પોરબંદર

પોરબંદરના રેલવે સ્ટેશનમાં લાંબા અંતર ની ટ્રેનો પ્લેટફોર્મ નંબર 3 પર જ આવતી અને ઉપડતી હોવાથી મુસાફરો ને ભારે પરેશાની નો સામનો કરવો પડે છે.ખાસ કરી ને વૃદ્ધો,મહિલાઓ અને બાળકો ની સ્થિતિ કફોડી બને છે.જેથી તમામ ટ્રેનો પ્લેટફોર્મ નં 1 પર થી ઉપાડવામાં આવે તેવી માંગ ઉઠી છે.

પોરબંદર ના રેલ્વે સ્ટેશન ખાતે છેલ્લા 6 માસથી લાંબા અંતર ની ટ્રેનો જેવી કે દિલ્હી એક્સપ્રેસ, હાવડા એક્સપ્રેસ, કોચીવલી,મુઝફ્ફરપુર સહિતની મહત્વ ની ટ્રેનો પ્લેટફોર્મ નં ૩ પર થી ઉપડે છે અને અહી જ આવે છે.જેથી મુસાફરોને પહેલા પ્લેટફોર્મ પરથી ત્રીજા પ્લેટફોર્મ સુધી ચાલીને માલસામાન માથે ચડાવી પહોંચવામાં મુશ્કેલી પડે છે.ખાસ તો મહિલાઓ,બાળકો અને વૃદ્ધો સહિતના મુસાફરોને ત્રીજા પ્લેટફોર્મ પર પહોંચવા માં પસીનો છૂટી જાય છે.

તેમાં પણ રિઝર્વેશન મુજબ ટીકીટ હોય તે કોચ સુધી જવું પડતું હોવાથી ક્યારેક મુસાફરો ટ્રેન ચુકી પણ જાય છે.અગાઉ તમામ ટ્રેનો 1 નંબર ના પ્લેટફોર્મ પર થી જ ઉપડતી હતી.પરંતુ ટેકનીકલ કારણોસર ૨૪ ડબ્બા અને તેથી વધુ ડબ્બા ધરાવતી ટ્રેનો 1 નંબર ના ટ્રેક પર ઉભી શકતી નથી.તે માટે ટ્રેક માં જરૂરી ફેરફાર કરવો પડે તેમ છે.હાલ અહીં લિફ્ટની સુવિધા નથી તેમજ કુલીની પણ વ્યવસ્થા નથી.જેના કારણે ખાસ કરીને દિવ્યાંગો અને વૃદ્ધો તેમજ મહિલા યાત્રીઓને સામાન સાથે ત્રીજા નંબરના પ્લેટફોર્મ પર પહોંચવા માટે ભારે હાલાકી રહે છે.એ સ્થળે પૂરતી લાઈટનો અભાવ છે.એક પ્લેટફોર્મ પર થી બીજા પ્લેટફોર્મ પર જવા માટે નો બ્રીજ પણ ખુબ દુર છે.અને તેના મારફત જવા માટે ૯૦ પગથીયા ચડવા ઉતરવા પડે છે અને ત્રીજા પ્લેટફોર્મ પર કોઈ સુવિધા પણ નથી.

ટ્રેન પકડવા માં યાત્રીઓ રેલ્વે ટ્રેક પર પડી જતા હોવાના પણ બનાવ બન્યા છે.યાત્રીઓ બ્રીજ પર થી જવાના બદલે સીધા ટ્રેક પર થી પસાર થાય તો દંડ ભરવો પડે છે.જેથી તમામ ટ્રેનો એક નંબર પર ના પ્લેટફોર્મ પર ઉભી રાખવા વહેલીતકે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

ચેમ્બર ઓફ કોમર્સે બે વખત સમસ્યા નું નિરાકરણ આવી ગયું હોવાના દાવા કર્યા પરંતુ સમસ્યા યથાવત
આ સમસ્યા અંગે ચેમ્બર દ્વારા રજૂઆત થઇ હતી.જે અંગે નિરાકરણ આવી ગયું હોવાની ચેમ્બર દ્વારા અગાઉ બે વખત પ્રેસનોટ આપવામાં આવી હતી.પરંતુ સમસ્યા હજુ પણ યથાવત જોવા મળે છે.ત્યારે 8 મી વખત ચેમ્બર પ્રમુખપદે બેઠેલા જીગ્નેશભાઈ કારીયા મુસાફરો ના આ મહત્વ ના પ્રશ્ને ખરા અર્થ માં રજૂઆત કરી પ્રશ્ન નું નિરાકરણ લાવે તેવી માંગ ઉઠી છે.

જુઓ આ વિડીયો