૂ અમલ તેમજ નશાબંધીના ઘનિષ્ઠ પ્રચાર-પ્રસાર બાબતેના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. બેઠક માં સમિતીના અધ્યક્ષ અને પોલીસ વડા તથા તમામ સભ્યોના સુચનોમાં જાણવા મળ્યું હતું કે ઘણી સરકારી શાળાઓની આસપાસ તથા કમ્પાઉન્ડમાં અસામાજિક તથા આવારા તત્ત્વો દ્વારા નશાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. જે ખૂબજ ગંભીર બાબત છે. કારણકે શાળાના બાળકો, વિદ્યાર્થીઓ દેશનું ભાવિ છે અને તેમની કારકિર્દીનો પ્રશ્ન છે.
આ અન્વયે સમિતિના અધ્યક્ષ અને જિલ્લા પોલીસ વડાની સુચના મુજબ જિલ્લાની તમામ શાળા-કોલેજોના આચાર્યોને અનુરોધ કરતા જણાવ્યું છે કે કોઇ પણ શાળા, કોલેજની આસપાસ કે કમ્પાઉન્ડમાં આવી અસામાજિક પ્રવૃત્તિઓ થતી હોય તો કોઇપણ નજીકના પોલીસ સ્ટેશનમાં તથા પોલીસ હેલ્પલાઇન નંબર ૧૦૦ ઉપર અથવા તો રૂબરૂ સમિતીના સભ્ય સચિવ અને અધિક્ષક નશાબંધી અને આબકારીને જાણ કરવા સુચના આપી છે.
તેમજ શાળા-કોલેજના તમામ આચાર્યોને વિદ્યાર્થીઓ વ્યસનથી દૂર રહે તેવા ઉદ્દેશ્યથી વ્યસનમુક્તિ નશાબંધી પ્રસાર-પ્રચાર અન્વયે જનજાગૃતિના કાર્યક્રમ માટે અધીક્ષક નશાબંધી અધિક્ષક અને આબકારી કચેરીનો સંપર્ક કરવા પણ જણાવ્યું છે. આ અંગે જિલ્લા શિક્ષણાધિકારીએ શહેરની તમામ સરકારી ગ્રાન્ટેડ અને નોનગ્રાન્ટેડ શાળાઓના આચાર્યોને પરિપત્ર મોકલી આપ્યો છે અને તે અંગે તકેદારી લેવા જણાવ્યું છે.