પોરબંદર
નશામૂક્ત ભારત અભિયાન અંતર્ગત પોરબંદર જિલ્લાના મિયાણી પોલીસ સ્ટેશન વિસ્તારના ભાવપરા, પાંચડેરા મંદિર, આવળ માતાના મંદિર પ્રાંગણ ખાતે સમાજ સુરક્ષા કચેરી અને બાળ સુરક્ષા એકમ પોરબંદર દ્વારા તાલિમ શિબિર યોજાઇ હતી.
નશામૂક્ત પોરબંદર જિલ્લો એ જવાબદારી આપણાં સૌની તથા બાળ સુરક્ષા એ જવાબદારી આપણાં સૌની થીમ હેઠળ નશીલા પદાર્થોના સેવનથી થતાં શારીરિક, માનસિક, સામાજિક અને આર્થિક દુરોગામી અસરોની વિસ્તૃત તાલીમમા ગૃહ રક્ષક દળ અને તટરક્ષક દળના જવાનોને એમ.કે.મોરી જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી દ્વારા જાણકારી આપવામાં આવી હતી.
સમાજમાં ગ્રામ્યકક્ષાએ નશીલા પદાર્થોના વ્યસનથી દૂર રહેવા, જુદા જુદા પ્રસંગોમા થતાં વ્યસનોથી દૂર રહેવા નશાબંધી અને આબકારી ખાતાના અધિકારીશ્રી ગોહિલ દ્રારા સામૂહિક શપથ લેવડાવવામાં આવ્યા હતા. નશાકારક પદર્થોના સેવનથી થતી શારીરીક તેમજ માનસિક બિમારીઓ અને તેની સાવચેતી વિશે વિસ્તૃત સંવાદ કરાયો હતો.
જિલ્લા કમાન્ડર ગૃહ રક્ષક દળના સંકલનમાં રહી તાલીમાર્થીઓને નશામુક્ત ભારત અભિયાનને લગતા સાહિત્ય, માસ્ક અને બેગ સહિત કિટનું વિતરણ કરવામાં આવ્યું હતુ. આ કાર્યક્રમમાં બાળ સુરક્ષા એકમ દ્વારા બાળ અધિકારો અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ. શિબિરમા સ્થાનિક પોલીસ સ્ટેશનના અધિકારી તથા ગ્રામ રક્ષક દળ, સાગર રક્ષક દળના ભાઇઓ, બહેનો ઉપસ્થિત રહ્યા હતા.