પોરબંદર
પોરબંદર જિલ્લામાં જળ શક્તિ અભિયાનને સાર્થક કરવા જનશક્તિ કટીબધ્ધ છે.અમૃત સરોવર વિકસાવવા માટે સરકાર અને જનતાના સહિયારા પ્રયાસોથી ગામે ગામ તળાવો ઉંડા થઇ રહ્યા છે.વરસાદી પાણીના સંગ્રહ માટે જિલ્લામાં ૭૫ તળાવો-જળાશયોને અમૃત સરોવર તરીકે વિકસાવવાના ભારત સરકારનાં અભિયાનમાં જનશક્તિ જોડાઇને તળાવો ઉંડા કરવા કટીબધ્ધ થયા છે.કુતિયાણા તાલુકાનાં કડેગી ગામે અંદાજે ૧૮૦ જેટલા લોકો ગામના તળાવને અમૃત સરોવર તરીકે વિકસાવવા માટે દરરોજ શ્રમદાન કરી રહ્યા છે.મનરેગા યોજના હેઠળ આ ગ્રામજનોને રોજગારી પણ મળી રહી છે.
રાજ્ય સરકારની સુજલામ સુફલામ યોજનાથી ગામનુ પાણી ગામમાં અને સીમનું પાણી સીમમાં રહે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ગામના માટીથી ભરાયેલા કુવાઓ, તળાવોને પુન:જીવીત કરવામાં આવી રહ્યા છે.ત્યારે ભારત સરકાર દ્રારા “જળ શક્તિ અભિયાન” : કેચ ધ રેઇન ૨૦૨૨ હેઠળ પ્રત્યેક જિલ્લામાં જળ શક્તિ કેન્દ્રની સ્થાપના તેમજ વરસાદી પાણીના સંગ્રહ માટે આઝાદીના અમૃત મહોત્સવનાં ઉપલક્ષ્યમાં જિલ્લામાં ૭૫ તળાવો-જળાશયોને અમૃત સરોવર તરીકે વિકસાવવાના અભિયાનમાં પોરબંદર જિલ્લાના કડેગી ગામના ગ્રામજનો સામુહિક રીતે જોડાયા છે.કડેગી ગામે આવેલા તળાવને ઉંડુ કરવા તથા વરસાદી પાણીનો સંગ્રહ થાય તે માટે મનરેગા યોજના હેઠળ ગ્રામજનોને રોજગારી પણ આપવા માં આવી રહી છે. દરરોજ અંદાજે ૧૭૦ થી ૧૮૦ જેટલા લોકો શ્રમદાન કરે છે.જેઓને કામના આધારે મહેનતાણુ આપવા માં આવે છે.
શ્રમદાન કરતા ગ્રામજનોએ પોતાના મંત્વ્યો જણાવ્યા હતાં. આ પ્રસંગે શ્રમિક બચુભાઇ સોલંકીએ જણાવ્યું હતુ કે, અમારા માટે આનંદની વાત છે કે, અમારા ગામમાં અમૃત મહોત્સવ હેઠળ અમૃત સરોવર બની રહેલા આ તળાવ ગામની શોભા વધારશે.
અન્ય શ્રમિક બહેન રાજીબેન જાડેજા તથા મોતીબેન ચૈાહાણ તથા આશાબેન સોલંકીએ કહ્યુ કે, સરકારની આ યોજનાથી ગામમાં વરસાદનું પાણી સચવાય રહે છે. સાથે સાથે જુના તળાવો કે જળાશયોમાં પાણીનો વધુ સંગ્રહ થઇ શકે છે. અને ગ્રામજનોને ગામમા જ રોજગારી પણ મળી રહે છે. અરશીભાઇ જાડેજાએ કહ્યુ કે, કડેગી ગામમાં તળાવ ઉંડુ કરવાનું કામ મળી રહેતા ગામ લોકોને રોજગારી માટે બહાર જવુ પડતુ નથી. સાથે સાથે તળાવમા પાણીનો સંગ્રહ પણ સારી રીતે થઇ શકશે જેથી વરસાદનું પાણી ગામલોકોને ઉપયોગી બની શકશે.