Tuesday, July 1, 2025

|| तुम रक्षक काहू को डरना ||

ACHIEVER:નિર્જીવ રેતી માં પ્રાણ ફૂંકતા પોરબંદર ના આ નિવૃત બેંક અધિકારી :જાણો વિગત


પોરબંદર

મિત્રો પોરબંદર અચીવર્સ માં આ વખતે વાત કરશું એવા વ્યક્તિ ની જેણે  બેંક અધિકારી  તરીકે વરસો સુધી ફરજ બજાવી હતી સાથે સાથે પોતાની અંદર રહેલી કળા ને પણ જીવંત રાખી છે. આજે વાત કરીએ કોઈ પણ ગુરુ વગર સમુદ્ર ને પોતાનો ગુરુ માની અને રેતશિલ્પ માં નિષ્ણાત બનેલા જાણીતા રેતશિલ્પકારઅને ચિત્રકાર એવા  નથુભાઈ   ગરચર ની ..

સામાન્ય રીતે કોઈપણ જાતની કલા શિખતા કલાકારો પોતાની કલાને નિખારવા માટે કલાગુરૂનો સહારો લેતા હોય છે અને તેમની પાસેથી માર્ગદર્શન મેળવીને તેઆે પોતાની કલાને નવો જ ઓપ  આપતા હોય છે. પરંતુ પોરબંદરમાં રેતશિલ્પનાં એક એવા કલાકાર છે કે જેમને આપણે એકલવ્યનું બિરૂદ આપી શકીએ. કે જેમણે કોઈપણ ગુરૂની પાસે તાલીમ લીધા વગર જાત અનુભવથી પોતાની કલાને અદભુત  રીતે સાડા ચાર દાયકાથી વિકસાવી છે અને આજે પણ તેઆે પોતાની આ કલાને શોખથી આગળ ધપાવી રહ્યા છે. પોરબંદર શહેરને અત્યંત રમણીય દરિયાકિનારો પ્રાપ્ત થયો છે અને આ સુંદર બીચ ઉપર રેતીમાં અદ્ભુત રેતશિલ્પો નિયમીત રીતે દરરોજ સાંજે તૈયાર કરતા રેતશિલ્પ કલાના બેતાજ બાદશાહ એવા કલાકાર નથુભાઈ ગરચર પોતાની અનોખી કલાકારીગીરીને વિકસાવી રહ્યા છે

ઈ.સ. 1971 થી રેતશિલ્પ કલાનો પ્રારંભ
પોરબંદરના ઝુરીબાગ વિસ્તારમાં રહેતા સ્ટેટ બેન્ક આેફ ઈન્ડીયામાં સ્પેશીયલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવી થોડા સમય પહેલા જ નિવૃત થયેલા રેતશિલ્પ કલાકાર નથુભાઈ ગરચર એટલા માટે રેતશિલ્પનાં બેતાજ બાદશાહ ગણાવવામાં આવે છે. કેમ કે તેઆે છેલ્લા 49 વર્ષથી એટલે કે ઈ.સ. 1971 ની સાલથી રમણીય દરિયાકિનારે અવનવા શિલ્પ બનાવે છે. તેમણે ઈ.સ. 1971 થી 1978 સુધી સળંગ દરરોજ સાંજે 7 વર્ષ સુધી અવનવા રેતશિલ્પ બનાવીને પોતાની કલાને જાતે જ વિકસાવી છે.તેઓએ એવું જણાવ્યું હતું કે દરિયો જ મારો ગુરુ અને દરિયો જ મારી યુનિવર્સીટી છે


