પોરબંદર
પોરબંદરમાં ઉંચા વ્યાજે નાણા આપનાર શખ્શે મચ્છી ના વેપારી ને ધમકી આપી હોવા અંગે પોલીસ ફરીયાદ નોંધાતા પોલીસે ગુન્હો નોંધી વ્યાજખોર શખ્શ ની ધરપકડ કરી છે.
પોરબંદરના મેમણવાડામાં આવેલ ગરીબ નવાઝ કોલોનીમાં રહેતા અને સુકી મચ્છીનો ધંધો કરતા મહમ્મદ આરીફ અબ્દુલ કરીમ ઓડેદરા(ઉવ ૫૬) એ નોંધાવેલ પોલીસ ફરીયાદ મુજબ તેને બે વર્ષ પહેલા ઓખામાં મચ્છીનો ધંધો કરવા માટે પૈસાની જરૂરીયાત ઉભી થતા જુની મચ્છી માર્કેટ પાસે ધોબીવાડમાં રહેતા રમેશ ઉર્ફે રાજુ જીવન વારા પાસેથી ૩૦,૦૦૦ રૂપિયા માસિક ૪ ટકા લેખે વ્યાજે લીધા હતા.અને એ વખતે રાજુએ સિકયુરીટી પેટે ૩૦,૦૦૦ નો કોરો ચેક પણ લીધો હતો.આ પૈસાના વ્યાજ પેટે ૩૫,૦૦૦ રૂપિયા ચુકવી દીધા હોવા છતાં કોરા ચેકમાં ૬૦,૦૦૦ રૂપિયાની રકમ ભરીને ચેક બાઉન્સ કરાવી ચીફ કોર્ટમાં કેસ કર્યો હતો.જે કેસમાં સેટલમેન્ટ પેઠે ૪૨,૫૦૦ રૂપિયા નકકી કર્યા હતા.જે પૈકી ૧૦,૦૦૦ કોર્ટમાં જ ચુકવ્યા હતા.અને બીજા બે ચેક ૧૬૦૦૦ અને ૧૬,૫૦૦ ના લખી આપ્યા હતા.આમ છતા રમેશ ઉર્ફે રાજુ વારા તેને વારંવાર ધમકી આપતો હોવાથી કીર્તીમંદિર પોલીસ મથકમાં ગુજરાત મનીલેન્ડરીંગ એકટ-૨૦૧૧ની કલમ મુજબ ૩૦,૦૦૦ નું માસિક ૪ ટકા ઉંચા વ્યાજે ધિરાણ કરી લાયસન્સ પરવાના વગર વ્યાજ વટાવવાનો ધંધો કરીને ધાકધમકી આપવા અંગે પોલીસ ફરીયાદ નોંધાવી હતી.પોલીસે આરોપી ની ધરપકડ કરી આગળ ની કાર્યવાહી હાથ ધરી છે.