પોરબંદર

રાણાવાવ ની સૌરાષ્ટ્ર સિમેન્ટ ફેક્ટરી માં દસ માસ પહેલા ૮૫ મીટર ઉંચી ચીમની માં સ્કે ફોલ્ડીંગ તૂટતા ૪ શ્રમિકો ના મોત નીપજ્યા હતા.જયારે 2 શ્રમિકો ને ગંભીર ઈજાઓ થઇ હતી.આ મામલે પોલીસે કોન્ટ્રાક્ટર ના લેબર સુપરવાઈઝર અને સાઈટ ઇન્ચાર્જ તથા મૃતક ૪ શ્રમિકો સામે બેદરકારી દાખવવા બદલ ફરિયાદ નોંધી છે.

રાણાવાવ પોલીસ મથક ના પી એસ આઈ પી ડી જાદવે નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ સૌરાષ્ટ્ર સીમેન્ટ ફેકટરીમા રો મીલ બેગ હાઉસમાં ૮૫ મીટરની ચીમની આવેલ છે.જે ચીમનીમાં સમારકામ માટે સેફટી રાઇઝ કંપની દ્વારા જમીનથી આશરે ૪૦ મીટર ઉપરના ભાગે પ્લેટફોર્મ બનાવી તેના ઉપર ૪૫ મીટરનુ સ્કેફોલ્ડીગ લગાવવામાં આવ્યું હતુ.જે સ્કેફોલ્ડીગ સેફટી રાઇઝ કંપનીના મજુરો તથા સુપરવાઇઝરો છોડાવવા માટે ગત તા ૧૨-૮ ના રોજ ચીમનીમાં ઉપરના ભાગે આવેલ પ્લેટફોર્મ ઉપર ગયા હતા,જયા સેફટી રાઈઝ કંપનીના લેબર સુપરવાઈઝર અશરફઅલી શકુરભાઈ શાહ તથા સાઈટ ઇન્ચાર્જ વિવેક રાકેશભાઈ મૌર્ય ની મજુરોને માર્ગદર્શન આપવાની તથા કામ ઉપર દેખરેખ રાખવાની જવાબદારી હોવા છતા સીધી દેખરેખ નહી રાખી પ્રથમ છ મજુરોને ચીમનીમાં અંદર એકલા કામ કરવા માટે મોકલી બેદરકારી દાખવી હતી.

ચીમની અંદર કામ કરવા ગયેલ મજુરોને સ્કેફોલ્ડીગની એસ.ઓ.પી મુજબ ઉપરના ભાગેથી સ્કેફોલ્ડીગ છોડાવવાનુ હોય છે.તેમ છતા મૃતક શ્રમિકો બ્રજેન્દ્ર મનીરાવ જાટવ,સુનીલ રામદયાલ,બીર સિંહ શ્રીનિવાસ જાટવ,ધારાસીંગ માખનસિંગ રજકે સ્કેડોલ્ડીગની એસ.ઓ.પીની અવગણના કરી કામ કરવામાં સરળતા પડે તે માટે પ્લેટફોર્મથી બે-ત્રણ મીટર ઉપરના ભાગેથી સ્કેફોલ્ડીંગ છોડાવવાની કામગીરી શરૂ કરી દઇ બેદરકારી ભર્યું કૃત્ય કર્યું હતું.જેથી સ્કેફોલ્ડીંગ ઉપરના ભાગેથી પડી જતા ચારેય શ્રમિકોના સ્કેફોલ્ડીંગની નીચે દબાઇ જતા શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા મોત થયા હતા.જયારે બે શ્રમિકો ને ગંભીર ઈજાઓ થઇ હતી પોલીસે તમામ છ શખ્સો સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

ઉલ્લેખનીય છે કે બનાવ વખતે કંપની ના જવાબદાર અધિકારીઓ એ તમામ ને ચીમની માં થી કાઢવામાં કલાકો નો વિલંબ કરતા તેઓના મોત થયા હોવાનું ચર્ચાઈ રહ્યું હતું.તથા કંપની ના સેફટી મેનેજમેન્ટ ની પણ ઘોર બેદરકારી હોવાનું ચર્ચાઈ રહ્યું હતું.પરંતુ પોલીસે દસ માસ બાદ કોન્ટ્રાક્ટર કંપની ના કર્મચારીઓ અને મૃતક શ્રમિકો સામે જ ગુન્હો નોંધતા સમગ્ર પંથક માં અનેક ચર્ચાઓ જાગી છે.