પોરબંદર
પ્રેમની અભિવ્યક્તિના અવસર વેલેન્ટાઈન ડેની આજે 14 મી ફેબ્રુઆરી યુવા હૈયાઓ જોરશોરથી ઉજવણી કરશે. પશ્ચિમી પવનના વાયરામાં યુવાનોને પ્રેમની સાચી પરિભાષાની સમજ નથી હોતી. પ્રેમ તેમના માટે કદાચ આકર્ષણ માત્ર છે અને કલ્પનાનું આકાશ છે. જોકે, અઢી અક્ષરના શબ્દ પ્રેમને પાંખો કે આંખો નથી હોતી. તે કોઈ રૂ૫-સ્વરૂપથી નહીં પણ અંતરના અવાજથી થાય છે તે પોરબંદર ના પ્રજ્ઞાચક્ષુ દંપતી એ સાબિત કર્યું છે.
તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી, તારા રૂપની પૂનમનો પાગલ એકલો..પ્રેમમાં ભીંજાયેલા યુવાહૈયાઓમાં દિલમાં ઉતરી જાય એવી ગઝલની પંક્તિઓની સાથે આજે વેલેન્ટાઈન-ડે ઉજવવા માટે યુવાહૈયા હિલોળે ચઢશે. વેલેન્ટાઈન-ડે એટલે પ્રિય વ્યક્તિને પોતાના દિલની વાત કહેવાની અને જે પ્રેમમાં ભીંજાયેલા છે તેવા પ્રેમીપંખીડાઓ માટે લાગણીના ઘૂઘવાતા સાગરમાં ડૂબી જવાની અવિસ્મરણીય ક્ષણ, કે જેનો ઈંતેજાર હોય છે. પ્રેમને કોઈ નાત-જાત કે ઊંમરનું બંધન હોતું નથી એ કેમ થાય છે એ પણ ખબર પડતી નથી. અહીં આપણે એવા દંપતીની વાત કરીએ છે કે, બન્ને પ્રજ્ઞાચક્ષુ છે છતાં કોઈ ફરિયાદ નહીં કે કોઈ વાદ-વિવાદ નહીં. છ વરસ થી આ દંપતીના લગ્ન જીવનની ગાડી ટોપ ગિયરમાં સડસડાટ ચાલી રહીં છે.અને આજે તેમને ત્યાં સાડા ત્રણ વરસ ની ફૂલ જેવી બાળકી પણ છે વેલેન્ટાઈન-ડેને ખરા અર્થમાં સાર્થક કરતી દંપતીની સ્ટોરી દિલને સ્પર્શી જાય તેવી છે. અત્યારે માત્ર બાહ્ય દેખાવ જોઈ પાત્ર ઉપર આફરીન પોકારી ઊઠતાં યુવાહૈયાઓ માટે આ સ્ટોરી જરા હટકે છે. અહીં સુંદરતા ગૌણ છે, એકબીજાની લાગણી જ સર્વસ્વ છે. આ દંપતીએ એકબીજાને જોયા નથી, માત્ર સાંભળ્યા છે, અનુભવ્યા છે. કહેવાય છે પ્રેમ આંધળો હોય છે પણ ના, સાચો પ્રેમ હૃદયથી દેખાતો હોય છે તે આ દંપતીએ સાબિત કર્યું છે.
પોરબંદર ના રબારી જ્ઞાતિ ના નંદનભાઈ મોરી અને ધોબી જ્ઞાતિ ના આશાબેન બન્ને પ્રજ્ઞાચક્ષુ હોવાથી પોરબંદર ના ભારતીય પ્રજ્ઞાચક્ષુ ગુરુકુળ માં સાથે અભ્યાસ કરતા હતા બન્ને ના ચાર વરસ ના સંપર્ક દરમ્યાન એક બીજા માટે લાગણી ,પ્રેમ નો ઉદભવ થયો અને બન્ને એ આ લાગણી ને લગ્ન નું નામ આપી કાયમી સાથે જીવન જીવવાનું નક્કી કરી ૨૦૧૩ માં લગ્ન કર્યા હતા બન્ને ની જ્ઞાતિ અલગ હતી પરંતુ આશાબેન ના પરિવાર ને આ લગ્ન માં કોઈ વાંધો ન હતો જયારે નંદનભાઈ ના પરિવાર માં શરુઆત માં થોડો વિરોધ થતા આ દંપતી એ લગ્નજીવન ની શરુઆત માં થોડો સંઘર્ષ કરવો પડ્યો હતો. સાથે અભ્યાસ બાદ નંદનભાઈ ને પોરબંદર ની પંજાબ બેંક માં અધિકારી તરીકે નોકરી મળી ગઈ હતી તો આશાબેન પણ ખાનગી શાળા માં શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે અને આ દંપતી ને સાડા ત્રણ વરસ ની દ્રીશ્યા નામની ફૂલ જેવી બાળકી પણ છે.
પ્રેમ જ અમારી અંધકારમય દુનિયા માટે પ્રકાશ
પોરબંદર ના આ પ્રજ્ઞાચક્ષુ દંપતી એ જણાવ્યું હતું કે અંધકારમય દુનિયામાં અમારા માટે પ્રેમ પ્રકાશ છે. એક બીજાનાં પ્રેમથી જીવન જીવી રહ્યાં છીએ.અને સામાન્ય દંપતિ કરતા અમે એક બીજાને સારી રીતે ઓળખી અને સમજી શકીએ છીએ.આકર્ષણ ક્ષણિક હોય છે પ્રેમ કાયમી હોય છે.
બેસ્ટ કપલ નો પણ એવોર્ડ મળ્યો
આશાબેન તથા નંદનભાઈ ને ૨૦૧૫ માં તેમના લગ્નજીવન અને પ્રજ્ઞાચક્ષુ હોવા છતાં એક બીજા ના ટ્યુનીંગ ને ધ્યાને લઇ આ દંપતી એ જ્યાં સાથે અભ્યાસ કર્યો હતો અને એક બીજા પ્રત્યે પ્રેમ પાંગર્યો હતો તે સંસ્થા ભારતીય પ્રજ્ઞાચક્ષુ ગુરુકુળ દ્વારા બેસ્ટ કપલ નો એવોર્ડ પણ અપાયો હતો.