Friday, November 22, 2024

|| तुम रक्षक काहू को डरना ||

આજે પોરબંદરના યુવરાજ પદ્મશ્રી ઉદયભાણસિંહજી સાહેબની જન્મ જયંતી :જાણો તેમના વિશે પોરબંદર ટાઈમ્સ ના આ ખાસ અહેવાલ માં

પોરબંદર
” આ રાજય આપણુ છે.એ ભાવને બદલે આ રાજય હનુમાનજીનુ છે. આપણે હનુમાનજીના છીએ. અને આપણે આ રાજયના છીએ એ સાચો અને સર્વોતમ ભાવ કેળવતા રહેશો. ”
યુવરાજશ્રી ઉદયભાણસિંહજી (જન્મ 6 /10 /1910 શ્રીનગર)

પોરબંદર યુવરાજ ઇફ્કો ના સ્થાપક કૃષિ ધિરાણના પ્રણેતા NCUI ના પ્રમુખ ઓલ ઈન્ડિયા ફેડરેશન ઓફ સ્ટેટ કો. ઓપ. લેન્ડ ડેવલપમેન્ટ બેંકના પૂર્વ પ્રમુખ અને પદ્મશ્રી એટલે ગુજરાતના પનોતા પુત્ર યુવરાજ ઉદયભાણસિંહજી સાહેબ
શ્રીનગર ભાયાત કુમાર શ્રી શિવસિંહજી જેઠવા સાહેબનાં પુત્ર બાલસિંહજી સાહેબનાં સદગુણોએ નામદાર મહારાણા સાહેબનુ ધ્યાન પહેલેથી જ આકર્ષેલું હતું. કુમાર બાલસિંહજી સાહેબનો મિલનસાર ઠંડો સ્વભાવ , નિરાભિમાનપણું. નિખાલસતા અને વિવેક તેમજ વાતચીતમાં સામેવારાનુ દિલ જીતી લેવાની શક્તિ એભારે પ્રશંસાપાત્ર થઇ પડયા. તેમની સાથે વાતચીતનો પ્રસંગ પાડનાર દરેકનાં મન પર તેમના નિખાલસ ઉમદા સ્વભાવની ઊંડી છાપ પડતી.આ રાજય આપણુ છે.એ ભાવને બદલે આ રાજય હનુમાનજીનુ છે. આપણે હનુમાનજીના છીએ. અને આપણે આ રાજયના છીએ એ સાચો અને સર્વોતમ ભાવ કેળવતા રહેશો.
ઇ.સ.1941 માં મહારાજા મહારાણા શ્રી નટવરસિંહજીએ બાલસિંહજી ને દતક લીધા અને તેની સાથે રાજય નો ઉદય થયો તેથી તેમનુ નામ ઉદયભાણસિંહજી થયુ આ માંગલીક પ્રસંગે નામદાર મહારાણા શ્રીએ અનેક ઉદાર સખાવતો આપી.સાર્વજનિક અને કોમી સંસ્થાઓ જેવી કે રાજપુત સમાજ, સહાયક સમાજ, મહેર બોર્ડીગ, મદ્રેસા, બર્ડાઇ વિદ્યાતેજક ફંડ, ભાવસિંહજી હાઇસ્કૂલ વિદ્યોતેજક ફંડ , નાવિક યુવાન મંડળ, રાણાવાવ લાયબ્રેરી એવી એવી કેટલીયે સંસ્થાઓને આર્થિક મદદ અપાઇ હતી.
યુવરાજ શ્રી યુદયભાણસિંહજી ના લગ્ન લીમડી ના મહારાજ શ્રી દિગ્વીજયસિંહજી ઝાલા ના રાજકુમારી શ્રી પ્રેમકુમારીબા સાહેબ જોડે થયેલા યુવરાજશ્રી ઉદયભાણસિંહજી યુવાન પ્રજાની દરેક પ્રવૃતિઓમાં સારો ભાગ લેતા હતા. પ્રદર્શનો, વકતૃત્વ મેલાવડાઓ, મેચો, વ્યાયામ પ્રયોગો, હરિફાઇઓ અને શર્તો એવા એવા હરેક યુવાનોથી ખેલદિલીના કાર્યોમાં પોતે જાતે રસ લઇ બાળકો તથા યુવાનોને યોગ્ય દોરવણી આપતા હતા.તેઓશ્રી કોર્ટમાં નિયમીત હાજરી આપી રાજયકાજમાં પૂરૂં ધ્યાન આપતા હતા. દરેક અરજદારની અરજી જાતે શાંતિપૂર્વક હસતે મોઢે સાંભળી તેનાં દુ:ખનુ નિવારણ કરતા અને હાર્દિક આશિર્વાદ મેળવતા હતા. 1932 માં તેમને ખેતીવાડી ના સ્નાતકની ઉપાધિ મેળવ્યા બાદ પોરબંદર રાજ્યના વહિવટી કામકાજમાં મહારાણા શ્રી નટવરસિંહજી ના પગલે ચાલીને તેમની છત્રછાયામાં વિવિધ ક્ષેત્રે સેવા કરી લોકોના દીલ જીતી લીધેલ અને આઝાદી પછી જેઠવા હોસ્ટેલ ટ્રસ્ટ ના ચેરમેન ની ફરજ નીભાવી ઇ.સ.1965 માં બારડોલી ખાતે રાજ્યવ્યાપી બીજી સહકારી પરિષદ મડેલ તેમના પ્રમુખ બનેલા. સૌજન્ય. સરળતા અને સાદાઇની મુર્તિ યુવરાજ સાહેબ રાષ્ટ્રીય સહકારી સંધના પ્રમુખ બીનહરીફ ચુટાઇ આવ્યા હતા. તે એક જેઠવા અને સમસ્ત રાજપુત સમાજને ગૌરવ દીપાવ્યો હતો. અને જુનાગઢ જીલ્લા પંચાયતના પ્રમુખ તરીખે અનેક વાર સર્વાનુમત થી ચુટાઇ આવતા હતા


શ્રી ઉદયભાણસિંહજીનાં પ્રેરણાદાયક પ્રસંગની ”શિસ્ત અને નિયમિતતા”
જૂના પોરબંદર રાજ્યમાં આસીસ્ટંટ પોર્ટ ઓફીસર તરીકે ઉદયભાણસિંહજી નોકરી કરતા હતા.તાબાનાં દરેક કર્મચારીઓ સાથે તેમનું વ્રતન ખૂબજ સહાનુભૂતિપૂર્વકનું તેમજ ઉપરી અધિકારીને તેમના કાર્યથી ખૂબજ સંતોષ. તેમનું સરળ સંતોષી જીવન વ્યતિત કરે.
એક દિવસ તબિયતની પ્રતિકૂઅળતાને કારણે એક કલાક મોડા આવ્યા.પોતાનાં ટેબલ ઉપર જય પોતાના કાર્યમાં રત થયા. થોડીક ક્ષણોમાં તેમનાં ઉપરી અધિકારી પોર્ટ ઓફીસરે તેમને બોલાવ્યા અને મોડા આવ્યા બદલ ઠપકો આપ્યો અને કડકશબ્દોમાં કહ્યુ કે તમે મહારાજાનાં નજીકનાં સગા છો એટલે ગમે ત્યારે આવો તે ન ચાલે. તેનાં જવાબમાં ઉદયભાણસિંહજીએ શાંતિથી ઉપરી અધિકારીનું માન સાચવીને જવાબ આપ્યો કે મારી તબિયતની પ્રતિકૂળતાને કારણે આજે આમ બન્યું. ભવિષ્યમાં હુ નિયમિત બનવા બનતા બધા પ્રયત્નો કરીશ.આજને માટે મને માફ કરો. બે ત્રણ દિવસ પછી પોરબંદરનાં મહારાજાએ ઉદયભાણસિંહજીને દતક પૂત્ર તરીકે સ્વીકારી યુવરાજ તરીખે સ્થાપિત કર્યા અને જનતાને જાણ કરી.
પોરબંદરનાં પોર્ટ ઓફીસરને ઉદયભાણસિંહજી તરફનાં પોતાના વર્તન માટે મનોમન ક્ષોભ થયો. ટેલીફોન ઉપર યુવરાજ ઉદયભાણસિંહજીને રૂબરૂ મળવા સમય માંગ્યો.ઉદયભાણસિંહજીએ ટેલીફોન ઉપર કહ્યુ કે આસીસ્ટંટ પોર્ટ ઓફીસર તરીકેની મારી નોકરીનું રાજીનામુ આપવા હું આપની પાસે આવું છું. કચેરીમાં જઇ એક સામાન્ય કર્મચારી ઉપરી અધિકારી પાસે જે નમ્રતાથી ઉભા રહે તેવી રીતે ઊભા રહી રાજીનામુ રજુ કર્યુ અને પોર્ટ ઓફીસર કંઇ બોલે તે પહેલાં જ પોતે સાહેબ દરેક કર્મચારી સામાન્ય નાગરિક હોય કે રાજયનો યુવરાજ હોય દરેકને શિસ્ત અને નિયમિતતાનુ મુલ્ય સમજાવવાની શક્તિ હોવી જોઇએ. મારા કાર્યમાં કે વર્તનમાં આપે જો અવાર નવાર ટકોર કલીન હોત તો હું સામાન્ય કારકૂનમાંથી આસીસ્ટંટ પોર્ટટ ઓફીસર સુધી પહોચ્યો ન હોત અને તેથી કદાચ આજે હું કંઇક છું. તે આપની મીઠી લાગણીનાં પ્રતાપે છું. આપ જેવા શિસ્તનાં હિમાયતી પાસેથી મે મારા જીવનને ધડયું છે. પોર્ટ ઓફીસર ઉદયભાણસિંહજી થી ખુબ ખુશ થયા.
હાલ ગાંધીનગર મુકામે નામદાર યુવરાજ ”ઉદયભાણસિંહજી રિજીયોનલ ઇન્સ્ટીટયુટ ઓફ કો-ઓપરેટીવ મેનેજમેન્ટ” ના નામની કોલેજ ચાલુ છે.જેમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડીપ્લોમા ઇન કો-ઓપરેટીવની ડીગ્રી આપવામાં આવે છે.અને એક બેંકની સ્થાપના પણ કરેલ જે સ્વ. શ્રી ઉદયભાણસિંહજી એ દ્વારા વર્ષ ઇ.સ.૧૯૫૧ માં સૌરાષ્ટ્ર રાજ્યમાં કરવામાં આવી હતી. દેશની આઝાદી અગાઉના સમયમાં ખેતીને લગત માળખાકીય સવલતો ઓછી હતી ત્યારે ખેડૂત વરસાદી ખેતી ઉપર આધારિત હતો. દુષ્કાળ જેવી પરિસ્થિતિઓમાં ખેડૂતને તેના વ્યવહારો ચલાવવા તથા ખેતી માટે નાણાંની જરૂરિયાત માટે શાહુકારોનો એકમાત્ર આશરો હતો. તેવા સમયમાં શાહુકારોના વ્યાજના વિષચક્રમાં ખેડૂત ફસાયેલો હતો. ખેડૂતની ખેતીની જમીનો શાહુકારોને ત્યાં ગીરોમાં હતી ત્યારે ખેડૂતને શાહુકારોના નાણાં ચુકવવા માટે ધિરાણ આપવા તથા ખેતીના લાંબાગાળાના વિકાસ માટે ધિરાણ આપવા જેવા ઉમદા હેતુથી સ્વ.શ્રી ઉદયભાણસિંહજીએ “સૌરાષ્ટ્ર સ્ટેટ સેન્ટ્રલ કો.ઓપરેટીવ લેન્ડ મોર્ટગેજ બેંક લી”. ના નામથી સૌરાષ્ટ્ર રાજ્યના પાંચ જીલ્લાઓનું કાર્યક્ષેત્ર ધરાવતી આ બેંકની સ્થાપના કરેલ હતી. આમ ખેડૂતોના હિતની ચિંતા કરનાર યુવરાજ સ્વ.શ્રી ઉદયભાણસિંહજી આ બેંકના આદ્યસ્થાપક હતા.


વર્ષ ૧૯૫૭ માં સૌરાષ્ટ્ર રાજ્ય બોમ્બે સ્ટેટમાં વિલીન થઇ ગયું પરંતુ આ બેંકનું કામકાજ સૌરાષ્ટ્ર ક્ષેત્રમાં સ્વતંત્ર સંસ્થા તરીકે ચાલુ રહ્યું. વર્ષ ૧૯૬૦મા જયારે બોમ્બે સ્ટેટમાંથી વિભાજન થઇ અલગ ગુજરાત રાજ્યની નવરચના થઇ ત્યારપછી વર્ષ ૧૯૬૨ થી આ બેંકે પોતાનું કાર્યક્ષેત્ર સમગ્ર ગુજરાત રાજ્યને બનાવ્યું. તેની સાથે બેંકનું નામ બદલીને “ગુજરાત સ્ટેટ સેન્ટ્રલ કો.ઓપરેટીવ લેન્ડ મોર્ટગેજ બેંક લી.” કરવામાં આવ્યું.
શરૂઆતમાં આ બેંક દ્વારા ખેડૂતોને શાહુકારોના સીકન્જામાંથી છોડાવવા તથા ગણોતિયાઓને જમીન માલિક બનાવવા માટે ધિરાણ આપવામાં આવ્યું. પરંતુ આ તબક્કો પૂર્ણ થવામાં હોઈ હવે બેંક દ્વારા કૃષિના લાંબાગાળાના વિકાસના હેતુઓમાં ધિરાણ અપાતું હોઈ વર્ષ ૧૯૬૫ માં બેંકનું નામ કામગીરીને અનુરૂપ “ધી ગુજરાત સ્ટેટ કો.ઓપરેટીવ લેન્ડ ડેવલપમેન્ટ બેંક લી.” કરવામાં આવ્યું. ત્યારબાદ પણ સમયની માંગ પ્રમાણે બેંક દ્વારા નોન-ફાર્મ સેક્ટર (કુટીર ઉદ્યોગ) અને ખેતીના આનુષાંગિક પ્રવૃતિઓ તથા ગ્રામ વિકાસને લગતના હેતુઓ માટે ધિરાણ આપવાનું શરુ કરાતાં બેંકનું નામ ફરી એકવાર બદલાયું.જે આજે “ગુજરાત રાજ્ય સહકારી કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંક લી.” નામથી ઓળખાય છે.
ખેડૂતોમાં અને ગામડાઓમાં આ બેંક “લેન્ડ મોર્ટગેજ બેંક”, “જમીન વિકાસ બેંક”, અને “ખેતી બેંક” જેવા ઉપનામોથી પણ ઓળખાય છે.
સૌરાષ્ટ્ર લેન્ડ રીફોર્મ એક્ટ-૧૯૪૯ માં ગણોતિયાઓ, જે જમીનના કબજેદારો હતા તે જમીનના હક્કો ખરીદી શકે તેવી જોગવાઈ હતી અને તે સુધારાના ઝડપી અમલ માટે કોઈ એક બેન્કિંગ એજન્સીની જરૂરિયાત હતી, કે જે ગણોતિયાઓને ધિરાણ આપી શકે. આ સંજોગોમાં આ બેંકની સહકારી માળખા અંતર્ગત સ્થાપના થઇ અને બેંકની શરૂઆતના તબક્કામાં બેંક દ્વારા ૫૬૦૦૦ ગણોતીયાઓને રૂ. ૨.૬૪ કરોડનું ધિરાણ પૂરું પાડવામાં આવ્યું હતું અને આ બેંકના ધિરાણથી જ તેઓ જમીનના માલિક બની શક્યા. આ રીતે દેશમાં પ્રથમવાર જમીન અંગેના સુધારા કરવામાં રાજ્ય સરકારને સફળતા મળી અને તેનું ઝડપી અમલીકરણ કરવા સરકાર અને ગણોતીયાઓ વચ્ચે સેતુ બનવાનું કામ લેન્ડ મોર્ટગેજ બેંકે કર્યું. ત્યરબાદ આ બેંકે ખેડૂતોને કૃષિ અને કૃષિ વિષયક હેતુઓ માટે ધિરાણ આપવાનું કાર્ય આગળ ધપાવ્યું છે. અને આ કાર્ય બદલ ભારત સરકારે યુવરાજશ્રી ઉદયભાણસિંહજીને પદ્મશ્રી.નુ સન્માન આપ્યુ. જે ઉદયભાણસિંહજીનો કિર્તિસ્તંભો ગણાય જે પોરબંદર અને જેઠવા માટે ગૌરવરૂપ છે.
સંદર્ભ:- હનુમાનવંશી જેઠવા રાજપુત શૌર્ય ગાથા
. શ્રી વીરદેવસિંહ પી. જેઠવા
મિત્રો પોરબંદર ના યુવરાજ ની આ દાસ્તાન આપ શેર પણ કરી શકો છો,

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે