પોરબંદર

ભારતીય ટેસ્ટ ક્રિકેટના પ્રથમ કપ્તાન રહેલા પોરબંદરના રાજવી નટવરસિંહજીએ પોરબંદર ખાતે રાજ્યની પ્રથમ ક્રિકેટની તાલીમ આપતી દુલીપ ક્રિકેટ સ્કુલની શરુઆત કરી હતી.આશરે 75 વર્ષ જુના આ ઐતિહાસિક દુલીપ સ્કૂલની હાલ જર્જરિત હાલત છે.જેથી યોગ્ય જાળવણી કરવા ક્રિકેટ પ્રેમીઓમાં માંગ ઉઠી છે.

પોરબંદરના પ્રજાવત્સલ મહારાણા નટવરસિંહજી ભારતીય ટેસ્ટ ક્રિકેટ ટીમના પ્રથમ કપ્તાન પણ રહી ચુક્યા છે.શહેર ના ઉભરતા યુવા ક્રિકેટરોને પ્લેટફોર્મ મળી રહે તેવા ધ્યેય સાથે રેલ્વે સ્ટેશન રોડ પર 7 જુન 1947ના રોજ દુલીપ ક્રિકેટ સ્કુલનુ મહારાણા નટવરસિંહજીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યુ હતું.આશરે 75 વર્ષ જુના આ દુલીપ ક્રિકેટ સ્કુલનુ સંચાલન હાલમાં ડીસ્ટ્રીકટ રૂરલ ક્રિકેટ એસોસિએશન દ્વારા કરવામાં આવી રહ્યુ છે.આ ક્રિકેટ સ્કુલમાં હાલમાં 150થી વધુ બાળકો ક્રીકેટની તાલીમ મેળવી લઇ રહ્યા છે.

ડિસ્ટ્રીક રૂરલ ક્રિકેટ એસોસિએશન દ્વારા સરકારની પે એન્ડ પ્લે યોજના અંતર્ગત 500 રૂપિયા ફી લઇ બાળકોને ક્રિકેટની તાલીમ આપવામાં આવી રહી છે.આ સ્કુલ પોરબંદર માટે ઐતિહાસિક ધરોહર સમાન હોવા છતાં અહીં જાળવણી અને જરુરી સુવિધાઓનો અભાવ હોવાનું જણાઈ રહ્યું છે.અહી બાળકોને સિમેન્ટની વિકેટમાં પ્રેક્ટિસ કરવી પડે છે.અહી સિન્થેટિક સર્ફેસની સુવિધા ઉભી કરવા ખેલાડીઓએ માંગ કરી રહ્યા છે.અને ટર્ફ વિકેટ પણ બિસ્માર હાલતમાં નજરે ચડે છે.આ સ્કૂલ ખાતે ક્રિકેટની પ્રેક્ટિસ માટેની નેટ તૂટેલી હાલતમાં નજરે ચડે છે.ઠેરઠેર ઘાસ ઊગી નીકળ્યું છે.જેથી યુવાનોને તાલીમ અને પ્રેક્ટિસ કરવામાં મુશ્કેલી પડે છે.

આટલા વર્ષો પૂર્વે પણ આધુનિક સુવિધાઓ અને ટેકનીકને ધ્યાને રાખી બનાવવામાં આવેલ દુલીપ ક્રિકેટ સ્કુલની ગણના એશિયામાં બેસ્ટ ક્રિકેટ સ્કુલ તરીકે થાય છે.અહી અજય લાલચેતા,જયદેવ ઉનડકટ સહીત અનેક આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી ચુકેલા ખેલાડીઓ એ તાલીમ લઇ આગળ વધ્યા છે.ત્યારે આ ઐતિહાસિક સ્કુલને ફરીથી તે જ માન સન્માન મળે તે માટે અહીં જરૂરી તમામ સમારકામ કરી સુવિધાઓ ઉભી કરવા માટે ક્રીકેટ પ્રેમીઓ માંગ કરી રહ્યા છે.

ક્રિકેટ હોસ્ટેલ પણ કોરોના શરુ થયા બાદ બંધ
આ સ્કૂલ ખાતે ક્રિકેટ ક્ષેત્રે યુવાનો પોતાની કારકિર્દીનું ઘડતર કરી શકે તે માટે નટવરસિંહજી ક્રિકેટ હોસ્ટેલ પણ છે.આ હોસ્ટેલ ખાતે રહેવા જમવાની વ્યવસ્થા હતી અને યુવાનો હોસ્ટેલમાં રહીને અભ્યાસ સાથે ક્રિકેટની પેક્ટિસ કરતા હતા. પરંતુ કોરોના સમયમાં ક્રિકેટ હોસ્ટેલ બંધ કરવામાં આવી હતી.અને હાલ પણ આ ક્રિકેટ હોસ્ટેલ શરૂ કરવામાં આવી નથી.કોરોના સંક્રમણ રહ્યું નથી ત્યારે બહારગામથી આવતા યુવાનો કે જેઓ ક્રિકેટ ક્ષેત્રે આગળ વધવું છે.તેઓ ગામ માં મકાન ભાડે રાખી ક્રિકેટ ની તાલીમ લઇ રહ્યા છે.જેથી ફરીથી હોસ્ટેલ શરૂ કરવા પણ માંગ ઉઠી છે.

જુઓ આ વિડીયો