પોરબંદર
આપણી આ કોલમ નું નામ અચીવર્સ છે પરંતુ આજે તેની પ્રથમ કડી માં આપણે એક એવા વ્યક્તિ ની વાત કરવાની છે જેઓએ અચીવ કરવા ના બદલે ઘણું ગુમાવ્યું છે પરંતુ જે ગુમાવ્યું છે તેની સરખામણી એ તેઓએ જે મેળવ્યું છે તે અમુલ્ય છે આથી આ શ્રેણી ની સૌ પ્રથમ કડી માં આપણે તેમના વિષે જાણીશું
એક એવી વ્યક્તિ વિષે જેઓએ મૂંગા જીવો ની સેવા સાર સંભાળ માટે મીકેનીકલ એન્જીનીયર ની હજારો રૂપિયા ની નોકરી ને ઠોકર મારી હતી અને એક દાયકા થી વધારે સમય થી પોતાની જિંદગી ગૌમાતા ની સેવામાં સમર્પિત કરી છે
ગાય એટલે પવિત્ર, ગાય આપણી સંસ્કૃતિનો પાયો.. આપણે જાણીએ છીએ પુરાણોમાં પણ ગાયને શ્રેષ્ઠ માનવામાં આવે છે. ગાય વિશે એવું પણ કહેવાય છે કે ગાયમાતામાં ૩૩ કરોડ દેવતાનો વાસ છે.આપણે તો ગાયનું મહત્વ જાણીએ છીએ સાથે વૈજ્ઞાનિક રીતે પણ ગાયના છાણ, દૂધ, મૂત્રનો ઉપયોગ ઘણી જગ્યાએ થાય છે. પરંતુ ગાયો બીમાર કે ઈજાગ્રસ્ત થાય ત્યારે તેના માલિકો ઘણી વખત તેને રસ્તે રઝળતી કરી મુકે છે આથી આવા ગૌધન ની હાલત ખુબ કફોડી થઇ જાય છે આવી બીમાર અને ઈજાગ્રસ્ત ગાયો ની સેવામાં પોતાનું સમગ્ર જીવન ખર્ચી નાખનાર પોરબંદર ના રોહિતસિંહ ગંભીરસિંહ જાડેજા જેમની હાલ ની ઉમર ૪૫ વરસ છે. મૂળ કચ્છ ના અને છેલા ચાલીસેક વરસ થી પોરબંદર માં સ્થાયી થયેલા રોહિતસિંહ ના પિતા ગંભીરસિંહ જાડેજા પોરબંદર ની સૌરાષ્ટ્ર કેમિકલ બિરલા એટલે કે હાલ નીરમા તરીકે ઓળખાય તે કમ્પની માં સિક્યુરીટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા હતા.બે બહેનો વચે એક માત્ર ભાઈ એટલેકે રોહિતસિંહ જાડેજા એ પોરબંદર ની પોલીટેકનીક કોલેજ માં મિકેનિકલ એન્જીનીયરીંગ માં ડીપ્લોમાં કર્યું હતું બાદ માં પિતા જ્યાં નોકરી કરતા હતા. તે ફેક્ટરી માં જ તેઓ થર્મલ પાવર પ્લાન્ટ વિભાગ માં એન્જિનિયર તરીકે જોડાયા પરંતુ નાનપણ થી જ તેમને ગૌમાતા પ્રત્યે વિશેષ પ્રેમ અને લાગણી હતા. નોકરી ની સાથે સાથે તેઓ બીમાર અને ઈજાગ્રસ્ત ગૌમાતા ની સેવા પણ કરતા હતા પરંતુ નોકરી ની જવાબદારી ને કારણે તેઓ પુરતો સમય ગૌમાતા ની સેવા માટે આપી શકતા ન હતા. આથી પાત્રીસ વરસ ની ઉમરે તેઓએ ૫૦ હજાર ની પગારવાળી થર્મલ પાવર પ્લાન્ટ ના હેડ એન્જીનીયર તરીકે ની નોકરી છોડી દીધી અને ત્યાર થી ફૂલ ટાઈમ ગૌમાતા ની સેવા માં પોતાનું જીવન સમર્પિત કરી દીધું.
જે રીતેપોરબંદર ના મહાત્મા ગાંધી ને લોકો બાપુ તરીકે ઓળખે છે તે જ રીતે રોહિતસિંહ ને પણ બાપુ ના હુલામણા નામ થી જ લોકો બોલાવે છે. ગૌવંશ ના જતન અને સેવા માટે તેમણે લગ્ન પણ નથી કર્યા.માતા નું ૨૦૦૫ માં મોત થયા બાદ પિતા ગંભીરસિંહ તેમની પુત્રી જ્યાં સાસરે છે. ત્યાં ભાવનગર ખાતે સ્થાયી થયા છે. અને રોહિતસિંહ છેલા દસેક વરસ થી તો પોરબંદર ના મહારાણા મિલ ની ચાલી માં આવેલ પોરાઇ માં ગૌશાળા માં દિવસ રાત સતત ગૌમાતા ની સેવા કરે છે. અહી ૩૦૦ જેટલી ગાયો છે જેમાં અનેક બીમાર અને ઈજાગ્રસ્ત ગાયો પણ છે તેઓ ઉપરાંત અહી રાજુભાઈ સરમાં અને અન્ય ગૌભકતો ની સાથે મળી અને તમામ ગાયો ની સેવા કરે છે. ઉપરાંત બીમાર ગાયો ની પ્રાથમિક સારવાર અને પાટાપીંડી સહીત ના કાર્યો પણ તેઓ જાતે જ કરે છે.
શહેર માં ક્યાય ઈજાગ્રસ્ત કે બીમાર ગાય નજરે ચડે તો તુરંત સ્થાનિકો બાપુ ને ફોન કરે છે. અને ગૌશાળા માં ગાયોના વહન માટે કોઈ વાહન પણ ન હોવાથી તેઓ રીક્ષા કે અન્ય વાહન મારફત ઈજાગ્રસ્ત અને બીમાર પશુઓ ને ગૌશાળા ખાતે લાવે છે અને જાતે જ સારવાર કરે છે. નોકરી દરમ્યાન કરેલ બચત ના ચારેક લાખ રૂપિયા પણ તેઓએ ગાયો માટે ખર્ચી નાખ્યા હતા. દૈનિક ૫ થી ૬ હજાર નો ખર્ચ અહી ગૌશાળા ના નિભાવ માટે જરૂરી છે. હાલ માં અહી ઘાસચારા ની અછત હોવાથી પોરબંદર જનતાં અને ગૌસેવકો ને ગાયો માટે નું ઘાસ સીધું ગૌશાળા ખાતે મોકલી આપવા પણ અપીલ કરી છે. ગૌવંશ ને બચાવવા ગત વરસે રાજ્ય સરકાર દ્વારા જે કડક કાયદો બનાવાયો છે તે અંગે તેઓએ એવું જણાવ્યું હતું કે આ કાયદો ખુબ જરૂરી હતો ઉપરાંત હજુ જે રીતે વાહનો ઓવરલોડ ભરે છે. તેને દંડ કરવામાં આવે છે તે જ રીતે ગાડા માં પણ ઘણી વખત કેપેસીટી કરતા વધુ માલ ભરવામાં આવે છે જેને લીધે મૂંગા પશુઓ ને સહન કરવું પડે છે તેઓ વધારે ભાર હોવા અંગે ફરિયાદ પણ કરી શકતા નથી આથી આ રીતે ઢોર પર એક જાત નો અત્યાચાર કરનાર વિરુધ પણ કડક નિયમો બનાવવા જોઈએ તેમ રોહિતસિહે જણાવ્યું હતું
બાપુ ના આ અબોલ જીવો માટે ના સેવાયજ્ઞ માં રાજુભાઈ સરમાં, લખુભાઇ બાપોદરા,હાજાભાઈ સીડા, રાજુ ભાઈ ગોઢાણીયા,રણજીત સુંડાવદરા, રવિ ઓડેદરા,પરબત કેશવાલા,અરજણ મોઢવાડીયા,ભરત સોલંકી, કરશન મોઢવાડીયા, કિશોર કેશવાલા,સાગર, સંદીપ ઓડેદરા, સંજય ઓડેદરા, હાર્દિક ઓડેદરા, રાજ સીસોદીયા, કેશુ ગોઢાનીયા,નારણભાઈ પોરિયા વગેરે ગૌ સેવકો પણ સહભાગી બને છે
આવતા અઠવાડિયે વધુ એક અચીવર ની કહાણી સાથે મળશું
-નિપુલ પોપટ