પોરબંદર
આજે ૮ મી માર્ચ આંતરરાષ્ટ્રીય નારી દિવસ..જેની ઉજવણી માત્ર ગાંધીભૂમિ પોરબંદરમાં જ નહીં,પરંતુ વિશ્વભરમાં અલગ-અલગ પ્રકારે થઈ રહી છે. અને નારીની મહત્વતા, કિંમતના ગુણગાન ગવાઈ રહ્યા છે તેનું સન્માન પણ થઈ રહ્યું છે ત્યારે પોરબંદર નજીકના કુછડી ગામે આંતરરાષ્ટ્રીય નારી દિવસની ઉજવણીથી તદ્વન અજાણ અને અભણ હોવા છતાં પોતાના બબ્બે દિવ્યાંગ પુત્રોને ચાર-ચાર દાયકાથી સાચવતા ખમીરવંતા મહેર મહિલાનું પોરબંદરની યુવતીઓ એ તેના ઘરે જઈને ભાવપૂજન,સ્વાગત, અભિવાદન કરીને ખરા અર્થમાં “વર્લ્ડ વુમન્સ ડે” ની ઉજવણી સાર્થક ઠેરવી હતી.
બાળકને આવ્યા તાણ-આંચકી
પોરબંદરથી ૧૫ કિલોમીટર દૂર દરિયાઈ પટ્ટી ઉપર આવેલા કુછડી ગામે રહેતા નાથીબેન દેવાભાઈ કુછડીયા નામના ૫૯ વર્ષના મહેર સમાજના મહિલાની આ સંઘર્ષગાથા છે. જેને સાંભળીને કોઈની પણ આંખમાં અશ્રુધારા વહી જાય છે. વાત જાણે એમ છે કે ઠોયાણા ગામે પીયરીયું ધરાવતા નાથીબેનના લગ્ન વીસેક વર્ષની વયે કુછડીના દેવાભાઈ કુછડીયા સાથે થયા હતા અને ઈ.સ. ૧૯૮૩ ની સાલમાં તેમને ભગવાન ખોળાનો ખુંદનાર આપે છે. જેનું નામ વિરમ રાખવામાં આવે છે. ખેતીકામ કરતા પરિવારમાં પુત્રરત્ન જન્મતા ખુશાલી છવાઈ જાય છે પરંતુ હસી-ખુશીથી જીવતા પરિવારને કોઈની નજર લાગી ગઈ હોય તેમ અચાનક જ માસુમ બાળક વિરમને તાણ-આંચકી આવે છે અને ત્યારબાદ બેભાન હાલતમાં હોશ ગુમાવી દીધેલો જણાય છે. આથી માતા-પિતાને ચિંતા થાય છે અને પુત્રની સારવાર માટે
પથ્થર એટલા દેવ થી માંડીને ડોક્ટરો પાસે પણ લઈ જવામાં આવે છે પરંતુ તેની કોઈ જ સારવાર કારગત નીવડતી નથી અને આ બાળક માનસિક અને શારીરિક રીતે દિવ્યાંગ જેવો બની જાય છે. જેથી પરિવાર ઉપર વજ્રઘાત થાય છે અને તે થોડું ઘણું હાલી ચાલી શકે છે પરંતુ માનસિક અસ્વસ્થ તથાદૈનિક ક્રિયાઓ જાતે કરી શકે નહીં તેવો બની જાય છે.
