Friday, November 22, 2024

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદરના કલેકટરે બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને પરીક્ષાના ભયને તિલાંજલિ આપવા પ્રોત્સાહિત કર્યા

પોરબંદર

આગામી તા. ૨૮ માર્ચથી ધો.૧૦ માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષાઓ શરૂ થવા જઈ રહી છે.પરીક્ષાની ગમે તેટલી તૈયારી કરી હોય છતાં પણ પ્રથમ વખત પરીક્ષા આપતા વિદ્યાર્થીઓમાં તેમની કુંમળી ઉંમરને કારણે મનમાં પરીક્ષાનો ભય- હાઉ પ્રસરતો હોય છે.
વિદ્યાર્થીઓને હજુ ઘણી મજલ કાપવાની છે.મહેનત માટે આખું જીવન પડ્યું છે.અનેક સંભાવનાઓથી ભરેલા જીવનમાં એકલદોકલ પરીક્ષા એ જીવનનુ આખરી સત્ય હોતું નથી તે પ્રકારની સમજણ જો પરીક્ષા પૂર્વે આપવામાં આવે તો વિદ્યાર્થીઓ વર્ષ દરમિયાન જે કંઈક શીખ્યું છે,જે કંઈ પ્રેક્ટિસ કરી છે તે સારી રીતે લખી શકે તો તેના રચનાત્મક પરિણામો આવતા હોય છે.

આવા ઉમદા ઉદ્દેશથી પોરબંદરના કલેકટર અશોક શર્માએ જિલ્લા ના વિદ્યાર્થીઓ જોગ એક સંદેશો- પત્ર પાઠવી વિદ્યાર્થીઓમાં મનોવૈજ્ઞાનિક હકારાત્મકતા સાથે પોઝિટિવીટી બહાર હવે તે માટે પહેલ કરી છે.વિદ્યાર્થી જોગ સંદેશામાં કલેકટરશ્રીએ વિદ્યાર્થીઓને પરીક્ષામાં સફળતા માટે કેટલીક ટિપ્સ આપી છે. તે ઉપરાંત મહત્વની સમજણ આપી છે જેનો ટુંકસાર નીચે પ્રમાણે છે.

આપણે તો પૂર્ણ રીતે વિકસિત માનવી છીએ. સંજોગવશાત્ કોઇ નાની-મોટી નિષ્ફળતા આવી જાય તો શાને નિરાશ થવું? વળી જેને અસફળતા માનતા હોઇએ, તેનાથી કોઇ મોટી સફળતાનો મારગ ખૂલતો હોય તેવું પણ બને. ન્યુટન અને આઇન્સ્ટાઇન જેવા મોટા વૈજ્ઞાનિકો કે ગાંધીજી અને પ્રેસિડેન્ટ લિંકન જેવા નેતાઓ પણ સંઘર્ષો વેઠી, અસફળતાઓને અવગણીને આગળ વધ્યા હતા તે કેમ ભૂલાય? વળી બીજા કોઇ ઉપર નિષ્ફળતાના દોષનો ટોપલો ઠાલવવો એ તો જાત સાથેની છેતરપિંડી છે.

કવિના ખુમારીભર્યા આ શબ્દો તો જાણે યુવા માટે જીવનમંત્ર છે, “ત્રણ વાનાં મુજને દીધાં, હૈયું મસ્તક હાથ, બહુ દીધું તે નાથ, જા ચોથું નથી માંગવું” યુવા દોસ્તા એક વાત યાદ રાખો. કોઇ તક અંતિમ નથી. જેમ કોઇ સફળતાને કાયમી વિશ્રામસ્થાન માનવું મૂર્ખતા છે,તેમ કોઇ નિષ્ફળતાને જીવનનો છેડો માની લેવો નરી બાલિશતા છે. ગાંધીજીએ જીવનને સત્યની પ્રયોગશાળા માની હતી, ખરું ને?આપણે પણ જીવનને યોગ્ય દિશામાં પરિશ્રમની પ્રયોગશાળા માનીએ તો ચમત્કાર સર્જી શકીએ.
*બે શબ્દ વાલીઓ જોગ*
દરેક યુવા પરિવાર, સમાજ અને રાષ્ટ્રની અણમોલ ધરોહર છે. તેને અભ્યાસ કે મોજશોખ માટે બધું ઉપલબ્ધ કરીએ તે પૂરતું
નથી. યુવામાનસ ખૂબ સંવેદનશીલ હોય છે. તેને સમજવા પ્રયાસ કરીએ. તેના નાનામોટા દરેક પ્રયાસને વધાવીએ. પ્રોત્સાહન આપીએ. ખૂબ પ્રેમ કરીએ. સબળી બાજુને ટેકો આપી વધુ પુખ્ત બનાવીએ. નબળી બાજુ ડંખરહિત ભાષામાં યુવાના ધ્યાન પર મૂકીએ. એટલું જનહીં, સુધારવા અવસર અને સમય આપીએ.
આપણી અપેક્ષાઓ કે અધૂરાં સપનાંથી યુવાની પાંખો ભીંજવી મૂકવાનું કેટલે અંશે યોગ્ય છે? આટલા ટકા આવવા જ જોઇએ.અને આ જ લાઇનમાં ભણવું છે, તેવી પૂર્વધારણા આભ આંબી શકતા પક્ષીને પિંજરામાં બંધ કરવા સરખું છે. તેને ઉડવા મોકળું આકાશ આપીએ,તો કેવું સારું? હા, એટલું ખરું કે તેની મનોયાત્રાની દિશા-દશા અને ગતિવિધિ આપણા ધ્યાન બહાર ન રહે. પરીક્ષા પહેલાં,દરમ્યાન કે પછી પરિણામ અંગે કલ્પના-વિહાર ટાળીએ.તે રીતે બિનજરુરી તણાવથી બચીએ. પરિણામ પછી એક સમજુ અને પુખ્ત વાલી તરીકે વર્તીએ. જો પરિણામ અપેક્ષા મુજબ કે વધુ સારું હોય તો વધાવી લઇએ.અને એવું ન હોય તો ઠપકો ન આપતાં ‘વધુ સારો પ્રયાસ કરવા પ્રોત્સાહન આપીએ. યાદ રાખીએ,માણસને કપરી વાસ્તવિકતાના સ્વિકાર માટે સમય અને સમજણ બેઉ જોઇએ. તે આપ્યા વિના નહીં જ ચાલો વાલી ભાઇ-બહેનો યુવાધનને ખીલવવાનો ખેડ, ખાતર અને પાણી આ રહ્યા- સમય, શબ્દ અને હુંફા જોઈએ ત્યારે અને જોઇએ તેટલું આપો અને પછી જુઓ કેવો ઉતરે છે મબલખ પાક
કોઇપણ વાલી કે વિદ્યાર્થી પરીક્ષાને લગતી મુંઝવણ માટે જીલ્લા શિક્ષણાધિકારીની કચેરી,પોરબંદરના મનોવૈજ્ઞાનિક કાઉન્સેલર ડૉ.જીગ્નેશ પ્રશ્નાણી (98243 64362)નો સંપર્ક કરી શકે છે.
યુવા દોસ્તોને સફળ અને સાર્થક જીવનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ! વંદે માતરમ

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે