પોરબંદર
ગાંધી સુદામા નગરી પોરબંદર નો આજે ૧૦૩2 મો સ્થાપના દિન છે ભવ્ય ભૂતકાળ અને ઐતિહાસિક વારસો ધરાવતા આ શહેર ના લોકો ધૂંધળા વર્તમાન વચ્ચે ઉજ્જવળ ભાવી ની આશા રાખી રહ્યા છે.
આજે શ્રાવણી પુનમ એટલે કે સુરખાબી નગરી પોરબંદર નો સ્થાપના દિવસ જેઠવા વંશના રાજવી ધૂમલીના મહારાજ બાષ્કલદેવએ યાને બુખાજી મહારાજે પોરબંદરના બારે વિક્રમ સવંત ૧૦૪૬ ના શ્રાવણી પૂનમ સોમવાર તા. ૬-૮-૯૯૦ ના રોજ સવારે ૯ કલાક ૧પ મીનીટે તોરણ બાંધી સ્થાપના-નામકરણ કરી સમગ્ર વિશ્વ સાથે જળ વહેવારથી જોડી દીધું હતું.
શ્રાવણી પૂનમ પોરબંદરનો સ્થાપના દિન છે.તેના વિશે ત્રણ આધાર પ્રચલિત છે.પહેલો અને મુખ્ય આધાર ધૂમલીના રાજા બખુજી મહારાજનું વિ.સં.૧૦૪૫ નું એક તામ્રપત્ર છે.આ તામ્રપત્ર હાલ જામનગરના લાખોટા મ્યુઝિયમમાં સંગ્રહાયેલું છે અને તે સંસ્કૃત ભાષામાં છે.આ તામ્રપત્રમાં ‘પૌરવેલાકુળ’એવા સંસ્કૃત નામનો પોરબંદરનો પ્રથમ ઉલ્લેખ મળે છે.‘પૌર’ એટલે વેપાર કરતી પ્રજા, આ પ્રજાનું ‘વેલાકુળ’ એટલે રેતીના (દરિયાના) કિનારે વસેલું ગામ,એવો અર્થ થાય છે.મૂળનો વેપારી વાચક સંસ્કૃત શબ્દ આજે ‘પોર’ તરીકે પ્રચલિત છે. ‘પોર’ની મુખ્ય દેવી એટલે ‘પોરાવ’ જેમ ‘વેરાવળ’ની મુખ્ય દેવી ‘વેરાવળી’ છે. આમ ગામ નામ ‘પોર’ ઉપરથી માતાજીનું નામ ‘પોરાવ’ આવેલ છે.
તામ્રપત્રના આ પ્રથમ મહત્ત્વના અને ઐતહાસિક પુરાવા પછી બે સાહિત્યિક પુરાવા હયાત છે.એક છે જેઠવા વંશનો બારોટનો ચોપડો અને બીજો પુરાવો રાજજ્યોતિષીએ બનાવેલી પોરબંદર સ્થાપનની કુંડળી છે.આ બંને પુરાવાઓ ‘શ્રાવણી પૂનમ’ એવો સ્પષ્ટ નિર્દેશ આપતા હોવાનું સ્થાનિક સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું.
પોરબંદર અને આસપાસમાં કરવામાં આવેલા પૂરાતત્વીય સંશોધનોથી જાણવા મળે છે.કે આ વિસ્તાર ઇસવિસન પૂર્વ ૧૬ મીથી ૧૪ મી સદીની હડપ્પન સંસ્કૃતિ સાથે સંબંધ ધરાવે છે.જે બેટ દ્વારકા સંલગ્ન પણ છે.પોરબંદર હડપ્પન સમયમાં સૌરાષ્ટ્ર વિસ્તારનું મહત્વનું સમૂદ્રી બંદર હશે તેમ અહીંની ખાડીમાં મળી આવેલ પ્રાચીન જેટી તથા અન્ય પૂરાવાઓથી જાણવા મળે છે.સૌરાષ્ટ્રના પશ્ચિમ દરિયા કિનારે વસેલું પોરબંદર,ગુજરાતના પ્રાચીન નગરો પૈકીનું દસમી સદીમાં વસેલું પુરાતન નગર છે.
મહાત્માગાંધીના જન્મ સ્થળથી દુનિયાભરમાં પ્રસિદ્ધ થયેલ આ ઐતિહાસીક નગર પોતાની સાંસ્કૃતિક પરંપરાઓ વડે આગવી ઓળખ કંડારી છે.પોરબંદર પર શાસન કરનાર રાજપરિવાર જેઠવા તરીકે ઓળખાય છે.કાઠીયાવાડના રાજકુંટુબોમાં જેઠવા કુળ એક પ્રાચિનકુળ તરીકે ઓળખાય છે.જેઓ કાઠીયાવાડમાં 9મી સદીની આસપાસ આવ્યા હોવાનુ જણાય છે.ઈ.સ 1785માં રાણા સુલતાનજીએ પોરબંદરમાં રાજધાની સ્થાપી હતી.ત્યારે હાલનુ પોરબંદર એ રાજધાનીનુ શહેર બન્યુ ત્યારથી તેનુ મહત્વ વધ્યુ અને એક નાનકડા બંદરમાંથી સમૃદ્ધ અને સુંદર શ્વેતનગરીનો વિકાસ શરુ થયો હતો.
જે વિકાસને આગળ ધપાવવાનુ કાર્ય પોરબંદરના સૌથી લોકપ્રીય રાજવી રાણા નટવરસિંહજી કર્યુ હતુ.તેમના વીશે એવુ કહેવાઈ છે કે,તેઓ પોરબંદરને પેરીસ જેવુ બનાવવા ઈચ્છતા હતા.જેને લઈને પોરબંદરના રોડ-રસ્તા,ઈમારતો તેમજ રાજમહેલો અને ચોપાટીની બનાવટ પેરીસ જેવી જોવા મળતી હતી.પોરબંદર શહેર માં જ દેશ ને આઝાદી અપવવા માં મહત્વ નો ભાગ ભજવનાર મહાત્મા ગાંધી નો જન્મ થયો હોવાથી તેને ગાંધીભૂમિ તરીકે પણ ઓળખવામાં આવે છે.તો કૃષ્ણ સખા સુદામા પણ પોરબંદર ના જ હોવાથી તેને સુદામાપુરી અથવા સુદામા નગરી તરીકે એક મહત્વ ના યાત્રાધામ ની ઓળખ પણ મળી છે.આ સિવાય પોરબંદર આસપાસ ના જળ પલ્લવિત વિસ્તારો માં મોટી સંખ્યા માં ફ્લેમિન્ગો એટલે કે સુરખાબ પક્ષીઓ વસવાટ કરતા હોવાથી તેને સુરખાબી નગરી પણ કહેવામાં આવે છે.
ભવ્ય ભૂતકાળ ધરાવતા આ શહેર નો વર્તમાન વિવિધ કારણોસર ધૂંધળો જણાઈ રહ્યો છે.તેમ છતાં આ ખમીરવંતા નગર ના નાગરિકો ઉજ્જવળ ભાવી ની આશા રાખી રહ્યા છે.
ભૂતકાળ માં અનેક ઉદ્યોગો ધમધમતા :હાલ માં માત્ર ગણ્યાગાંઠ્યા ઉદ્યોગ
એક સમયે એશિયા નું પ્રથમ સિમેન્ટ નું કારખાનું એસીસી સિમેન્ટ,જિનિંગ અને પ્રેસિંગ ઉદ્યોગ,બોલ બેરીંગ ઉદ્યોગ, દીવાસળીનું કારખાનું,કાચનું કારખાનું,મહારાણા મીલ્સ,સોલ્ટ વર્કસ,જગદીશ ઓઈલ ઇન્ડસ્ટ્રી વગેરે અનેક ઉદ્યોગો થી ધમધમતું શહેર હતું.હાલ માં માત્ર ગણ્યાગાંઠ્યા ઉદ્યોગો જ રહ્યા છે.મોટા ભાગ ની ખ્યાતનામ ફેકટરીઓ અને ઉદ્યોગો હાલ બન્ધ હાલત માં છે.આમ ઔદ્યોગિક રીતે પોરબંદર દિવસે દિવસે પછાત થતું જાય છે.
શૈક્ષણિક ક્ષેત્રે પણ અનેક મહત્વ ની શાળાઓ નો અસ્ત
પોરબંદર માં એક સમયે ભાવસીહજી ટેકનીકલ હાઈસ્કુલ,રામબા સ્કુલ,મિડલ સ્કુલ ,સહીત ની સરકારી શાળાઓ નો દબદબો જોવા મળતો હતો શહેર ના અનેક નામાંકિત અને પ્રતિષ્ઠિત ડોકટરો,વકીલો,એન્જીનીયરો ,ઉદ્યોગપતિઓ એ પણ આ શાળાઓ માં પોતાનું શિક્ષણ મેળવ્યું હતું.હાલ માં આમાંથી મોટા ભાગ ની શાળાઓ બંધ હાલત માં છે.શહેર મધ્યે તેમની ઈમારતો તો અસ્તિત્વ માં છે પણ એક પણ શાળા કાર્યરત નથી.
આરોગ્ય ક્ષેત્રે સુવિધાઓ વધી : પુરતો સ્ટાફ નહી
પોરબંદર ની સરકારી હોસ્પિટલ ભાવસિંહજી હોસ્પિટલ માં કરોડો ના ખર્ચે ટ્રોમાં સેન્ટર કાર્યરત કરાયું હતું.પરંતુ અહી પુરતો સ્ટાફ નથી.હોસ્પીટલ માં હજુ પણ અનેક જરૂરી સ્ટાફ ની કમી જોવા મળે છે.જેથી મોટા ભાગ ના દર્દીઓ ને પ્રાથમિક સારવાર આપી અને અન્ય મોટા શહેરો માં અથવા ખાનગી હોસ્પિટલ માં સારવાર લેવી પડે છે.
સીટી બસ જેવી પ્રાથમિક સુવિધા પણ પાંચ વરસ થી છીનવાઈ
૧૯૫૦ થી શહેર માં સિટીબસ સેવા કાર્યરત હતી.જે છેલ્લા પાંચ વરસ થી છીનવાઈ ગઈ છે.હાલ ના શાશકો સિટીબસ જેવી પ્રાથમિક સુવિધા પણ આપી શકતા નથી.તેમ છતાં શહેર ના વિકાસ ના ગાણા ગઈ રહ્યા છે.