દીકરીઓ અને દીકરાનો જન્મ
ત્યારબાદ નાથીબેનને ત્યાં દીકરીનો જન્મ થાય છે જેના થોડા વર્ષો પછી વધુ એક દીકરીનો જન્મ થાય છે અને પછી ઈ.સ. ૧૯૮૯ માં ફરીથી પુત્રરત્નનો જન્મ થાય છે. જેનું નામ ભાવેશ રાખવામાં આવે છે અને ફરી પરિવારમાં પુત્ર રત્નનો જન્મ થતા ખુશહાલી છવાઈ જાય છે. પરંતુ આ પરિવાર પર ખરેખર કુદરતનો કોપ ઉતર્યો હોય તેમ નવજાત પુત્ર ભાવેશને પણ થોડા સમય બાદ તાણ આંચકી આવે છે અને તે વાચા ગુમાવી બેસે છે. એટલું જ નહીં, પરંતુ આખે આખું શરીર જકડાઈ જાય છે અને તે ઉભો પણ થઈ શકતો નથી. આથી તેની પણ અનેક જગ્યાએ દવા,સારવાર, દુવા કરાવવા છતાં કશો જ ફરક પડ્યો ન હતો અને તે સંપૂર્ણપણે પથારીવશ થઈ ગયો હતો.જે કોઈપણ પ્રકારની દૈનિક ક્રિયાઓ પણ જાતે કરી શકે તેમ ન હોય તેવો બની ગયો હતો.
માતાની સંઘર્ષમય દાસ્તાન
નાની-મોટી બિમારીઓ આવે તો પણ ઘણાં લોકો હિમ્મત હારી જતા હોય છે અને સારવાર, નિદાન તથા બિમાર વ્યક્તિઓની પાછળ ખડેપગે રહેવાની વાત આવે ત્યારે પીછેહઠ કરી જતા હોય છે. પરંતુ કુછડી ગામે ખંત, ખુમારી અને ખાનદાનીથી ભરેલ મહેર સમાજના આ મહિલા નાથીબેન કુછડીયા હિમ્મત હાર્યા વગર પોતાના સંતાનોનો ઉછેર કરે છે. દીકરાઓની જતન, જાળવણી અને તેને મોટાકરવા પાછળ પોતાનું આખું જીવન સમર્પિત કરી દે છે. સ્વાભાવિક રીતે જ બે-ચાર મહિનાની બિમારી હોય તો પણ લોકો કૅટાળી જતા હોય છે પરંતુ અહીંયા મોટો પુત્ર છેલલા ૩૯ વર્ષથી અને નાનો પુત્ર છેલ્લા ૩૧ વર્ષથી શારીરિક-માનસિક રીતે દિવ્યાંગ હોવા છતાં તેઓની તમામ પ્રકારની સેવા, સારવાર અને દૈનિક ક્રિયાઓ કરાવતા માતા નાથીબેન તથા પિતા દેવાભાઈ કુછડીયાની સંઘર્ષમય પરિસ્થિતિમાં પણ હિમ્મત નહીં હારવાની અને કુદરતને પણ લડત અને ટક્કર દેવાની હામ જોઈને સૌ કોઈ અચંબીત થઈ જાય છે.
દીકરીઓ સાસરે વળાવી
કુછડી ગામે ખેતીકામ કરતા નાથીબેન અને દેવાભાઈની બન્ને દીકરીઓ મોટી થતા સાસરે વળાવવામાં આવે છે. પરંતુ બંને દીકરાઓ દિવ્યાંગ હોવાને લીધે હવે તેઓના ઉછેરની સંપૂર્ણ જવાબદારી દંપતિ ઉપર આવી પડે છે. ઉંમર વધતી જાય છે અને વૃદ્ધાવસ્થા નજીક આવી રહી છે તેમ છતાં બબ્બે દિવ્યાંગ સંતાનોની ખૂબ જ સારી રીતે જાળવણ કરી રહેલ આ દંપતિ અને તેમાં પણ ખાસ કરીને મહિલા નાથીબેન કુછડીયાની કામગરી ખરેખર બિરદાવવાલાયક બની રહી છે.
તહેવારોની ઉજવણી કરી નથી
ચાર-ચાર દાયકાથી બબ્બે દિવ્યાંગ પુત્રોની જાળવણીમાં જ સમગ્ર જીવનની ક્ષણેક્ષણ સમર્પિત કરનાર નાથીબેને જણાવ્યું હતું કે તેઓએ સંતાનોની જવાબદારી સંભાળ્યા બાદ એકપણ તહેવારની ઉજવણી કરી નથી. કેમ કે જન્માષ્ટમી નો લોકમેળો હોય કે દિવાળી, હોળી કે નવરાત્રી…બબ્બે દિવ્યાંગ સંતાનોને બહાર લઈ જવા એ ખૂબ જ કપરું કામ છે. તેથી તેઓએ તહેવારની ઉજવણી કરી નથી એટલું જ નહીં, પરંતુ સારા-માઠા પ્રસંગોએ પણ તેઓ ભાગ્યે જ હાજરી આપી શકે છે. કેમ કે પોતે જાય તો સંતાનોની દેખરેખ કોણ રાખે ? તેવો સવાલ ઉઠાવીને ઉમેર્યું હતું કે તેમણે પોતાની જીંદગી સંતાનોને નામ કરી દીધી છે.’ આમ, કોઈપણ જાતની અપેક્ષા વગર નિઃસ્વાર્થભાવે સેવા કરતા આ મહિલાએ ખરા અર્થમાં આંતરરાષ્ટ્રીય નારી દિવસની બારેમાસ સાર્થક કરી રહ્યા છે ત્યારે તેમના થયેલા અભિવાદનથી તેઓ
પણ ગદગદિત બની ગયા હતા અને આંખોમાંથી અશ્રુધારા વહી રહી હતી. તેમનું સન્માન કરવા આવેલી બન્ને યુવતીઓ સાથે પણ ગળગળા થઈને ગળે મળીને ખૂબ જ ભાવવિભોર બની ગયા હતા.
મોટો છે ભોળીયોનાથ અને નાનો છે રામાપીર
કુછડી ગામે રહેતા મહિલા નાથીબેન કુછડીયાએ જણાવ્યું હતું કે તેમને ત્યાં ૧૯૮૩ ની સાલમાં શિવરાત્રીના દિવસે મોટા પુત્ર વિરમનો જન્મ થયો હતો. પોતાને વર્ષોથી ભગવાન શિવજી ઉપર અતૂટ આસ્થા અને શ્રદ્ધા છે તેથી મોટા પુત્ર વિરમને તે ભગવાન ભોળાનાથ માને છે અને જન્મથી પથારીવશ એવા નાના પુત્ર ભાવેશને તે રામાપીર માને છે અને બન્નેને ભગવાન માનીને તેમની સેવા કરે છે.
હવે જો આશ્રમમાં મૂકવાનું કીધું તો મુને મજા નહીં આવે!
પોરબંદર પંથકના મહેર સમાજના આ મહિલા નાથીબેન કુછડીયાએ જીંદગીનો પ્રસંગ ટાકતા જણાવ્યું હતું કે ઘણી વખત તેમને ત્યાં અમુક સગાસબંધીઓ સહિત સ્વજનો આવે ત્યારે બન્ને દિવ્યાંગ દીકરાઓની પરિસ્થિતિ જોઈને એવી સલાહ આપતા હોય છે કે “આવા સંતાનોને આશ્રમમાં મૂકી દેવા જોઈએ”” ત્યારે અસલ દેશી મહેરની ભાષામાં તેઓ ફટ કરતો જવાબ આપી દે છે કે ““મારા ભોળીયાનાથ અને રામાપીરને હવે જો આશ્રમમાં મૂકવાનું કીધું તો મને મજા નહીં આવે…મારે ઘેર તુંઆવતો નહીં !””
