પોરબંદર
રાણાવાવ ગામે જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ખોળ-કપાસીયા અને ભુસાના ભાવો મામલે મામલતદાર કચેરી સામે પ્રતિક ઉપવાસ કરવામાં આવ્યા હતા.ઉપરાંત મામલતદાર ને આવેદન પણ પાઠવાયું હતું.
પોરબંદર જીલ્લા કોંગ્રેસના સમિતિના પ્રમુખ નાથાભાઈ ઓડેદરાના નેતૃત્વમાં રાણાવાવની મામલતદાર કચેરી સામે માલધારીઓને વેઠવી પડતી હેરાનગતિઓ અંગે એક દિવસીય પ્રતિક ઉપવાસ નું આયોજન કરવામાં આવ્યું હતું. નાથાભાઈ એ જણાવ્યું હતું કે માલધારીઓને પશુધન નિભાવવા માટે જરૂરી ખોળ-કપાસીયા અને ભુસાના વધતા ભાવ વધારાને લીધે માલધારીઓ ત્રાહિમામ પોકારી ગયા છે.પશુપાલકો દ્વારા અવારનવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં વેપારીઓ અને સરકારની સાંઠગાંઠને લીધે પશુઓ માટે ખોરાકના ભાવ સતત વધતા જાય છે.બીજી બાજુ દૂધના પોષણ ક્ષમ ભાવ મળતા નથી.તેથી સરકારને લેખિત રજૂઆતો પશુપાલકો દ્વારા અનેક વખત કરવામાં આવી ચુકી છે.તો પણ તેનું નિરાકરણ આવતું નથી.ભાવ ઘટવાને બદલે દિન-પ્રતિદિન વધી રહ્યા છે.માલધારીઓને પડતી મુશ્કેલીઓને વાચા આપવા માટે આ એક દિવસીય ઉપવાસ આંદોલન કરવામાં આવ્યું છે.અને મામલતદારને પણ આવેદન પત્ર આપ્યું છે. ખોળ-કપાસીયાના ભાવે એક હજારથી ઓછા અને ભુસાના ભાવ છસો થી ઓછા રાખવા માટે સરકાર યોગ્ય વ્યવસ્થા ગોઠવે તે જરૂરી છે.જો સરકાર આ મુદે નકકર કાર્યવાહી નહીં કરે તો ઉગ્ર આંદોલન ની પણ ચીમકી આપી છે.