દોઢ ફૂટ ઉંચાઈથી અને ૨૦ ફૂટ ઉંચાઈ સુધી ના હજારો રેતશિલ્પ બનાવ્યા
પોરબંદરના સુંદર દરિયાકિનારે છેલ્લા 45 વર્ષમાં નથુભાઈ ગરચરે દોઢ ફૂટ કે તેથી વધુ ઉંચાઈના થી લઇ અને વીસ ફૂટ સુધી ના હજારો રેતશિલ્પો તૈયાર કર્યા છે. અને ૨૦૧૧ માં સોમનાથ ખાતે તો તેઓ એ ૨૦ ફૂટ ઉંચાઈ અને ૧૨૫ ફૂટ પહોળાઈ ધરાવતું ભગવાન શિવજી નું વિશાળ રેતશિલ્પ બનાવ્યું હતું જે હજારો લોકો ના આકર્ષણ નું કેન્દ્ર બન્યું હતું આજે પણ ફુરસત ના સમયે સાંજે ચાર વાગ્યાથી સાત વાગ્યા દરમિયાન રેતશિલ્પ બનાવે છે. ચોપાટી ઉપર હજુરપેલેસના આગળના ભાગે દરિયાકિનારાની તદન નજીક તેઆે શિલ્પ તૈયાર કરે છે.કઈ રીતે બનાવે છે રેતશિલ્પ
રેતશિલ્પ ની આકર્ષક કૃતિ કઇ રીતે તૈયાર કરવામાં આવે છે તે અંગે તેઓએ પોરબંદર ટાઈમ્સ સાથે વાતચીત માં એવું જણાવ્યું હતું કે જો ભીની રેતી હોય તો તેમાં વધુ કશું કરવાની જરૂર રહેતી નથી પરંતુ ઉનાળા ના સમય માં રેતી સુકી હોય તો પહેલાં દરિયાની ઝીણી રેતીનો ઢગલો પહાડ માફક કરવામાં આવે છે તેના ઉપર સતત પાણી છંટકાવ કરી પ્રેસરાઇઝ કરવામાં આવે છે જેથી ઢગલામાં પાણી મિક્સ થઇ જાય પછી એ ભીની રેતી ઉપર આકૃતિ કંડારવાનું શરૃ કરરાય છે. વચમા-વચમા આછુ સરખું પાણીનો છંટકાવ તો ચાલુ જ રાખવાનો જેથી રેતી સુકાઇ ન જાય શિલ્પ પુરું થાય પછી પાણી બંધ કરવામાં આવે. સમગ્ર પહાડના ઢોળાવ આકારને પણ કમળ, ડિઝાઇન કે નેચરલ શિલ્પ દોરી સુશોભીત કરવામાં આવે છે. મૂર્તિ અને આકારો કંડરાઇ ગયા પછી માત્ર પાણીની વાંછટો જ હળવા હાથે હવામાં છંટકાવ કરાય છે


નજીવા ખર્ચે આ કળા વિકસાવી શકાય
નથુભાઈ એ જણાવ્યું હતું કે જુદા-જુદા પ્રકારની કલાઓને વિકસાવવા માટે કલાકારોને હજારો રૂપિયાનો ખર્ચ કરવો પડતો હોય છે તે માટેના સાધનો વસાવવા પડતા હોય છે. પરંતુ રેતશિલ્પ એ એક એવી કલા છે કે જેમાં કોઈપણ જાતના સાધનોની જરૂર પડતી નથી. માત્ર લાકડાના ટુકડા વડે કે પતરાના કટકા વડે પણ અદભુત રેતશિલ્પ તૈયાર કરી શકાય છે. તેથી કહી શકાય કે એકપણ પૈસાના ખર્ચ વગર આ કલાને આગળ ધપાવી શકાય છે. .અને તેઓ પતરા ના ટુકડા અને બ્રશ હમેશા પોતાની સાથે રાખે છે

રેતશિલ્પ ની સાથે સાથે પેઇન્ટિંગ માં પણ માહેર
નથુભાઈ રેતશિલ્પ ની સાથે સાથે પેઇન્ટિંગ માં પણ ખુબ માહેર છે અને સૌ પ્રથમ સ્કેચ ના શોખ બાદ ચિત્રકળા માં પણ તેઓ ખુબ આગળ વધ્યા છે અને ઓઈલ પેઇન્ટિંગ ,એક્રેલિક પેઇન્ટિંગ ,વોટર કલર વગેરે ના માધ્યમ થી ખુબ સુંદર ચિત્રો તૈયાર કરે છે અને સ્કેચ નો શોખ તેઓને રેતશિલ્પ માં પણ ખુબ મદદરૂપ નીવડ્યો છે અને કોઈ પણ આયોજન વગર માત્ર બ્રશ અને પતરા ની મદદ થી તેઓ ગણતરી ના સમય માં આકર્ષક રેતશિલ્પ તૈયાર કરી શકે છે

