પોરબંદર
પોરબંદરમાં હાલ માં વેપારીઓ સાથે ડીફેન્સ જવાનો ના નામે માલ ખરીદી કરી સાયબર ફ્રોડ ના બનાવો વધી રહ્યા છે. જેથી આવા સાયબર ફ્રોડથી સાવધાન રહેવા સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે.
પોરબંદરના વેપારીઓને સાયબર ફ્રોડથી સાવધાન રહેવા સાયબર ક્રાઈમ પોલીસે અપીલ કરી જણાવ્યું છે કે હાલ સાયબર ફ્રોડ વધી રહયા છે.કોઈ શખ્સ વેપારીઓને નેવી અથવા કોસ્ટગાર્ડ ના નામથી ફોન કરી માલ સામાનની ખરીદી અથવા ફૂડ ઓર્ડર માટે ફોન કરે તો તેની ખરાઈ કર્યા વિના કોઈ પણ જાતના ઓર્ડર સ્વીકારવા નહિ.અને આ શખ્સો ક્યુઆર કોડ સ્કેન કરવાનું કહે તો સ્કેન કરવા નહિ તેવું જણાવ્યું છે.
ઓર્ડર સ્વીકારવા કે નાણાં સ્વીકારવા કોઈપણ ક્યુઆર કોડ સ્કેન કરવાની જરૂર રહેતી નથી.ઓનલાઇન ઓર્ડર સ્વીકારતા સમયે ઓટીપી કે યુપીઆઈ પિન આપવા જરૂરી નથી.વધુમાં જણાવ્યું છે કે,વેપારીને જથ્થાબંધ માલ સામાન ખરીદી કે ફૂડ ઓર્ડર આપવા માટે ફોન માં સામેવાળા વ્યક્તિ પોરબંદર નેવી કે કોસ્ટગાર્ડ માંથી બોલે છે તેમ જણાવી માલ સામાન નેવી અથવા કોસ્ટગાર્ડ હેડ ક્વાર્ટર ખાતે પહોંચાડવા જણાવી રૂપિયા ચૂકવવા માટે ફોન પે અથવા ગૂગલ પેમાં ક્યુઆર કોડ સ્કેન કરવા જણાવે છે.જે સ્કેન કરી યુપીઆઈ પિન નાખતા જ વેપારીના ખાતા માંથી રૂપિયા કપાઈ જાય છે.આથી કોઈપણ જાતના નાણાં ઓનલાઇન મેળવવા માટે યુપીઆઈ પિન નાખવાની કે ક્યુઆર કોડ સ્કેન કરવાની જરૂર નથી તેવું પોલીસે વેપારીઓને જણાવ્યું છે.
ઉલ્લેખનીય છે કે હાલ માં પોરબંદર શહેર માં પણ વેપારીઓ સાથે આ પ્રકાર ની ઠગાઈ તથા ઠગાઈ ના પ્રયાસ ના કિસ્સા વધી રહ્યા છે.જેથી આ પ્રકારે છેતરાયેલા અનેક વેપારીઓ હાલ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશને જઈ ને પોતાની આપવીતી જણાવી રહ્યા છે.જેથી વધુ કોઈ વેપારી આ રીતે ફ્રોડ નો ભોગ ન બને તે માટે પોલીસે સાવચેતી રાખવા અપીલ કરી છે.