પોરબંદર ના સીનીયર સીટીઝન ને પ્રદુષણ નિયંત્રણ બોર્ડે જેતપુર ના ઉદ્યોગો નું પાણી શુદ્ધ કરી ને પોરબંદર નજીક ના દરિયામાં જ ઠાલવવામાં આવશે તેવો જવાબ આપતા અનેક ચર્ચાઓ જાગી છે.
જેતપુરના સાડી ઉદ્યોગ નું કેમિકલ યુક્ત પાણી પોરબંદર નજીક ના દરિયા માં વહાવવા માટેના પ્રોજેકટ નો ભારે વિરોધ થયો હતો. અને ‘સેવ પોરબંદર સી’ કમીટી,માછીમાર આગેવાનો અને અન્ય સંસ્થાના આગેવાનો એ મુખ્યમંત્રીને રૂબરૂ મળીને રજૂઆત કરી હતી. ત્યારે તેઓએ પોરબંદરવાસીઓને વિશ્વાસમાં લીધા વગર આ પ્રોજેકટ આગળ ન વધારવા ખાતરી આપી હતી.
પરંતુ સીનીયર સીટીઝન પુંજાભાઈ લાખાભાઈ કેશવાલા એ અગાઉ આ મામલે ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડને કરેલી રજૂઆત ના જવાબમાં બોર્ડના તકેદારી અધિકારી આર.બી. ત્રિવેદી એ એવો લેખિત જવાબ આપ્યો છે કે સરકાર દ્વારા ડીપ-સી એફલ્યુઅન્ટ ડીસ્પઝલ પાઇપ લાઇન પ્રોજેકટ અંતર્ગત સામૂહિક શુદ્ધિકરણ એકમમાંથી (સી.ઈ.ટી.પી.) શુધ્ધ કરેલ ગંદુ પાણીના ઉંડા દરિયામાં નિકાલ કરવા માટેની પાઇપલાઇન તથા પમ્પીંગ સ્ટેશનના અમલીકરણની કામગીરી ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ હસ્તક ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રકચર લિર્મીટેડને સોંપવામાં આવી છે.
જે અંતર્ગત જે તે વિસ્તારના સંલગ્ન સામૂહિક શુધ્ધિકરણ એકમમાંથી શુધ્ધ કરેલ ગંદુ પાણી સમુદ્રમાં અંદરના ભાગ પાઇપલાઇન દ્વારા ઉંડા દરિયામાં પર્યાવરણને નુકશાન ન થાય તે રીતે સરકાર માન્ય સંસ્થા દ્વારા વૈજ્ઞાનિક અભ્યાસ કરાવ્યા બાદ તેઓ દ્વારા સુચવવામાં આવેલ પોઇન્ટ પર નિકાલ કરવાનો રહે છે.આ જવાબ ના પગલે અનેક ચર્ચાઓ જાગી છે અને મુખ્યમંત્રી ની ખાતરી નું શું તેવા સવાલો પણ ઉઠી રહ્યા છે અને જો શહેરીજનો ની ઈચ્છા વિરુધ જઈ ને ગંદુ પાણી દરિયામાં ઠાલવવાની યોજના કાર્યાન્વિત કરવાની હિલચાલ થશે તો પણ આંદોલન ના એંધાણ વર્તાઈ રહ્યા છે ત્યારે સરકાર લોકસભા ચૂંટણી સુધી આ પ્રોજેક્ટ પર બ્રેક લગાવશે તેવી પણ ચર્ચાઓ ચાલી રહી છે