અત્યાર સુધી માં અનેક એવોર્ડ -ઇનામો મેળવ્યા
પોરબંદર ના આ રેતશિલ્પકાર આમ તો બેંક ના નિવૃત કર્મચારી છે બેંક ની શુષ્ક નોકરી ની સાથે સાથે પોતાના માં કળા જીવંત રાખી છે તેઓને બચપન થી જ રેતીશિલ્પ બનાવવાનો શોખ છે.ઉપરાંત પેઈન્ટીંગ કળા માં પણ માહેર છે.૧૯૮૦ માં ગુજરાત સરકાર દ્વારા આયોજિત પેઈન્ટીંગ સ્પર્ધા માં તેઓએ પ્રથમ ઇનામ મેળવ્યું હતું. તો ૧૯૮૩ માં લલિતકલા એકેડેમી દ્વારા એવોર્ડ સન્માનિત કરાયા હતા.તો ૨૦૧૦ માં પોરબંદર ખાતે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી એ સેન્ડઆર્ટ માં પ્રથમ આવવા બદલ તેઓને સન્માનિત કર્યા હતા.અત્યાર સુધી માં તેઓએ પાંચ વખત ઓરિસ્સા ના કોણાર્ક બીચ ખાતે ઇન્ટરનેશનલ સેન્ડ આર્ટ ફેસ્ટીવલ માં ભાગ લીધો છે.તો સોમનાથ મંદિર ખાતે પણ ચાર વખત તેઓએ પોતાની રેતશિલ્પ કળા પ્રદર્શિત કરી છે. ઉપરાંત સિદ્ધપુર પાટણ ખાતે આયોજિત માતૃવંદના કાર્યક્રમ માં આકર્ષક રેતીચિત્ર બનાવી સરાહના મેળવી હતી ,રેતી ચિત્રો માં તેઓ મુખ્યત્વે ફિંગર વર્ક આર્ટ ફોર્મ ના રેતી ચિત્રો બનાવે છે. ૨૦૧૨ માં મધ્યપ્રદેશ ના ઉજ્જૈન ખાતે કાલિદાસ એકેડેમી નો નેશનલ એવોર્ડ પણ તેઓને એનાયત કરવામાં આવ્યો હતો,તો ડુમસ ખાતે તાજેતર માં લલિતકલા એકડેમી દ્વારા આયોજિત કાર્યક્રમ માં પણ તેઓએ આકર્ષક રેત શિલ્પ તૈયાર કર્યું હતું એ સિવાય અનેક નાના મોટા એવોર્ડ સન્માનો મેળવ્યા છે એકબાજુ પોરબંદર શહેરને ટુરીઝમ ક્ષેત્રે વિકસાવવા માટે સરકાર કરોડો રૂપિયા ખર્ચી રહી છે. ત્યારે પોરબંદર માં માત્ર ગુજરાત કે ભારતના જ નહીં, પરંતુ વિશ્ર્વભરના પ્રવાસીઓ અહીં ઉમટી પડે છે અને રમણીય દરિયાની મજા માણવા આવે છે. ત્યારે પોરબંદરને ટુરીઝમ ક્ષેત્રે વિકસાવવા રેતશિલ્પકલા ઉપયોગી સાબિત થઈ શકે તેમ છે. પોરબંદર માં અનેક નવા- ઉગતા રેતશિલ્પકારો છે.  ચોપાટી ઉપર ચોક્કસ જગ્યા અલગથી ફાળવીને ત્યાં કલાકારો દ્વારા બારેમાસ અવનવા શિલ્પો તૈયાર કરવાની કામગીરી આરંભાય તો ફરવા આવતા પ્રવાસીઓને પણ આ કલા વિશેની જાણકારી મળી શકે તેમ છે. તો સાથે સાથે નવા ઉગતા કલાકારો ને પણ પ્રોત્સાહન અને પ્લેટફોર્મ મળી શકે તેમ છે

આવતા અઠવાડિયે એક નવા અચીવર ની વાત લઇ ને ..

-નિપુલ પોપટ 

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે