Friday, March 29, 2024

|| तुम रक्षक काहू को डरना ||

આજે હનુમાન જયંતિ:જાણો પોરબંદર નજીક આવેલ શ્રી મોચા હનુમાન મંદિર અને તેમના મહંત પૂજ્ય શ્રી સંતોષગીરીજી માતાજી વિષે પોરબંદર ટાઈમ્સ ના આ ખાસ અહેવાલ મા

પોરબંદર
આજે શ્રદ્ધા – ભક્તિ અને સમર્પણભાવ ના પૂર્ણ સ્વરૂપ સમાન શ્રી હનુમાનજી મહારાજની જન્મ જયંતી છે ત્યારે જાણીએ પોરબંદર ના દેવશીભાઈ મોઢવાડિયા ની કલમે “ શ્રી મોચા હનુમાન મંદિર અને તેમના મહંત પૂજ્ય શ્રી સંતોષગિરી માતાજી ”નો નાનકડો પરિચય…

વર્ષોથી ગૂંથાયેલ વાળથી બનેલી જટાધારી એક બુજુર્ગ મહિલા ભાગવા વસ્ત્રોમાં મહેર સમાજની તળપદી બોલીમાં જોવા મળે તો સમજવાનું કે એ ફ્રેચમાં જન્મીને સૌરાષ્ટ્રના પોરબંદર જીલ્લાના મોચા ગામને કર્મુભુમી બનાવનાર સાધ્વી સંતોષગિરી માતાજી..

દેવાધિદેવ સોમનાથ મહાદેવ અને કૃષ્ણ કનૈયાની નગરી દ્વારકા વચ્ચેનો પોરબંદર જીલ્લાનો દરિયાઈ પટ્ટો કઈક નોખો અને અનોખી ઉર્જા ધરાવતો પ્રદેશ છે, અને તેમાં પણ ખાસ કરીને વિદેશની ધરતી ફ્રાંસમાં જન્મનાર અને માધવપુર નજીકના મોચા ગામને કર્મભૂમિ બનાવનાર મહંત શ્રી સંતોષગિરી માતાજીની વાત આવે એટલે જે જે લોકો એ “ શ્રી મોચા હનુમાન મંદિર ની મુલાકાત લીધી હશે તેમના ચહેરા પર એક નોખી ચમક આવ્યા વગર રહે જ નહિ,,

૩ દાયકા પહેલા ફ્રેંચ થી ભારતની ધરતી પર આવીને હિંદુ સંસ્કૃતિ અને વૈદિક પરંપરાને જાણવા , સમજવા અને માણવા માટે એક નવયુવાન સ્ત્રીએ પરિભ્રમણ કરતા કરતા પોરબંદર – માધવપુર રોડ પર દરિયા કાંઠે આવેલા મોચા ગામના પાદરમાં આવેલા પોરાણિક “ શ્રી હનુમાનજી મંદિર ” એ કાયમી ધોરણે વસવાટ કરી આજે આ જગ્યા ને ખરા અર્થમાં નંદનવન સમાન બનાવી દીધી છે.. કદાચ સમગ્ર ભારતમાં શ્રી હનુમાનજીનું આ એક જ મંદિર એવું છે કે જ્યાં વિદેશી મહિલા છેલ્લા ૩૦ વર્ષથી સેવા – પૂજા કરી રહી છે..જ્યાં દરરોજ ૨ વખત હરીહર નો સાદ પડે છે.

શ્રી સંતોષગિરી માતાજી એ “ ભૂખ્યાને ભોજન અર્પી જઠરાગ્ની ને તૃપ્ત કરવાનો ” સંકલ્પ કર્યો હોય તેમ વર્ષોથી આશ્રમ સંકુલમાં દરરોજ બપોરે અને સાંજે કાયમ વટેમાર્ગુ અને આશ્રમની મુલાકાતે આવનારા મુલાકાતીઓને સાત્વિક ભોજન પ્રસાદી સ્વરૂપે પીરસવામાં આવે છે, વર્ષોથી પ્રસાદી પૂરી પાડવામાં આવતી હોવા છતાં ક્યારેય ફંડ – ફાળો કરવામાં આવતો નથી જે આ આશ્રમની કાયમી વિશેષતા રહી છે.

– “ બાવળના જંગલમાં અથાગ પરિશ્રમથી સર્જ્યું નંદનવન ”

વર્ષો પહેલા જે સ્થળે જંગલી બાવળ અને ખાડા ટેકરાઓનું સામ્રાજ્ય હતું તે સ્થળ આજે દેશ – વિદેશમાં “ શ્રી મોચા હનુમાન મંદિર ” તરીકે ખ્યાતી પામ્યું છે, ઘટાદાર વૃક્ષો.. ફળ ફળાદી તેમજ પુષ્પોના વૃક્ષોથી ભર્યું ભર્યું સંકુલ બનાવવા માટે સંતોષગિરી માતાજીએ તેમના સાથી સ્વયં સેવકો સાથે વર્ષો સુધી પરસેવો પાડ્યો છે, અથાગ પરિશ્રમ અને ઊંડી કોઠાસૂઝથી સર્જાયેલું અનોખું મંદિર સંકુલ સારા સારા આર્કિટેક ને પણ અચંબિત કરી દે તે પ્રકારનું નયનરમ્ય સંકુલ બન્યું છે, વૈભવ અને સંપતિ જ્યાં સર્વોપરી હોય તેવા વિખ્યાત મંદિરો અને આશ્રમોમાં પણ જે શાંતિ – શીતળતા અને દિવ્ય વાતાવરણ નો અહેસાસ થાય તેના કરતા લાખ ગણો વધારે દિવ્યાનુંભૂતિ આ નાનકડા આશ્રમમાં થતી હશે તેમાં શંકા ને કોઈ સ્થાન નથી,,

– “ આયુર્વેદિક દવાઓથી હજારો દર્દીઓ ને સાજા કર્યા ”
શ્રી મોચા હનુમાન મંદિરના મહંત શ્રી સંતોષગિરી માતાજી આયુર્વેદ નું પણ ઊંડું જ્ઞાન અને અભ્યાસ ધરાવે છે, વર્ષોથી મોચા ગામની આજુબાજુના દર્દી જુદા જુદા રોગની સારવાર અર્થે માતાજી પાસે આવે છે છે, ભગવા વસ્ત્રધારી સંતોષગિરી માતાજી જયારે દર્દીને તપાસતા હોય અને તેમના રોગ અંગે જાણકારી મેળવતા હોય ત્યારે અનુભવી ડોક્ટરને પણ ટક્કર મારે તેટલું જ્ઞાન અને અનુભવના દર્શન થયા વગર રહે જ નહિ,, આયુર્વેદિક દવાઓ પૂરતા નિદાન અને રોગના પરીક્ષણ બાદ જ આપવાનો આગ્રહ રાખનાર શ્રી સંતોષગિરી માતાજી એ આપેલી આયુર્વેદિક દવાઓથી કેટલાય દર્દીઓ ગંભીર પ્રકારની ઘર કરી ચુકેલી બીમારીઓમાંથી મુક્ત થઇ ગયા છે. વ્યસની દર્દીઓને ત્યાં સુધી દવા નહિ આપવાની જ્યાં સુધી એ વ્યસન ના છોડે આવો શુભ હઠાગ્રહ પણ માતાજી એ પાળી બતાવ્યો છે. કોઈ પણ દર્દી પાસેથી એક પણ નયો પૈસો લીધા વગર દર્દીને આયુર્વેદિક દવાઓ આપનાર શ્રી સંતોષગિરી માતાજી એ ખરા અર્થમાં “ માનવ સેવા એ જ પ્રભુ સેવા ” સિદ્ધાંત ને ચરિતાર્થ કરી બતાવ્યો છે.

“ સ્વચ્છતા ત્યાં જ પ્રભુતા” સિદ્ધાંત નું આશ્રમમાં અક્ષરસઃ અનુકરણ,,

શ્રી મોચા હનુમાન મંદિર ની વિશેષતા એ છે કે સમગ્ર સંકુલમાં સ્વયંભુ સ્વચ્છતા ના દર્શન થયા વગર રહે જ નહિ, આશ્રમ સંકુલ નું નૈસર્ગિક વાતાવરણ જોઇને મુલાકાતીને પણ સ્વયભું સ્વચ્છતા જાળવવાની પ્રેરણા મળે તે હદની સ્વચ્છતા આશ્રમ સંકુલમાં કાયમી જોવા મળી રહી છે, સ્વચ્છતાની સાથે સાથે સ્વયંભુ શિસ્ત પણ આ આશ્રમની સવિશેષ વિશેષતા રહી છે,, ન તો લાઉડ સ્પીકરનો ઘોઘાટ કે ના તો કોલાહલ,,, માત્ર અને માત્ર નીરવ શાંતિ અને આહલાદક વાતાવરણમાંથી પ્રસરતી દિવ્યાનુંભૂતિ અને અલોકિક વાતાવરણનો અહેસાસ થયા વગર રહે નહિ તેવું ખરા અર્થનું વાતાવરણ આ આશ્રમ સંકુલમાં મુલાકાતીને કાયમી જોવા મળે છે.

– સમગ્ર આશ્રમ પરીસરમાં વ્યસન સાથે પ્રવેશ જ નહિ.,,

શ્રી મોચા હનુમાન મંદિર આશ્રમ પરિસરમાં પ્રવેશતી વખતે જ એક સુચના વાંચવા મળે “ આશ્રમ સંકુલમાં વ્યસનનું સેવન કરવાની સખ્ત મનાઈ છે ” આ સુચના નું અક્ષરસઃ પાલન પણ કોઈપણ જાતના દબાણ વગર થઇ રહ્યું છે. સમગ્ર આશ્રમ પરિસરમાં ક્યાય પણ બીડી – સિગારેટ, પાન-ફાકી માવા કે અન્ય કોઈ વ્યસનની વસ્તુ પણ જોવા ના મળે તે જ આ આશ્રમની ખાસિયત રહી છે,

ગ્રામ્ય વિસ્તારના બાળકોને વૈદિક સંસ્કાર સાથે અંગ્રેજીનું શિક્ષણ,

શ્રી સંતોષગિરી માતાજી એ ઘેડ વિસ્તાર ની ચિંતા કરીને આ વિસ્તારના બાળકોને મૂલ્યનિષ્ઠ શિક્ષણ વૈદિક સંસ્કાર સાથે મળી રહે તે માટે આશ્રમ સંકુલમાં જ એક શાળા શરુ કરી છે, ઘેડ વિસ્તારના બાળકોને અંગ્રેજી માધ્યમનું શિક્ષણ આ શાળામાં આપવામાં આવી રહ્યું છે, માત્ર શિક્ષણ આપવાથી અટકી ના જતા સંતોષગિરી માતાજી એ આ બાળકોને સારા સંસ્કાર મળે તેની પણ કાળજી અને તકેદારી રાખી રહ્યા છે.

પ્રસિદ્ધિથી કાયમી દુર રહેવાનું વ્રત આજ દિવસ સુધી પાળી બતાવ્યું,,,, પૂજ્ય સંતોષગિરી માતાજીનો એક પણ ફોટો ક્યાય જોવા નહિ મળે,,, ગુગલ માં સર્ચ કરી લેવાની છૂટ…

છેલ્લા ૩૦ વર્ષથી અનેકવિધ સેવા પ્રવૃતિઓને ધમધમતી કરનાર સંતોષગિરી માતાજીએ ક્યારેય પ્રસિદ્ધિ ને નામનો મોહ નથી રાખ્યો. “ શ્રી મોચા હનુમાન મંદિર સંકુલ ” ફોટોગ્રાફી અને વિડીઓગ્રાફી કરવાની પણ મનાઈ છે, આટલા વર્ષોમાં ક્યારેય સંતોષગિરી માતાજી એ ક્યારેક છાપા – ન્યુઝ ચેનલ કે સામાયિક ને મુલાકાત સુદ્ધા પણ નથી આપી.. બસ કર્મના સિદ્ધાંતને વળગી રહીને મુક ભાવે સેવા કરવાની સાથે સાથે સ્વઉત્કર્ષ માટે શ્રી હનુમાનજી મહારાજની પૂજા, ભક્તિ, નિત્ય આરતી અને યોગ – ધ્યાન અને પ્રાણાયામમાં જ મગ્ન રહેનાર શ્રી સંતોષગિરી માતાજી એ ખરા અર્થમાં શ્રીમદ ભાગવત ગીતાના અનાશક્તિ યોગને જીવનમાં અને કર્મમાં વણી લઈને ચરિતાર્થ કરી બતાવ્યો છે.

