પોરબંદર
પોરબંદર ના છાયા વિસ્તાર માં રહેતા યુવાને પોલીસ ના ત્રાસ ના કારણે આપઘાત કર્યા ના આક્ષેપ સાથે પરિવારજનો એ મૃતદેહ સ્વીકારવા ઇન્કાર કર્યો હતો.બાદ માં પોલીસે તટસ્થ તપાસ ની ખાતરી આપતા મામલો થાળે પડ્યો હતો.
પોરબંદરના છાયા વિસ્તરમાં ભીમરાવ ચોક માં રહેતા અને વેલ્ડીંગ કામ તથા દીવાલ પર પેન્ટિંગ કરતા ભીમજીભાઇ લાખાભાઇ ઉર્ફે ગોપાલભાઇ શિંગરખીયા(ઉવ ૪૦) નામના યુવાને બપોરે ત્રણેક વાગ્યે તેના રહેણાંક મકાન ના ઉપર ના માળે આવેલ રૂમ માં ગળાફાંસો ખાઇ લેતા તેના મૃતદેહને પીએમ માટે માટે સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.બનાવ ની જાણ થતા બાબુભાઈ પાંડાવદરા સહીત ના અનુસુચિત જાતિ ના આગેવાનો પણ સિવિલ હોસ્પીટલે દોડી ગયા હતા.મૃતક ના પરિવારજનોએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે ભીમજીને પોલીસ દ્વારા અવારનવાર ત્રાસ આપવામાં આવતો હતો.અને તે દારૂ પીતો કે વેચતો ન હોવા છતાં પોલીસ વારંવાર ચેકીંગના નામે ઘરે આવીને હેરાન કરતી હતી.જેથી છેલ્લા દસ દિવસ થી તે સતત ટેન્શન માં રહેતો હતો.અને ત્રાસથી કંટાળીને આ પગલું ભર્યુ છે.તેમ જણાવીને લાશ સ્વીકારવાનો ઇન્કાર કરી દીધો હતો.
આથી આગેવાનો એ કમલાબાગ પોલીસ મથકના પી.આઇ. ધાંધલ્યાને રજૂઆત કરી આ બનાવમાં તટસ્થ તપાસ કરી અને જે પોલીસ ત્રાસ આપતા હોય તેની સામે કડક પગલા ભરવા માંગ કરી હતી.પી આઈ એ તટસ્થ તપાસની ખાત્રી અપાતા અંતે પરિવારજનો એ મૃતદેહને સ્વીકાર્યો હતો.મૃતક ના પરિવારજનો એ જણાવ્યું હતું કે આજે મૃતદેહ ને પીએમ માટે લાવ્યા ત્યારે પણ ચોક્કસ પોલીસકર્મી પીએમ રૂમ ખાતે આવ્યો હતો.અને મૃતક ના મોબાઈલ વિશે પુછપરછ કરી હતી.આથી પરિવારજનો એ પોલીસ કર્મી ની આ વર્તણુક અંગે શંકા દર્શાવી મૃતક ના મોબાઈલ માં છેલ્લા દિવસો માં થયેલ વાતચીત અને નંબરો તપાસવા પણ માંગ કરી હતી.