પોરબંદર

પોરબંદર માં હાથમાં રિવોલ્વર રાખી વિડીયો ઉતારી સોશ્યલ મીડીયામાં અપલોડ કરનાર યુવતિ તથા લાયસન્સ વાળુ હથિયાર આપનાર શખ્સનો જામીન ઉપર શરતી છૂટકારો થયો છે.

પોરબંદર માં સોશ્યલ મીડીયામા રિવોલ્વર સાથે યુવતીનો ચર્ચીત થયેલ વાયરલ વીડિયો પ્રકરણમાં યુવતી અને રિવોલ્વર આપનાર શખ્સ સામે ગુન્હો નોંધાયો હતો.જે ગુન્હા મુજબ અંજલિ ચાવડા નામની યુવતી તથા લાયસન્સ વાળુ હથિયાર આપનાર પ્રફુલ મકવાણા નામના શખ્સને પોરબંદરની કોર્ટમાં રજૂ કરવામાં આવતાં તેઓના વકીલ તરફે ધારાશાસ્ત્રી જે.પી. ગોહેલની ઓફીસ તરફથી એમ.જી.શીંગરખીયા,એન.જી.જોષીએ કોર્ટમાં જામીન અરજી રજૂ રાખવામાં આવી હતી.

જેમાં સરકાર પક્ષે આરોપીઓને જામીન મૂકત ન કરવાની રજૂઆત કરવામાં આવેલી.ત્યારબાદ આરોપીઓ પક્ષે વકીલ દ્વારા દલીલો કરી કોર્ટને જણાવેલ કે, એફ.આઈ.આર. મુજબ જે કલમ મુજબનો ગુન્હો નોંધવામાં આવેલ છે.તે મુજબનો કોઈ ગુન્હો બનવા પામેલ ન હોય અને તે રીતે તે ગુન્હાનું કોઈ વર્ણન પણ ફરીયાદમાં કરવામાં આવેલ ન હોય.અને હાલના આરોપીઓની સામે હથિયાર ધારાની જે કલમો લગાડવામાં આવેલ છે.તે કલમો લાગુ પડતી નથી,અને આરોપી ઓ દ્વારા ખરેખર કોઈ ગુન્હો કરવામાં આવેલ ન હોય,અને આ ગુન્હો ચલાવવાની ન્યાયીક સતા ચીફ કોર્ટને જ રહેલી છે.

વળી,આરોપીઓ પોરબંદરના સ્થાનિક રહીશ હોય,અને કયાંય નાસી–ભાગી જાય તેમ ન હોય તેમજ ટ્રાયલ દરમ્યાન કોર્ટમાં જાતે હાજર રહી શકે તેમ હોય આવી વિગતવાર દલીલો કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે આરોપીઓને તે જ દિવસે શરતોને આધિન જામીન મૂકત કરવાનો હુકમ ખુલ્લી અદાલતમાં જાહેર કર્યો હતો.
આ કામમાં આરોપી પક્ષે પોરબંદરના વિદ્વાન ધારાશાસ્ત્રી જે.પી. ગોહેલની ઓફીસ તરફથી એમ.જી.શીંગરખીયા, એન.જી.જોષી, એમ.ડી.જુંગી, તી.જી.પરમાર, પંકજ પરમાર, જીજ્ઞેશ ચાવડા, મયુર સનીયા, રાહુલ એમ.શીંગરખીયા રોકાયેલા હતા.

જુઓ આ વિડીયો