Friday, November 22, 2024

|| तुम रक्षक काहू को डरना ||

કુતિયાણા ના મહોબતપરાના પ્રગતિશીલ ખેડૂત ની દાસ્તાન: ૨૦ વીઘા જમીનમાં ફર્નિચર, સ્ટીમર માટે ઉપયોગી મલેશિયન લિમડાનુ કર્યુ વાવેતર

પોરબંદર
કુતિયાણાનાં મહોબતપરા સીમમાં રહેતા નારણભાઇ ઘરસંડીયાએ પોતાની ૨૦ વિઘા જમીનમાં બોટ બનાવવા માટે વપરાતા કિંમતી સાગ મલેશિયન લીમડો/  મલબારી સાગ વાવીને અન્ય ખેડૂતો માટે પ્રેરણાદાયી બન્યા છે.

ખેડૂત સંશોધક હોવો જોઇએ પોતાની જમીનમાં પરંપરાગત ખેતીની સાથે આધુનિક ઢબે ખેતી ખેડવી જોઇએ. પાક ઉત્પાદન માટે જમીન, પાણી અને યોગ્ય આબોહવા ખુબ જ મહત્વનો ભાગ ભજવે છે. વર્ષો સુધી એકને એક પાક લેવાથી જમીનની ફળદ્રુપતા ઓછી થાય છે, ત્યારે પાક બદલતા રહેવું જમીન માટે ખૂબ જ મહત્વનું છે.

પોતાની જમીનમાં કઇક અલગ કરવાના ઉત્સાહ સાથે નારણભાઇએ ફર્નિચર અને બોટ બનાવવા માટે વપરાતુ લાકડુ મલેશિયન લીમડો રોપવાનો વિચાર આવ્યો. શોધખોળ બાદ તેને જાણવા મળ્યુ કે, આણંદ ખાતે મલબારી સાગનાં રોપા વેચાતા મળે છે. તેઓ આણંદ પહોંચ્યા અને ત્યાથી રૂા.૧૫ નો એક રોપો એવા રૂા.૫૧ હજારનાં ૩૪૦૦ રોપા લઇ આવ્યા અને પોતાની જમીનના ૨૦ વિઘા ખેતરમાં એ રોપા રોપ્યા હતા.

આ અંગે નારણભાઇ જણાવે છે કે, ખેતી આધુનિક ઢબથી પણ થવી જોઇએ, ખેડૂત સરખુ ધ્યાન આપે તો ખેતીમાંથી સારી એવી આવક મેળવી શકાય છે. મેં એક દોઢ વર્ષથી ૨૦ વિઘા જમીનમાં મલબારી સાગ રોપ્યા છે. આજે નાળિયેરી કરતા પણ મોટા લાગતા આ સાગની હું ૬ થી ૭ વર્ષ પછી કાપણી કરીશ. ત્યારે તેનો ઉપયોગ ફર્નીચર બનાવવા થશે. તે જણાવે છે કે આ સાગને જમીનમાં ૧૫ થી ૨૦ વર્ષ સુધી રાખવામાં આવે તો તેનુ વજન ૧ ટન થઇ જાય જે બોટ માટે ખુબ જ ઉપયોગી બને છે. આ સાગમા ટર્બોઇન ઓઇલનો ભાગ હોય એમ જાણવા મળ્યુ છે. આ ઓઇલ સ્ટીમર, બોટ બનાવવા માટે ખુબ જ ઉપયોગી હોય છે. અને સાગની કાપણી જો ૬ થી ૭ વર્ષ બાદ કરવામાં આવે તો એક સાગનુ વજન ૨૫૦ થી ૩૦૦ કિલો હોય જેમાથી ફર્નિચર બને છે. અને તેના કાચામાલ માંથી કાગળ બને છે. એટલે કશુ વેસ્ટ જતુ નથી.

આ પ્રકારનાં વાવેતરમાં કોઇ જાતની દવા, ખાતરની જરૂરીયાત રહેતી નથી. ફક્ત ઉનાળામાં એક થી બે વાર પાણી પાવુ પડે છે. સાગ ખુબ જ ઉંચા હોવાથી કોઇ જાતનાં પશુ કે જંગલી પ્રાણી નુકશાન કરી શકે નહીં. તથા બે સાગના વાવેતર વચ્ચે ૧૦ બાય ૧૦ ની જગ્યા હોવાથી જમીનના ખાલી ભાગમાં શાકભાજી, મગફળી જેવા મહત્વનાં આંતરપાકોનું વાવેતર પણ કરી શકાય છે. તેઓ જણાવે છે કે, ચોમાસામાં વરસાદ ગમે તેટલો પડે પણ જો જમીનમાં પાણી ભર્યુ ન રહે તો સાગને કોઇ નુકસાન થતુ નથી. વર્ષમાં ૨ થી ૩ વાર પાકને વોરવા નાં મજુરી ખર્ચ સિવાય કોઇ જાતની મહેનત કે ખર્ચ વગર બીજા પાકની સાથે મલેશિયન લીમડો વાવીને સારી એવી કમાણી કરી શકાય છે. જેમ ધીરજ રાખવામાં આવે તેમ આ સાગની બજારમાં કિંમત વધારે મળે છે.

અત્રે નોંધનીય છે કે, બોટ બનાવવા માટે લોકો બિજા રાજ્યોમાંથી સાગનુ લાકડું ખરીદીને લઇ આવે છે. સાગને અહી સુધી પહોંચાડવા માટે ટ્રાન્સપોર્ટેશન  ખર્ચ અને જોખમ પણ રહે છે. ડિઝલનુ બીલ અને કન્ટેનરનું ભાડુ ખૂબ જ વધારે હોવાથી બોટ, સ્ટીમર બનાવવાનો ખર્ચ ખુબ જ વધી જતો હોય ત્યારે નારણભાઇની જેમ સ્થાનિક ખેડૂતો આ પ્રકારના મલેશિયન લીમડાનું વાવેતર કરે તો ભવીષ્યમાં સારી એવી આવક ઉપજાવી શકાય અને સ્થાનિક જરૂરીયાત માટે વેપારીઓને સાગ પણ ઘર આંગણેથી જ મળી શકે.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે