Wednesday, September 28, 2022

|| तुम रक्षक काहू को डरना ||

રાણાવાવ ની સરકારી વિનયન કોલેજ ખાતે રોજ‘કાવ્યમીમાંસા અને સાહિત્યકૃતિ’વિષે રાષ્ટ્રીય કક્ષાનો સેમિનાર યોજાયો

પોરબંદર

સરકારી વિનયન કૉલેજ, રાણાવાવ ખાતે ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે ૨૬મી ફેબ્રુઆરી ૨૦૨૨ ના રોજ ‘કાવ્યમીમાંસા અને સાહિત્યકૃતિ’ વિષે રાષ્ટ્રીય કક્ષાનો સેમિનાર યોજાઈ ગયો.

‘કાવ્યમીમાંસા અને સાહિત્યકૃતિ’ રાષ્ટ્રીય પરિસંવાદમાં ગુજરાતના ખૂણે ખૂણેથી વિદ્યાર્થીઓ અને અધ્યાપકો જોડાયા હતા. કાર્યક્રમના આરંભે ઉદઘાટન બેઠકમાં કોલેજના અસોસિએટ પ્રોફેસર ડો. કે. પી. બાકુએ કોલેજનો વિસ્તારથી પરિચય આપ્યો હતો.તો ઉદઘાટક  નરોત્તમ પલાણે પોરબંદરમાં આવો સરસ ઉપક્રમ રચાયો એનો આનંદ વ્યક્ત કર્યો હતો.અને ત્યાર બાદ તેમણે ભારતીય મીમાંસા અને પાશ્ચાત્ય મીમાંસા વિશે વાત કરતા જણાવ્યું કે પાશ્ચાત્ય મીમાંસકોના મૂળમાં પણ ભારતીય વિચાર રહેલો છે.

તો કોલેજના આચાર્ય ડો. કમલેશ બુદ્ધભટ્ટીએ પણ અભ્યાસપૂર્ણ વાત કરી હતી.પરિસંવાદની પ્રથમ બેઠકમાં ડો. અજયસિંહ ચૌહાણે (સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત ગાંધીનગર) પન્નાલાલ પટેલની દીર્ઘ નવલિકા ‘સાચાં સમણાં’ની ટી. એસ. એલિયટના ઓબ્જેકટીવ કોરીલેટીવના સંદર્ભમાં રસપ્રદ વાત કરી હતી. ટૂંપીયો કરી રીતે વસ્તુગત સહસંબંધ સ્થાપિત કરે છે અને નાયકના જીવનમાં કેવા ફેરફાર થાય છે એના વિશે સરસ વાત કરી હતી. તો બીજા વક્તા ડો. મનોજ છાયા હતા (અધ્યક્ષ અંગ્રેજી વિભાગ, આર આર લાલન કૉલેજ ભુજ). ડો. છાયાએ મધ્યકાલીન સાહિત્યને દેરીદાના વિઘટન વિચારના સંદર્ભમાં મૂલવ્યું હતું. એમણે કહ્યું કે દેરિદા એમના ડિ કન્સ્ટ્રકશને વાંચવાની નવી રીત ગણાવે છે. મધ્યકાળના સર્જક પ્રેમાનંદના નળાખ્યાનને કેન્દ્રમાં રાખીને ડિ કન્સ્ટ્રકશનને સમજાવે છે. આખું આખ્યાન રસપ્રદ રહ્યું હતું.

પરિસંવાદની બીજી બેઠકમાં રંગમંચના ઉસ્તાદ એવા ડો. નવનીત ચૌહાણે (નિવૃત્ત પ્રોફેસર અને અધ્યક્ષ, હિન્દી વિભાગ, એસ. પી. યુનિવર્સિટી, વિદ્યાનગર) રસસિદ્ધાંતની ચર્ચા કરી હતી. અભિનય સાથે એમનું વ્યાખ્યાન ખૂબ જ આકર્ષક હતું. ભરતમૂનીના રસસિદ્ધાંતની ચર્ચા એમને હિન્દીના પ્રસિદ્ધ નાટક ‘અન્ધા યુગ’ના સંદર્ભમાં કરી હતી. તો ડો. અનિરુદ્ધસિંહ ગોહિલે (સરકારી વિનયન કૉલેજ તળાજા જિ. ભાવનગર) રાવજી પટેલની કવિતાને અલંકારવિચારથી મૂલવી હતી. એમને અલંકાર એટલે માત્ર ઉપમા, રૂપક, સજીવારોપણ એવો જ અર્થ કરવાને બદલે જેનાથી કવિતામાં સૌન્દર્ય જન્મે એ તમામને અલંકાર તરીકે વિસ્તૃત ઓળખ આપે છે. એ અર્થમાં રસ, ધ્વની, વક્રોક્તિ, રમણીયાર્થ વગેરે અલંકારના વિભાગો જ ગણાય. આમ અનિરુદ્ધસિંહે રાવજીની કવિતાને ઉદાહરણ સાથે સમજાવી હતી.

ત્રીજા સત્રમાં વિવિધ યુનિવર્સિટી, કૉલેજ અને શાળાઓમાંથી આવેલ અધ્યાપકો અને વિદ્યાર્થીઓએ પોત પોતાના સંશોધનપેપરનું વાંચન કર્યું હતું. આ સત્રને ત્રણ ભાગમાં વહેચીને લગભગ ૬૦ જેટલા પેપરનું વાંચન થયું હતું. અધ્યાપકો અને વિદ્યાર્થીઓને પેપરવાંચનથી આનંદિત હતા. ભુજ, ભાવનગર, અમદાવાદ, જામનગર, જુનાગઢ, રાજકોટ એમ વિવિધ જગ્યાએથી આવેલા અધ્યાપકોએ આ કાર્યક્રમ સફળ બનાવ્યો હતો. કાર્યક્રમના અંતે સૌએ આનંદથી લાગણી વ્યક્ત કરી હતી.

આ પરિસંવાદને સફળ બનાવવામાં કોલેજના તમામ અધ્યાપકો, વિદ્યાર્થીઓ અને વહીવટી સ્ટાફે ખૂબ મહેનત કરી હતી. આમ આ પરિસંવાદમાં કુલ ૯૦ અધ્યાપકો અને ૧૦૦ જેટલા વિદ્યાર્થીઓએ લાભ લીધો હતો. સમગ્ર કાર્યક્રમનું સંયોજન આચાર્ય ડો. કે. કે. બુદ્ધભટ્ટીના માર્ગદર્શન હેઠળ ડો. હિરજી સિંચે કર્યું હતું.

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે