પોરબંદર
પોરબંદર ના વનાણા ટોલનાકા નજીક આવેલ હોટલ માં પાન ના ગલ્લા નું સંચાલન કરતા યુવાને સિગરેટ અને ઠંડા પીણા ની રકમ માંગતા ગ્રાહક તરીકે આવેલ નવ શખ્સો એ તેનું અપહરણ કરી ઢોર માર માર્યો હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
રાણાવાવ ના સ્ટેશન પ્લોટ માં રહેતા અને વનાણા ટોલનાકા નજીક આવેલ વિરમ હોટલ માં પાન ના ગલ્લા માં નોકરી કરતા લખન મુકેશભાઈ કીલાણીયા નામના યુવાને નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ તે ગત રાત્રે પાન ના ગલ્લા પર નોકરી પર હતો.ત્યારે રાત્રે અઢી વાગ્યે જીઆઇડીસી માં રહેતા મયુર ઓડેદરા તથા આઠેક અજાણ્યા શખ્સો ત્યાં આવ્યા હતા.અને સિગરેટ,ઠંડા પીણા અને પાણી ની બોટલો ની ખરીદી કરી હતી.
જેના બીલ ની રકમ રૂ ૪૦૦ માંગતા તે શખ્સો જાળી ખોલી પાન ના ગલ્લા ની અંદર આવી આટલી રકમ ન થાય તેમ જણાવી જેમ ફાવે તેમ ગાળો કાઢી હતી.આથી લખને ગાળો કાઢવાની ના પાડતા તમામ શખ્સો એ તેને ઢીકા પાટું નો માર માર્યો હતો.અને મયુર તથા ચાર શખ્સો તેને ઢસડી અને બહાર લઇ ગયા હતા.અને કાર માં બેસાડી જબરદસ્તી થી રાણાવાવ બાયપાસ લઇ ગયા હતા.અને ત્યાં પણ ઢોર માર માર્યો હતો.અને ત્યાર બાદ તેને પરત પાન ના ગલ્લે મૂકી ગયા હતા.અને આ વાત કોઈ ને કહેશે તો જાન થી મારી નાખવાની ધમકી આપી હતી.ઈજાગ્રસ્ત બનેલા લખન ને રાણાવાવ હોસ્પિટલ ખાતે સારવાર આપવામાં આવી હતી.પોલીસે તમામ શખ્સો સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.