પોરબંદર
આજે શનીશ્વરી અમાવસ્યા હોવાથી પોરબંદર નજીક આવેલ હાથલા ગામે શનિદેવ ના જન્મસ્થળ ખાતે વહેલી સવાર થી જ ભક્તો ના ઘોડાપુર ઉમટશે.અને પૂજા અર્ચના કરી શનિદેવ ને રીઝવવા પ્રયાસ કરશે.
પોરબંદર નજીક શનિદેવના જન્મ સ્થાન હાથલા ગામે શનિદેવના મંદિરે આજે શનૈશ્વરી અમાસ હોવાથી રાજ્યભર માંથી હજારો શ્રધ્ધાળુઓ પુજા-અર્ચના કરવા માટે ઉમટી પડશે.ભાવિકો મંદિર પાસેના શનિકુંડમાં સ્નાન કરી પનોતી ઉતારશે. ત્યારબાદ મંદિર ખાતે પુજા-અર્ચના કરશે.વહેલી સવારે પાંચ વાગ્યાથી જ શની ભક્તો નો પ્રવાહ શરૂ થઈ જશે.અને મોડી રાત્રિ સુધી યથાવત રહેશે.શનિ દોષ નિવારણ અને શનિ દેવની કૃપા મેળવવા માટે શનિવારે આવતી અમાસને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.આ સાથે જ આ દિવસે સૂર્યગ્રહણ પણ હોવાથી વિશેષ મહિમા રહેશે.
ચપ્પલ અને પહેરેલ કપડા અહીં મૂકી દેવાથી પનોતી દુર થાય તેવી માન્યતા હોવાથી મોટી સંખ્યા માં ભક્તો કુંડ નજીક સ્નાન કરી કપડા અને ચપ્પલ ત્યાં ઉતારી દે છે અને સાથે લાવેલ કપડા, ચપ્પલ પહેરી લે છે.જેથી અહી ચપ્પલ નો પણ ખડકલો થશે.ભારતભરમાં હાથલા શનિ મંદિર એક જ એવું સ્થાનક છે.કે જ્યાં સ્ત્રીઓ સહિત ભક્તો પોતાની જાતે ભગવાનની પુજા-અર્ચના કરી શકે છે.શનિ મંદિર વિશે એવું કહેવામાં આવે છે.કે શનિદેવ હાથીની સવારીએ અહીં આવ્યા હતા.અને અહીં પોતાનું સ્થાનક બનાવ્યું હતું.ઉલ્લેખનીય છે કે કળીયુગમાં શનિદેવનું મહત્વ દિન-પ્રતિદીન વધતું જાય છે.શનિ જયંતિ કે શનિવારી અમાસના દિવસે વિવિધ ક્ષેત્રના મહાનુભાવો, રાજકીય આગેવાનો, ફિલ્મ સ્ટાર, ખેલાડીઓ શનિ દેવના ચરણે શિશ ઝુકાવતા નજરે ચડે છે.
શની કુંડ નું અનેરું મહત્વ
હાથલામાં શનિમંદિરની પાસે આવેલા શનિકુંડનું પણ અનેરૃ મહત્વ છે.આ કુંડને લઇને એવું પણ કેહવામાં આવે છે કે, અહીંયા વર્ષો પહેલા પાંડવો જયારે શનિદેવના ચક્કરમાં ચકરાયા હતા.ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને જણાવ્યું હતુ કે,હાથલા ગામે પાવનકારી શનિકુંડમાં સ્નાન કરવાથી શનિના તમામ અનિષ્ટો દુર થશે અને પાંડવો હાથલામાં આવીને શાસ્ત્રોકત યજ્ઞ પુજનવિધી કરાવીને પાંચેય ભાઈઓએ પાવનકારી શનિકુંડના પાણીથી સ્નાન કરીને શ્રધ્ધાભાવથી યજ્ઞાવિધિ આરતી કરાવ્યા હતા.અને શનિદેવના આર્શિવાદ મળતા તેઓએ વિજય મેળવ્યો હોવાનું પણ માનવામાં આવે છે.
વર્ષ માં એકાદ વખત આવતી શનીશ્વરી અમાસનું અનેરું મહત્વ
શનૈશ્વરી અમાસ એ વર્ષમાં આશરે એકાદ વખત જ આવતી હોવાથી દિવસનું જયોતિષ તેમજ કર્મકાંડ માટે અનેરૂં મહાત્મ્ય રહેલું છે.આ દિવસે હજારો શનીભક્તો પુજન વિધી કરી શનિ દેવને રીઝવવા તેમજ પનોતી ઉતારવા વિવિધ પ્રકારના હોમ-હવન તેમજ વિધી-વિધાન કરશે.શનિદેવ ને રીઝવવા નાળીયેર,કાળુ કપડું, સિંદોર, તેલ, કાળા અડદ, કાળા તલ, સરસવનું તેલ વગેરે ચીજવસ્તુઓ નો ઉપયોગ કરવામાં આવે છે.