પોરબંદર

પોરબંદર ની સિવિલ હોસ્પિટલ ના કેદી વોર્ડ ના 6 વિડીયો વાઈરલ થયા છે.જેમાં કેદીઓ બેરોકટોક તેના સગા સબંધીઓ ને મળતા હોય તેવા દ્રશ્યો નજરે ચડે છે.વાઈરલ વિડીયો માં પોલીસ સામે કેટલાક ગંભીર આક્ષેપ પણ કરવામાં આવ્યા છે.જેના પગલે જીલ્લા પોલીસવડા એ તપાસ શરુ કરી છે.

પોરબંદર સિવિલ હોસ્પિટલ માં આવેલ કેદી વોર્ડ ના છ જેટલા વિડીયો વાઈરલ થયા છે.જેમાં કેદીઓ તેના સગા સબંધીઓ સાથે વોર્ડ ના દરવાજે બેરોકટોક મળતા અને વાતો કરતા હોય તેવા દ્રશ્યો નજરે ચડે છે.આ તમામ વિડીયો થોડા દિવસ પહેલા અલગ અલગ સમયે કેદી વોર્ડ ની અંદર રહેલા કેદી એ જ ઉતારી અને વાઈરલ કર્યા હોય તેવું જણાઈ રહ્યું છે.અને આ કેદી પોતાની પાસે બીજો મોબાઈલ પણ હોય તેવું દ્રશ્ય બતાવી પૈસા આપતા કેદી વોર્ડ માં કઈ પણ વસ્તુ મળી શકે તેવું જણાવી રહ્યો છે.

જેલના કેદીઓને સિવિલ હોસ્પિટલમાં ઘી-કેળા હોવાનું અને મોબાઈલ,તમાકુ અને દારૂ જેવી સુવિધાઓ મળતી હોવાથી કેદી વોર્ડ કેદીઓ માટે જલસાઘર બન્યો હોય તેવું પણ વિડીયો માં જણાવવામાં આવ્યું છે.વિડીયો માં કેદી વોર્ડમાં પૈસા ફેકો સુવિધા મેળવો જેવો ઘાટ હોવાનું અંદર રહેલો કેદી જણાવી રહ્યો છે.કેદી એવું પણ જણાવી રહ્યો છે કે દિવાળી ના દિવસે આ વોર્ડ માં કેદીઓ વચ્ચે દારૂ અને ગાંજો પી ને બબાલ થઇ હતી.જેમાં એક કેદી ને ઈજાઓ થતા સારવાર પણ આપવામાં આવી હતી અને ફરજ પર ના પોલીસકર્મી એ એમએલસી કરવામાં પણ ઠાગાઠૈયા કર્યા હતા.

ઉચ્ચ અધિકારીઓ ને પણ તે સમયે આ ઘટના ની જાણ કરવામાં આવી હોવા છતાં તેઓએ પણ આંખ આડા કાન કર્યા હોવાનું વિડીયો માં જણાવવામાં આવ્યું છે.ઉપરાંત માથાભારે અને વગદાર કેદીઓ ને ખાસ સુવિધા આપવામાં આવતી હોવાનું અને તેઓ જેલ માં સજા ભોગવવાના બદલે બીમારી ના બહાના હેઠળ કેદી વોર્ડ માં પડ્યા પાથર્યા રહેતા હોવાનું પણ જણાવ્યું હતું.વિડીયો વાઈરલ થતા સિવિલ હોસ્પિટલ ના કેદી વોર્ડ ની સુરક્ષા માં પોલમપોલ હોય તેવું સામે આવતા ભારે ચકચાર મચી છે.

આ અંગે જીલ્લા પોલીસવડા ડો રવી મોહન સૈનિ નો સંપર્ક કરતા તેઓએ તાત્કાલિક સ્ટાફ મોકલી સમગ્ર કેદી વોર્ડ ની ઝડતી લીધી હતી.અને તેઓએ એવું જણાવ્યું છે કે આ વિડિઓ અંગેની તપાસ ડીવાયએસપીને સોંપવામાં આવશે.કેદી વોર્ડ માં મોબાઈલ હોવાથી આ અંગે ગુન્હો પણ નોંધવામાં આવશે.તેમજ વિડીયો ઉતારનાર પાસે પણ મોબાઈલ છે.જેથી તે ફોન ક્યાંથી આવ્યો તે અંગે પણ સઘન તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવશે.

જુઓ આ વિડીયો