પોરબંદર
આવતીકાલે સોમવતી અમાસ અને શની જયંતિનો સુભગ સમન્વય છે.ત્યારે પોરબંદર નજીક આવેલ હાથલા ગામે શનિદેવના જન્મસ્થળ ખાતે મોટી સંખ્યા માં ભક્તો નું ઘોડાપુર ઉમટશે.
આવતીકાલે તા. 30મીના શનિ જયંતિ અને સોમવતી અમાસનો સુભગ સંયોગ છે.જયોતિષશાસ્ત્ર અનુસાર આ દિવસનું અતિ મહત્વ છે.સાડા સાતી પનોતી તથા શનિથી જોડાયેલા દોષોથી મુકિત પામવા માટે શનિ જયંતિ ના દિવસે શનિદેવની પૂજાનું વિશેષ મહત્વ હોય છે.શનિદેવને શાસ્ત્રોમાં ન્યાયના દેવ ગણવામાં આવે છે.અને વૈશાખ વદ અમાસ એટલે કે શનિજયંતીએ શનિદેવની કૃપા મેળવવાનો શ્રેષ્ઠ દિવસ માનવામાં આવે છે.આ દિવસે વિવિધ ધાર્મિક પૂજાપાઠ, પૂજાઅર્ચનાથી શનિદેવની કૃપા હંમેશા વરસતી રહે છે.
ત્યારે પોરબંદરથી ૨૮ કિમી દુર આવેલ હાથલા ગામ કે જેને શનિદેવનું જન્મસ્થાન માનવામાં આવે છે.ત્યા આ દિવસે શનિદેવને રીઝવવા માટે દેશ વિદેશથી લોકો અહીં આવે છે.મુદગલ ઋષિની ભક્તિથી પ્રસન્ન થઇ શનિ મહારાજ હાથી પર બિરાજમાન થઇને જે જગ્યાએ પ્રગટ થયાં તે સ્થળ એટલે હસ્તીન સ્થળ, મધ્યકાળમાં હત્થીથલ અને અર્વાચીનકાળ માં તે આજનું હાથલા ગામ છે.પુરાતત્વ દ્વારા રક્ષિત સ્મારકમાં શનિદેવ હાથી પર બિરાજમાન હોય તેવી પ્રતિમા સાથે સાડા સાત અને અઢી વર્ષની પનોતીની પ્રતિમાઓ પણ આ મંદિરમાં આવેલી છે.મંદિરની લાક્ષણિકતા એ છે કે આ મંદિર સ્મશાનભૂમિમાં આવેલું છે.રાજકીય આગેવાનો અને પ્રધાનોઓ સહિતના વિવિઆઇપી પણ અહી દર્શનાર્થે આવે છે.શનીજયંતિ નિમિતે અહી ૫૨ ગજ ની ધ્વજા ચડાવવામાં આવશે.ઉપરાંત દિવસભર વિવિધ પૂજા અર્ચના અને હોમ હવન થી ભક્તો શનિદેવ ને રીઝવવા પ્રયાસ કરશે.
ગ્રંથોમાં ઉલ્લેખ છે કે રાજા દશરથે અહીં પનોતી ઉતારી હતી.આથી અહીં જે લોકોને પનોતી ચાલતી હોય તે લોકો શનિકુંડમાં સ્થાન કર્યા બાદ શનિદેવની પૂજા અર્ચના કરે તો પનોતીમાં રાહત મળે છે તેવી માન્યતા છે.શનિજયંતી નિમિત્તે સિંદૂર, કાળા અડદ, કાળા તલ, તેલ ચડાવીને શનિદેવની પૂજા કરવામાં આવે છે.કળિયુગમાં કહેવાય છે કે શનિદેવ સાક્ષાત હોય છે.અને હાજરા હજુર હોય છે.ગુજરાતના જ નહીં,પરંતુ ભારતભરમાંથી દર્શનાર્થીઓ અહીં દર્શન માટે આવે છે.પુરાતત્વ ખાતું આ મંદિરને અનિષ્ટ બળોના શમનનું મંદિર અને પનોતી દેવી મંદિર તરીકે ઓળખાવે છે.અહીં શનિ દેવ પોતાની પત્ની પનોતી દેવી સાથે પધાર્યા હોવાથી આ મંદિર પનોતી મંદિર તરીકે પણ ઓળખાય છે.દર્શન કરવા આવનાર દર્શનાર્થીઓ પગરખાં પહેરીને આવે છે.અને શનિ મંદિરે પોતાનાં પગરખાં મુકીને જાય છે.માન્યતા મુજબ પનોતી શનિ મંદિરે છોડી દેવાથી પરત આવતી નથી, તેવી પણ એક લોકવાયકા છે.