પોરબંદર
પાકિસ્તાન મરીન સિક્યુરીટી એ ઓખાની બોટ નું 8 ખલાસીઓ સાથે અપહરણ કર્યા બાદ પાંચ ખલાસીઓ ને મુક્ત કરતા કોસ્ટગાર્ડ દ્વારા તેઓને પોરબંદર લાવવામાં આવ્યા છે.જ્યાં વિવિધ સુરક્ષા એજન્સીઓ દ્વારા તેની પુછપરછ કરવામાં આવી રહી છે.
ઓખા થી ઓપરેટ થતી નવસારીની સત્યવતી નામની ફિશિંગ બોટ 8 ખલાસી સાથે તા 29-1 નાં રોજ ફિશિંગ માં રવાના થઇ હતી.અને ગત રાત્રે ભારતીય જળસીમા નજીક ફિશિંગ કરી રહી હતી.ત્યારે પાકિસ્તાન મરીન સિક્યુરીટી દ્વારા તેનું અપહરણ કરાયું હતું.પરંતુ ત્યાર બાદ બોટ સાથે બોટ માલિક ,બોટ નાં ટંડેલ અને મદદનીશ ટંડેલ મનીષ કેશવ ટંડેલ વિજય મણિલાલ ટંડેલ આશિષકુમાર રમેશ પટેલ નું અપહરણ કરી પાકિસ્તાન તરફ લઇ જવાયા છે.જયારે બોટ માં રહેલ કિશોર ધીરુ નાયકા,મંગુભાઇ નાનુભાઈ હળપતિ,કમલેશ વયુભાઈ નાયકા,રમણ વનમાળી રાઠોડ,રાજુ રવજી હળપતિને મુક્ત કરી દેતા કોસ્ટગાર્ડ ની સમુદ્ર પાવક બોટ દ્વારા તેઓને પોરબંદરની કોસ્ટગાર્ડ જેટી ખાતે લાવવામાં આવ્યા છે.
જ્યાં વિવિધ સુરક્ષા એજન્સીઓ દ્વારા તમામ ખલાસીઓ ની પુછપરછ કરવામાં આવી રહી છે.જો કે અગાઉ ક્યારેય આ રીતે પાક મરીન દ્વારા અપહરણ કરાયેલા ખલાસીઓ ને મુક્ત કરવામાં આવ્યા નથી.ત્યારે પ્રથમ વખત મુક્ત કરતા અનેક સવાલો ઉઠી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે હજુ ત્રણ દિવસ પહેલા પણ પાક મરીન દ્વારા તુલસીમૈયા નામની બોટ નું છ ખલાસીઓ સાથે અપહરણ કર્યું હતું.ત્યારે વધુ એક બોટ નું અપહરણ થતા માછીમારો માં રોષ જોવા મળે છે.