પોરબંદર

જેતપુર ના ઉદ્યોગો ના કેમીકલયુક્ત પાણી પોરબંદર ના દરિયા માં ઠાલવવાની યોજના ના વિરોધ માં સેવ પોરબંદર સી કમિટી દ્વારા વડાપ્રધાન ને લેખિત રજૂઆત કરી પ્રોજેક્ટ રદ કરવા માંગ કરી હતી.જે અનુસંધાને વડાપ્રધાન કાર્યાલય દ્વારા ૧૪ ઓક્ટોબર ના રોજ પ્રોજેક્ટ ની સંપૂર્ણ તપાસ કરી એક્શન ટેક્ન રીપોર્ટ આપવા સુચના અપાઈ હતી.જેનો પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા જવાબ ન આપવામાં આવતા પીએમઓ દ્વારા કડક સુચના આપી તાકીદે રીપોર્ટ આપવા જણાવ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા કેટલાક મહીના અગાઉ જેતપુર ડાઈંગ ઈન્ડસ્ટ્રીઝ ના કેમીકલ યુકત પાણીનો નિકાલ કરવા માટે ડીપ એફયુલેન્ટ પાઈપ લાઈન પ્રોજેકટ તૈયાર કરી આ પાણીનો નિકાલ પોરબંદર નજીકના દરિયા માં પાઈપલાઈન મારફત ૭૦૦ કરોડ ના ખર્ચે નાખવાની યોજના બનાવવામાં આવી હતી.આ કેમીકલયુકત પાણીથી દરીયાઈ જીવસૃસ્ટિ તથા ખેતી ને મોટું નુકશાન થાય તેવું જણાતા પોરબંદર ના પર્યાવરણ પ્રેમીઓ અને અલગ અલગ સંસ્થાઓના પ્રતિનિધીઓ એ સેવ પોરબંદર સી કમીટી બનાવી આ પ્રોજેક્ટ રદ કરવા રાજય સરકારમાં વખતોવખત રજુઆતો કરી શહેરીજનો માટે જાગૃતિ કાર્યક્રમો પણ કર્યા હતા.

ઉપરાંત સંપુર્ણ અહેવાલ સાથે એક આવેદન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પણ મોકલવામાં આવ્યું હતું.આ પ્રોજેકટની ગંભીરતા ધ્યાને લઈને સમગ્ર પોરબંદર વિસ્તારના હિતાર્થે પ્રધાનમંત્રીના દીલ્હી ખાતેના કાર્યાલય દ્વારા ગત ૧૪ ઓક્ટોબર ના રોજ મેમ્બર સેક્રેટરી, સેન્ટ્રલ પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ,દીલ્હી તથા મેમ્બર સેકેટરી,ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ,ગાંધીનગર ને પત્ર પાઠવી આ પ્રોજેકટ નો અભ્યાસ કરવા તેમજ એકશન ટેકન રીપોર્ટ પીએમઓ. કાર્યાલય મોકલવા આદેશ કરવામાં આવ્યો હતો.પરંતુ બન્ને વિભાગો પીએમઓ ના આદેશ ને પણ ઘોળી ને પી ગયા હોય તેમ કોઈ રીપોર્ટ ન મોકલાવવામાં આવતા પીએમઓ દ્વારા વધુ એક વખત બન્ને વિભાગ ને તાકીદ કરી વહેલીતકે રીપોર્ટ મોકલવા સુચના આપી છે.

જેથી આ કમિટી મેમ્બરોએ મિટિંગ બોલાવી હતી અને જણાવ્યું હતું કે આ પ્રોજેકટ બાબતે બન્ને વિભાગના અધિકારી ઓ જવાબ આપી શક્યા નથી.આ પ્રોજેકટને રદ કરવા અંગે પીએમઓ ઓફિસ ફોલોઅપ લે છે.તે સારી બાબત છે. પર્યાવરણને દુષિત કરનારને કેન્દ્ર સરકાર છોડશે નહિ તેવું લાગી રહ્યું છે.કેન્દ્ર સરકાર દ્વારા આ બન્ને વિભાગ જવાબ ન આપી શકતા તેને પત્ર પાઠવી લપડાક લગાવવામાં આવી છે.કમિટી મેમ્બરો જેતપુરનો કદડો પોરબંદરના દરિયામાં ન ઠાલવવા અને આ પ્રોજેકટ પોરબંદરના હિતમાં રદ થશે તેવી આ પત્રના આધારે આશા વ્યક્ત કરી છે.કમીટીના સભ્ય ડો.નુતનબેન ગોકાણી એ જણાવ્યું હતું કે વડાપ્રધાન કાર્યાલય તરફ થી સતત આ મામલે દેખરેખ રાખવામાં આવી રહી છે.તે સારી બાબત છે.અને પર્યાવરણ નું નિકંદન કાઢનારી આ યોજના રદ થશે તેવી આશા પણ છે.

જુઓ આ વિડીયો