નારી સન્માનના ગાડરીયા પ્રવાહને બદલે યુવતીઓએ કંઈક અલગ કર્યું
પોરબંદરમાં સરકારી તંત્ર, જુદા-જુદા સરકારી તંત્ર, સામાજીક સંસ્થાઓ વગેરેમાં આંતરરાષ્ટ્રીય નારી દિનની ઉજવણીનો ગાડરીયો પ્રવાહ ચાલી રહ્યો છે અને જે નારીઓ સુપરહીટ છે, પોતાના ક્ષેત્રમાં સારું યોગદાન આપી રહી છે તેઓના સન્માચન કરવામાં આવી રહ્યા છે. પરંતુ આવા ગાડરીયા પ્રવાહથી દૂર રહીને ખરા અર્થમાં જે સન્માનનીય અને પૂજનીય છે તેવી નારીને શોધીને તેના ઘરે જઈને ભાવપૂજન કરવાનો નવો જ વિચાર પોરબંદરની બે વિપ્ર યુવતીઓ કાજલ મોઢા અને ધારાજોષીને આવતા તેઓએ નારી સન્માનના ગાડરીયા પ્રવાહને બદલે કંઈક અલગ કરીને નાથીબેનકુછડીયાનું ખરા અર્થમાં ભાવપૂજન કરવાની સાથોસાથ સમાજની સમક્ષ આ નારીની સંઘર્ષગાથાને લાવવાનું ભગીરથ કાર્ય કર્યું છે ત્યારે આ બત્રે યુવતીઓને પણ બિરદાવવામાં આવી છે.
હા, હું જાતે કરું છું મારા દીકરાઓની દાઢી
સંપૂર્ણપણે પથારીવશ એવા દીકરા ભાવેશ અને વાણંદ આવે તો પણ દૂર-દૂર ભાગી જાય તેવા માનસિક દિવ્યાંગ પુત્ર વિરમની દાઢી તેની માતા નાથીબેન જાતે કરે છે. તેમણે જણાવ્યું હતું કે “ધણાં લોકો આઠ-પંદર દિવસે એક વખત દાઢી કરતા હોય છે. પરંતુ મને એવું ગમે નહીં. મારા દીકરાઓ રૂડા અને રૂપાળા લાગવા જોઈએ. તેથી હું મારા બન્ને દીકરાઓની દાઢી મારા હાથેથી કરી દઉં છું.” તેમણે જે લહેકાથી આ વાત રજુ કરી ત્યારે તેમનું ખમીરત્વ આપોઆપ ઝળકી ઉઠ્યું હતું.
આંતરરાષ્ટ્રીય નારી દિન..ઈ વરી કાંઉ ?!
૮ મી માર્ચને “આંતરરાષ્ટ્રીય નારી દિન” તરીકે ઉજવવામાં આવે છે ત્યારે તેમનું સન્માન અને ભાવપૂજન કરવા ગયેલી યુવતીઓ કાજલ મોઢા અને ધારા જોષીએ તેમને આંતરરાષ્ટ્રીય નારી દિનની વાત કરી ત્યારે આ અભણ મહિલાએ સામો એવો સવાલ ઉદાવ્યો હતો કે આંતરરાષ્ટ્રીય નારી દિન..ઈ વરી કાંઉ ? ! મારા માટે તો બધા દી’ સરખા છે અને સવાર થી સાંજ આમ જ વહી જાય છે.
સાજાસારા માણસોમાં પણ જોવા મળે નહીં તેવી શરીર સ્વચ્છતા સંતાનોને આપી
સામાન્ય રીતે કોઈ બિમાર વ્યક્તિ વધુ સમય સુધી માંદા રહે ત્યારે તેની આસપાસ ગંદકી ફેલાઈ જાય છે. તેને નવડાવવો, શૌચક્રિયા કરે પછી તેની સફાઈ કરવી જેવી કામગીરી કરવા માટે ઘણાં સ્વજનો પોતાનું મોં મચકોડતા હોય છે અને પથારીવશ વ્યક્તિ ““આ હવે મરે તો સારૂં, આ હવે છૂટે તો સારું”’ તેવી ભગવાનને પ્રાર્થના કરતા હોય છે. પણ ચારચાર દાયકાથી પથારીવશ સંતાનોને ઉછેરતા નાથીબેને ખરા અર્થમાં પોતાના માતૃત્વને સાર્થક કર્યું છે અને આટલા વર્ષોથી પથારીવશ અને પોતાની ટૈનિક કિયાઓ જાતે નહીં કરી શકતા દીકરાઓને સવારે બ્રશ કરાવવાથી માંડીને શોચક્રિયા કરાવવી, નવડાવીને તેની સફાઈ કરવી, દાઢી કરવી, જમાડવા વગેરે જેવી દિનચર્યામાં સાંજ ક્યાં પડી જાય છે તેની પણ ખબર પડતી નથી. આમ છતાં તેની શારીરિક સ્વચ્છતા એટલી હદે રાખવામાં આવે છે કે પથારીવશ ભાવેશની આજુબાજુમાં ઉભા હોય તે લોકોને પણ વાસને બદલે સુગંધ આવે છે. એટલું જ નહીં, પરંતુ તેના શરીર ઉપર ક્યાંય મેલનું નામોનિશાન જોવા મળતું નથી. દર બે-ત્રણ દિવસે તેની દાઢી અને એક મહીને તેના વાળ કાપવામાં આવે છે.
મારા માટે તો આ જ જીવતા-જાગતા ભગવાન
લોકો મંદિરોમાં જઈને ભગવાનના પૂજન-અર્ચન કરે છે પરંતુ નાથીબેન કુછડીયાએ એવું જણાવ્યું હતું કે મારે તો ભગવાનને ક્યાંય મંદિરોમાં શોધવા જવું પડતું નથી. કેમ કે મારા ઘરમાં જ બબ્બે ભગવાન હાજરા હજુર છે. તેઓની સેવા કરવી એ જ મારા માંટે પૂજન-અર્ચન છે અને તેના આશિર્વાદ હંમેશા મારા ઉપર વરસ્યા છે. તેથી હું બિમાર પડતી નથી અથવા એમ પણ કહી શકું કે મને બિમાર પડવા માટેનો ટાઈમ પણ મળતો નથી ! હું ઘરનું તમામ કામ કરવાની સાથોસાથ પશુઓનું પણ ધ્યાન રાખું છું અને તેની સાથોસાથ બન્ને દીકરાઓની પણ જાળવણી કરૂં છું.
પથારીવશ મુંગા પુત્રની તગડી તંદુરસ્તી !
ખૂબ જ નાની વયે ટુંકી બિમારી બાદ તાણ-આંચકીને કારણે સંપૂર્ણ પથારીવશ બનેલા નાનો પુત્ર ભાવેશ મુંગો છે પરંતુ તેની તંદુરસ્તી ખૂબ જ સારી છે તેમ જણાવીને તેની માતાએ જણાવ્યું હતું કે પથારીમાં હોવા છતાં તે નિયમિત રીતે ભોજન લે છે અને આપોઆપ પાચન થઈ જાય તે પ્રકારની તેની હોજરી ટેવાઈ ગઈ છે. તેના માટે તાંણ-આંચકીની ૩૦ વર્ષ પહેલા સારવાર કરાવી હતી, ત્યારબાદ એકપણ રૂપીયો તેની બિમારી પાછળ વાપરવો પડ્યો નથી. તે પથારીમાં હોવા છતાં હંમેશા હસતો, હસાવતો અને તંદુરસ્ત રહે છે.
બધા સાથે સીતારામ કરીને દુઃખણા લે
હાલી ચાલી શકતો અને છતાં માનસિક દિવ્યાંગ એવો મોટો પુત્ર વિરમ ખૂબ જ રમુજી અને કુછડીના ગ્રામજનોનો પણ પ્રિય છે. કોઈ મહેમાન આવે ત્યારે બધા સાથે હાથ મિલાવીને ‘ સીતારામ કરે છે અને બાળકો આવે તો તેના દુઃખણા લઈને આશિર્વાદ પણ આપે છે તથા સારા એવા ગીત ગાવાની સાથોસાથ મહેર મણીયારો રાસ પણ પોતાના આગવા અંદાજમાં રમે છે. ઢોલ-શરણાઈ વાગે એટલે તે આપોઆપ નાચવા લાગે છે અને ખૂબ જ સારી રીતે રાસ પણ રમી જાણે છે. વર્ષો અગાઉ તે ડેલીની બહાર નીકળી ગયા બાદ દૂર સુધી ચાલ્યો ગયો હતો અને મહામહેનતે તે મળ્યો હતો. ત્યારથી હવે તેને બહાર જવા માટે મનાઈ ફરમાવાઈ છે અને તેનું ખૂબ જ ધ્યાન રાખવું પડે છે.
અત્યારે તો હું છું…મારા ગયા પછી આનું કોણ ? કહેતા અશ્રુધારાઓ વહી
આંતરરાષ્ટ્રીય નારી દિવસની વિશિષ્ટ ઉજવણી માટે કુછડીના નાથીબેન કુછડીયાનું ભાવપૂજન કરવા ગયેલી પોરબંદરની બે યુવતીઓ કાજલ મોઢા અને ધારા જોષી સમક્ષ ચોધાર આંસુએ રડીને આ મહિલાએ જણાવ્યું હતું કે મેં આ જન્મારામાં મારાથી બનતી તમામ સેવા આ બત્ને દીકરાઓ માટે કરી છે. અત્યારે તો હું છું પરંતુ મારા ગયા પછી આનું કોણ ? હું એકાદ કલાક માટે પણ આડી-અવળી થઉં તો વિરમ કબાટમાંથી મારા કપડાં શોધીને “માં..માં” કરતો રડવા લાગે છે. ત્યારે હું ભગવાન ભોળીયાનાથને એવી પ્રાર્થના કરૂં છું કે મને મોત દે તો તેની સાથોસાથ મારા બન્ને દીકરાઓને પણ હું સાથે લઈ જાંઉ. જેથી મને એની ચિંતા રહે નહીં. જીંદગીના છેલ્લા શ્વાસ સુધી હું તેઓની સાથે જ ઈ, પરંતુ મારા શ્વાસ છૂટી જશે પછી મારા જેવો પ્રેમ અને દેખરેખ કોઈ રાખી શકશે નહીં. તેથી મારે ભારે હૈયે આવું કહેવું પડે છે.””
તંત્ર ચૂંટણીકાર્ડ અને આધારકાર્ડ પણ કાઢી આપતું નથી !
મોટા પુત્ર વિરમને મહિને ૬૦૦ રૂપીયાની સરકારી સહાય મળે છે પરંતુ નાના પુત્ર અને પથારીવશ ભાવેશને એકપણ રૂપીયો સરકારી સહાય મળતી નથી. તેમ જણાવીને તેનું કારણ નાથીબેને એવું જણાવ્યું હતું કે નાનો પુત્ર ભાવેશ પથારીવશ છે. હાથ અને પગ જકડાઈ ગયેલા અને અપૂરતો શારીરિક વિકાસ થયો છે, તેથી તેનું આધારકાર્ડ કે ચૂંટણીકાર્ડ નીકળી શકે તેમ નથી. અગાઉ અનેક વખત પ્રયત્નો કરવા છતાં તેનું ઓળખપત્ર નીકળ્યું નથી જેને કારણે તેને કોઈ જ સહાય મળતી નથી.
મિત્રો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિતે પોરબંદર ટાઈમ્સ નો આ ખાસ અહેવાલ જો આપને ગમ્યો હોય તો વધુ ને વધુ લોકો સાથે શેર કરવા વિનંતી .
આ અહેવાલ અંગે આપના પ્રતિભાવો અમોને મોકલી આપો porbandartimes@gmail.com પર
અથવા વોટ્સેપ કરો ૯૯૨૪૧૮૭૩૮૩નંબર પર ….