પોરબંદર
પોરબંદર ની એક માત્ર સરકારી અંગ્રેજી માધ્યમની શાળા એમ કે ગાંધી સ્કુલ માં ૧૩૦૦ વિદ્યાર્થીઓ વચ્ચે માત્ર 5 શિક્ષકો હોવાથી પ્રત્યક્ષ શિક્ષણ શરુ થયું હોવા છતાં ફરજીયાત વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. વાલીઓ ની અનેક રજૂઆત બાદ 10 પ્રવાસી શિક્ષકો ની નિમણુક ને મંજુરી અપાઈ છે.પરંતુ હજુ ૨૫ શિક્ષકો ની ઘટ જોવા મળે છે.
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી ની જન્મભૂમી પોરબંદર માં તેમના નામે ચાલતી શહેર ની એક માત્ર સરકારી અંગ્રેજી માધ્યમ ની શાળા ના ૧૩૦૦ વિદ્યાર્થીઓ નું ભાવી અંધકારમય બન્યું છે.કારણકે આ શાળા માં હાલ માં માત્ર 5 શિક્ષકો છે.હજુ આ શાળા માં એડમીશન માટે ૩૦૦ વિદ્યાર્થીઓ તો વેઈટીંગ માં છે.અગાઉ વર્ષો થી આ શાળા નું સંચાલન પાલિકા દ્વારા કરવામાં આવતું હતું.ત્યાર બાદ આ શાળા જીલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ને સોપવામાં આવી છે.
આ શાળા માં પૂરતા શિક્ષકો ન હોવાથી હાલ માં ધો ૧ થી 8 માંથી દરરોજ માત્ર એક ધોરણ ના વિદ્યાર્થીઓ ને શાળા એ બોલાવી પ્રત્યક્ષ શિક્ષણ આપવામાં આવે છે.બાકી ના વિદ્યાર્થીઓ ને કોરોના કાળ પછી પણ ન છુટકે ઓનલાઈન શિક્ષણ લેવું પડે છે.જેની અસર પણ તેના શિક્ષણ પર થઇ રહી છે.વાલીઓ ને અનેક રજૂઆત બાદ અંતે શિક્ષણ સમિતિ ના ચેરમેન અને જીલ્લા ભાજપ પ્રમુખ શાળા એ દોડી ગયા હતા.અને રૂબરૂ માહિતી મેળવી સ્વ ભંડોળ માંથી તાત્કાલિક ધોરણે 10 પ્રવાસી શિક્ષકો ની કામચલાઉ ધોરણે ભરતી કરવાની મંજુરી આપી છે.જો કે તેમ છતાં હજુ પણ ૨૫ શિક્ષકો ની ઘટ છે.ત્યારે તેની પણ તાત્કાલિક ભરતી કરવી જોઈએ અન્યથા હજુ પણ જીલ્લાભર ની શાળાઓ માં પ્રત્યક્ષ શિક્ષણ શરુ થઇ ગયું હોવા છતાં આ શાળા ના વિદ્યાર્થીઓ એ ફક્ત ઓનલાઈન શિક્ષણ જ ફરજિયાતપણે મેળવવું પડશે તેવું જણાઈ રહ્યું છે.એક સમયે ભવ્ય ભૂતકાળ ધરાવતી આ શાળા ની દુર્દશા જોઈ ને શૈક્ષણિક આલમ માં પણ ચિંતા નું મોજું ફરી વળ્યું છે.
૩૫ શિક્ષકો ની ઘટ સામે માત્ર 10 શિક્ષકો ની એ પણ કામચલાઉ ભરતી કરી મોટું કામ કર્યા નો પબ્લીસીટી સ્ટંટ
પાલિકા પાસે થી એમ ઈ એમ શાળા જીલ્લા પંચાયત શિક્ષણ સમિતિ એ હસ્તગત કરી.ત્યારે આ શાળા નો વિકાસ આભ ને આંબશે તેવા બણગા ફૂંકવામાં આવ્યા હતા.પરંતુ ત્યાર બાદ આ શાળા અંગે પુરતું ધ્યાન આપવામાં આવતું ન હોવાની પણ ફરિયાદો ઉઠી હતી.અને હાલ માં પણ ૧૩૦૦ વિદ્યાર્થીઓ સામે માત્ર 5 શિક્ષકો હોવાથી ઉગ્ર રજૂઆત બાદ માત્ર 10 પ્રવાસી શિક્ષકો એ પણ કામચલાઉ ધોરણે મંજુર કરાયા હોવા છતાં રાજકીય આગેવાનો એ જાણે મોટો મીર માર્યો હોય તેવા ગાણા ગાતી પ્રેસનોટ જાહેર કરી છે.જેમાં એવું જણાવ્યું છે કે આ 10 શિક્ષકો ની કામચલાઉ ભરતી થવાથી સ્કુલ માં પ્રવેશ લીધેલ વિદ્યાર્થીઓ ના વાલીઓ માં ખુશી ની લહેર વ્યાપી ગઈ હતી.અને ટૂંક સમય માં દસ શિક્ષકો ની કામચલાઉ ભરતી થઇ જવાથી ઘણા બધા પ્રવેશ થી વંચિત વિદ્યાર્થીઓને પ્રવેશ મળી શકશે.તેવો પણ રાજકીય આગેવાનો એ દાવો કર્યો છે.
પરંતુ વાસ્તવિકતા એ છે કે શાળા નું સત્ર ચાલુ થઇ ગયું ત્યાં સુધી આ આગેવાનો ઊંઘતા રહ્યા.અને પ્રથમ દિવસે શાળા કાર્યરત ન થતા વાલીઓ ના ઉગ્ર રોષ બાદ શિક્ષકો ની નિમણુક કરવાની ફરજ પડી છે.ખરેખર તો જે શિક્ષકોની ઘટ હોય તે તમામ જગ્યાઓ શાળા શરુ થાય તે પહેલા જ ભરવી જોઈએ.અને હાલ માં જે દસ શિક્ષકો ની મંજુરી આપી છે તે શિક્ષકો તો હાલ ના ૧૩૦૦ વિધાર્થીઓ ને પણ શિક્ષણ આપવા માટે પૂરતા નથી ત્યારે પ્રવેશ થી વંચિત રહેલા ૩૦૦ થી વધુ વિદ્યાર્થીઓ ને પ્રવેશ આપ્યા બાદ તેઓને કઈ રીતે શિક્ષણ આપવામાં આવશે.તેવા સવાલો પણ ઉઠી રહ્યા છે.કારણકે વિદ્યાર્થીઓની હાલ ની ૧૩૦૦ ની સંખ્યા ને જોતા ૨૫ શિક્ષકો ની ઘટ છે.નવા ૩૦૦ વિદ્યાર્થીઓ આવશે ત્યારે વધુ શિક્ષકો ની ઘટ સર્જાશે.