– સાંસ્કૃતિક વારસાની જાળવણી માટે પોરાણિક વસ્તુઓનું સંગ્રહાલય કમ મ્યુઝીયમ જ ખડું કરી દીધું,,

પોરબંદર જીલ્લાની ગ્રામ્ય સંસ્કૃતિ ખરા અર્થમાં અમુલ્ય સંસ્કૃતિક વર્ષો અને વિરાસત ધરાવે છે, જૂની પુરાણી વસ્તુઓ જેવી કે કબાટ – મજુસ – કાંધી – જુના વાસણો સહિતની અનેકવિધ ચીજોનો શ્રી સંતોષગિરી માતાજી એ આશ્રમમાં સંગ્રહ કરીને વિરાસતને જાળવી રાખી છે. આજે સમગ્ર આશ્રમ સંકુલ જાણે મીની મ્યુઝીયમ હોય તેવું લાગી રહ્યું છે.

– મોટા ગજાની યુનિવર્સીટીને પણ ટક્કર મારે તેવા વિશિષ્ટ પુસ્તકો ધરાવતી લાઈબ્રેરી આશ્રમ સંકુલનું નજરાણું છે.

જ્ઞાનથી ભરપુર થવા માટે વાંચન જ વિકલ્પ છે તે વાતને સમજનાર શ્રી સંતોષગિરી માતાજી એ દેશ – વિદેશના કેટલાય પુસ્તકો જે અનેક ભાષાઓમાં લખાયેલા છે તેમને એકત્રિત કરીને આશ્રમ સંકુલમાં મીની લાઈબ્રેરી ઉભી કરી દીધી છે,, પુસ્તકોના નામ અને વિષય પર નજર ફેરવો તો ખ્યાલ આવ્યા વગર રહે નહિ કે ધર્મ, સંસ્કૃતિ, જીવન ચરિત્ર, આત્મકથા, વિજ્ઞાન, પાક શાસ્ત્ર, આયુર્વેદ સહિતના અનેકવિધ વિષયોના ખુબ મોંઘા અને અલભ્ય કહી શકાય તેવા પુસ્તકો આ આશ્રમમાં ઉપલબ્ધ છે.

– ના કોઈ સંપ્રદાય , ના કોઈ ચેલા બસ હનુમાન ભક્તિ અને માનવ સેવા…..

શ્રી સંતોષગિરી માતાજી એ તેમના સાધુ જીવનમાં મળેલા નામના અર્થને ચરિતાર્થ કરી બતાવ્યો હોય તેમ આ આશ્રમની પ્રવૃતિઓ અને આશ્રમના અલોકિક વાતાવરણથી પ્રભાવિત થયેલા હજારો શ્રદ્ધાળુઓને ક્યારેય પંથ – સપ્રદાયમાં વાળવાનો ક્યારેય પ્રયાસ સુદ્ધા નથી કર્યો… આશ્રમ સંકુલમાં ક્યારેય પ્રવાસનો પણ યોજાયા હોય તેવું નથી સાંભળ્યું,,, બસ માનવ સેવા એજ પ્રભુ સેવા નો સંદેશ કર્મના માધ્યમથી વહેતો મુક્યો છે, કોઈ સાધકને દીક્ષા આપીને કે કોઈ સેવક ને કાનથી બાંધીને ચેલા ચેલી બનાવાનો પણ પ્રયાસ નથી થયો જે સંકુચિત માનસિકતા સાથે જીવતા કેટલાય ભગવાધારીઓ માટે સબક સમાન છે.

નોંધ :- આ પોસ્ટ સાથે જે ફોટો મુકવામાં આવ્યા છે તે ફોટો ફેસબુકમાંથી લેવામાં આવ્યા છે.. સંતોષગિરી માતાજી એ ક્યારેય પોતાનો ફોટો પાડવા દીધેલ ના હોય તેમનો ફોટો ઉપલબ્ધ નથી..

આલેખન – સંકલન ;- દેવશી મોઢવાડિયા, પોરબંદર

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે