પોરબંદર

૨૧ જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી પોરબંદર જિલ્લામા કરવામાં આવી હતી.આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત રાજ્યના જુદા-જુદા ૭૫ આઇકોનિક સ્થળોને પસંદ કરાયા જેમા પોરબંદરના કીર્તિ મંદિર તથા માધવપુર બીચનો પણ સમાવેશ કરાયો છે.આ ૭૫ સ્થળો સહિત જગ્યાઓ પર લોકોએ સમુહમા યોગાસન કર્યા હતા.યોગ કરવાથી તન અને મન સ્વસ્થ રહેવાની સાથે આંતરિક સુંદરતા અને વિચારમાં નિખાર આવે છે.યોગના શારીરિક અને માનસિક ફાયદાઓ છે.ત્યારે પોરબંદર જિલ્લાના યોગપ્રેમી બાળકો, યુવાનો તથા વડિલોએ યોગ સંદેશ આપીને દૈનિક જીવનમા યોગ કરવા લોકોને અનુરોધ કર્યો હતો.

સતત ૧૫ વર્ષથી યોગ કરતા ૬૪ વર્ષિય ઉષા બહેન સીયાએ જણાવ્યું કે, હું ૧૬ વર્ષથી નિયમીત યોગ કરુ છું.અને યોગ કરાવુ છું. અત્યાર સુધીમા અંદાજે ૩૦૦ થી વધુ બહેનોને યોગ શીખવનાર ઉષાબેને વધુ કહ્યુ કે,યોગાસનના ઘણાબધા ફાયદાઓ છે. પેરેલીસીસ હોય કે ડાયાબિટીસ, બી.પીની તકલીફ હોય કે થાઇરોડની તકલીફ હોય, યોગ કરવાથી શારીરિક અને માનસિક તકલીફોમા રાહત થાય છે, જેથી દરેક ઉંમરના લોકોએ યોગ કરવા જોઇએ. વડિલોની સાથે સાથે યુવાધનમાં પણ યોગનો ક્રેઝ જોવા મળે છે.ત્યારે પોરબંદરમાં રહેતા યોગકોચ રિધ્ધિ બહેન જોષી છેલ્લા ૩ વર્ષથી નિયમીત યોગ કરે છે. તેમણે કહ્યુ કે, “ યુવાપેઢી મોટાભાગે મોબાઇલમાં વ્યસ્ત હોય ત્યારે ગુજરાત સરકાર અને રાજ્ય યોગ બોર્ડના પ્રયાસોથી યુવાનો યોગ-પ્રણાયામ તરફ વળી રહ્યા છે જે ખુબ જ સારી બાબત છે. યોગ કરવાથી શરીર રોગ મૂક્ત બને છે. આ તકે હું યુવાનોને અપીલ પણ કરુ છુ કે, યોગ કરો અને નીરોગી જીવન જીવો”.

અન્ય એક યોગ સાધક ધર્મિષ્ઠા બહેન જેઠવાએ કહ્યુ કે, હું નિયમીત યોગ કરુ છું. યોગ સાધકને તન અને મનને તંદુરસ્ત રાખવાની સાથે સાથે આર્થિક રીતે પગભર કરી શકે છે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ મારફત યોગની તાલીમ મેળવીને યોગ ક્લાસ કરાવુ છુ. તથા વિદેશમા પણ ઓનલાઇન ક્લાસ કરાવીને આવકની સાથે સાથે આપણી પ્રાચીન યોગ સાધનાને વિદેશમા લોકપ્રિય બનાવુ છુ. અન્ય યોગવીર પરેશભાઇ દુબલ અને અભિભાઇ આડતિયાએ પોતાના મંતવ્યો રજુ કરીને કહ્યુ કે, “યુવાનો જીમમા જતા હોય છે. પણ સાથે સાથે યોગ-પ્રાણાયમ કરવામા આવે તો શરીરની સાથે મન પણ ફીટ રહે છે. દરરોજ ૩૦ મીનીટ જેટલો સમય યોગાસન અને પ્રાણાયમ કરવામા આવે તો બાકીના કલાકો આનંદદાયક પસાર થાય છે”.

શહેરમા રહેતા હેતલબેન જેઠવા અને ક્રિષ્નાબેન મહેતાએ યોગ અભ્યાસના ફાયદા જણાવી દરેક વર્ગના લોકો ખાસ કરીને યુવાનોને યોગ તરફ વળવા અપીલ કરી હતી.

અન્ય યુવાનો સુરજભાઇ મસાની અને જયેશભાઇએ યોગના પ્રતાપે પોતાના જીવનમા આવેલા બદલાવોની વાત કરી કહ્યુ કે, ભાગદોડ ભરેલા જીવનમા સહજ યોગ આપણા વ્યક્તત્વને શાંતિમય બનાવે છે. યુવાનો યોગ કરી સોશ્યલ મીડિયાના માધ્યમથી તેનો પ્રચાર પ્રસાર કરે તે પણ જરૂરી છે. જેથી અન્ય મિત્રોને વાકેફ કરી શકાય.

યુવાનો વડીલોની સાથે સાથે બાળકો પણ યોગ તરફ વળ્યા છે. પોરબંદર રહેતા શ્રમિક મહેશભાઇ જેઠવાની ૮ વર્ષિય પુત્રી નેન્સીએ નાની વયે યોગાસનમાં વિશ્વ લેવલે સીધ્ધી મેળવી છે.તેમણે પણ લોકોને અપીલ કરી કે દરરોજ સવારે યોગ કરો અને નિરોગી જીવન જીવો.

આમ યોગ એ ફક્ત એક દિવસની ઉજવણી અને સોશ્યલ મીડિયાના સ્ટે્ટસ કે પોસ્ટ પુરતુ મર્યાદિત ન રહેતા પોરબંદર જિલ્લાના બાળકો, યુવાનો અને વડીલોએ પોતાના દૈનિક જીવનમા યોગનો સમાવેશ કરવા સંકલ્પબધ્ધ થયા છે.