પોરબંદર
તાજેતર માં પાક મરીન દ્વારા સૌરાષ્ટ્ર ની બોટોના અપહરણ ના બનાવો માં વધારો થયો છે.જેને લઇ ને કોસ્ટગાર્ડના ઓખા અને પોરબંદર હેડક્વાર્ટર દ્વારા વિવિધ બંદરો એ માછીમારો સાથે બેઠક નું આયોજન કરાયું હતું.
તાજેતરમાં પાકિસ્તાની સુરક્ષા એજન્સી દ્વારા સંખ્યાબંધ ભારતીય માછીમારી બોટ પકડવામાં આવી હતી.જેને લઇ ને તથા આઇએમબીએલ નજીક પાક જહાજો ની વધેલી હાજરી અંગે જાગૃતિ લાવવા પોરબંદર અને ઓખાના કોસ્ટગાર્ડ હેડક્વાર્ટર દ્વારા પોરબંદર,માંગરોળ,વેરાવળ અને ઓખા ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.કોસ્ટગાર્ડ દ્વારા જણાવાયું હતું કે તેમના દ્વારા આઇએમબીએલ પર કડક નજર રાખવામાં આવે છે.પરંતુ માછીમારોમાં પણ જાગૃતિ અને સંવેદના એટલી જ મહત્વપૂર્ણ છે.બેઠક માં માછીમારો ને આઇએમબીએલ ની નજીક તથા નો ફિશિંગ ઝોન માં માછીમારી ન કરવા સમજાવ્યું હતું.અને માછીમારો ને જાણકારી મળે તે માટે નો ફિશિંગ ઝોન ને સ્પષ્ટપણે સીમાંકન કરતા બેનરો પણ પ્રદર્શિત કરવામાં આવ્યા હતા.માછીમારો એ પણ ઉત્સાહપૂર્વક સમગ્ર માહિતી મેળવી હતી.