પોરબંદર
વધુ એક વખત પોરબંદર ફિશરીઝ વિભાગ દ્વારા ખરાબ હવામાન તથા ભારે પવન ફૂંકાવાની આગાહી હોવાનું જણાવી દરિયા માં રહેલી બોટો પરત બોલાવી લેવા સૂચના અપાઈ છે.જેના પગલે માછીમારો માં રોષ જોવા મળે છે.અને વારંવાર બોટો પરત બોલાવતા થયેલ નુકશાન અંગે સર્વે કરી વળતર ચુકવવા માંગ ઉઠી છે.
મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામકની કચેરી દ્વારા પોરબંદર જીલ્લા નાં તમામ હોડી તથા બોટ ધારકો ને પત્રથી જાણ કરવામાં આવી છે કે હવામાન ખાતા દ્વારા મળેલ સુચના મુજબ ખરાબ હવામાન તથા ભારે પવન ફૂંકાવાની શક્યતા હોવાથી દરીયામાં માછીમારી માટે ગયેલ તમામ ફીશીંગ બોટોને તાત્કાલીક પરત બોલાવી લેવા તેમજ તા. 31/1 થી અન્ય સુચના ન મળે ત્યા સુધી ફીશીંગ બોટોને માછીમારી માટે ટોકન ઇસ્યુ ન કરવા સુચના આપવામાં આવી છે.
જે અંગે માછીમાર બોટ એસોસીએશનના પ્રમુખ મુકેશભાઈ પાંજરીએ જણાવ્યું હતું કે,વારંવાર હવામાન ખાતા ની આગાહી નાં આધારે બોટોને પરત બોલાવી લેવા તથા ટોકન ઇસ્યુ ન કરવાની સૂચના આપવામાં આવે છે.જેથી માછીમારોને ભારે નુકશાની વેઠવી પડે છે.ગત અઠવાડિયે જ ખરાબ વાતાવરણની શક્યતાને પગલે બોટો પરત બોલાવી લેવામાં આવી હતી.અને હાલ પણ સૂચના મળી છે.પરંતુ બોટો રવાના થાય ત્યારે સમગ્ર ટ્રીપ માટે રાશન,બરફ સહિતનો જથ્થો સાથે રાખી રવાના થતી હોય છે.અને એક ફિશિંગ બોટની ટ્રીપ પાછળ રૂ. 4 લાખ જેટલો ખર્ચ થાય છે.જેથી ટ્રીપ ટૂંકાવી દરિયામાંથી પરત ફરવાથી ડીઝલ,બરફ સહિતની નુકશાની થાય છે.જેથી માછીમારોને થતી નુક્શાનીનું સરકારે વળતર આપવું જોઈએ હાલ પણ 1500 જેટલી પોરબંદરની બોટ સમુદ્રમાં ફિશિંગ કરવા ગઈ હોવાનું તેઓએ જણાવ્યું હતું.