પોરબંદર
પોરબંદરમાં સાંદીપનિ વિદ્યાનિકેતનમાં તા. ૦૩/૦૨/૨૦૨૨ ના રોજ પૂજ્ય ભાઇશ્રી રમેશભાઈ ઓઝાના સાનિધ્યમાં પંચદિવસીય શ્રીહરિ મંદિરના ૧૬મા પાટોત્સવનો પ્રાતઃકાળમાં અખંડ હરિ નામ સંકીર્તન સાથે મંગલ પ્રારંભ થયો હતો.
શ્રીહરિમંદિરમાં શ્રીલક્ષ્મીનારાયણ ભગવાન સહિતના વિગ્રહોની પ્રતિષ્ઠા વર્ષ ૨૦૦૬ માં થઈ હતી. જેને આ વર્ષે ૧૬વર્ષ પૂરા થઈ રહ્યા છે. એ ઉપલક્ષ્યમાં શ્રીહરિ મંદિરના ૧૬મા પાટોત્સવનો પૂજ્ય ભાઇશ્રી અને શ્રીહરિ ભક્તોની સીમિત સંખ્યામાં અને કોવિડ-૧૯ની ગાઈડલાઈનના નિયમોપૂર્વક અધ્યાત્મિક અને પ્રવચનાત્મક કાર્યક્રમ સાથે પ્રારંભ થયો હતો.
શ્રીનારદ ભક્તિ સૂત્ર
શ્રીહરિ મંદિરના ૧૬મા પાટોત્સવના ઉપલક્ષ્યમાં બપોર પછીના સત્રમાં સાંજે ૪:૦૦થી ભક્તિમાર્ગના આચાર્ય શ્રીનારદજીના ભક્તિસૂત્ર ગ્રંથમાં આપેલા ૮૪ સૂત્રો પર પૂજ્ય ભાઇશ્રીના શ્રીમુખેથી સૌ પ્રથમ વખત આયોજિત પ્રવચનનો પોથીપૂજા અને વ્યાસપૂજા સાથે દિવ્ય પ્રારંભ થયો હતો. આ ભક્તિમય પ્રવચનનો સીમિત સંખ્યામાં ઉપસ્થિત પ્રત્યક્ષ લોકોએ અને ઓનલાઈન યૂ ટ્યુબ અને ઝૂમના માધ્યમથી જોડાયેલા મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો.
ભાગવત ચિંતન શિબિર
શ્રીહરિ મંદિરના ૧૬મા પાટોત્સવના ઉપલક્ષ્યમાં પ્રાતઃ સત્રમાં પૂજ્ય ભાઇશ્રીનિ ઉપસ્થિતિમાં ભાગવત ચિંતન શિબિર યોજાઇ હતી. જેમાં ગુજરાતનાં વિદ્વાનો અને સાંદીપનિના ઋષિઓ દ્વારા શ્રીમદ્ભાગવત પુરાણના વિષયોને લઈને ચિંતનાત્મક અને શાસ્ત્રીય શૈલીમાં પ્રવચન પ્રસ્તુત થયા હતા. જેમાં સાંદીપનિના અધ્યાપક ઋષિ હાર્દિકભાઇ પુરોહિત દ્વારા ભિક્ષુગીત વિષય પર, સાંદીપનિના અધ્યાપક શ્રી સહદેવભાઇ જોશી દ્વારા ભ્રમરગીત વિષય પર અને ગુજરાતનાં વિદ્વાન ડો.શ્રી અનિલભાઈ દ્વિવેદી દ્વારા ભાગવતના શબ્દચિત્ર વિષય પર સુંદર પ્રવચન રજૂ થયા હતા. આ સાથે ભાગવત ચિંતન શ્રેણીમાં બપોર પછીના સત્રમાં ઋષિ ધવલભાઈ જોશી દ્વારા “ભક્તિમાર્ગના આચાર્ય નારદજી અને ભાગવતોક્ત નવધા ભક્તિ વિષય” પર ચિંતનાત્મક પ્રવચન થયું હતું.
શ્રીહરિ મંદિરના ૧૬મા પાટોત્સવમાં આજે શ્રીહરિ મંદિરના તમામ વિગ્રહોને સવારમાં વિધિપૂર્વક નૂતન ધ્વજારોહણ કરવામાં આવ્યું તો સાંજે શ્રીહરિમંદિરમાં દિવ્ય શૃંગાર સાથે ઝાંખીના દર્શનનો અનેક લોકોએ લાભ લીધો હતો.