પોરબંદર

પોરબંદર માં ગઈ કાલે ફિશિંગ માં જવા માટે ના ઓનલાઈન ટોકન ઈશ્યુ કરવા માટે ની ફિશરીઝ વિભાગ ની સાઈટ કલાકો સુધી ઠપ્પ થઇ જતા બોટો ફિશિંગ માં જઈ શકી ન હતી.બોટ પડતર રહેવાના કારણે ખર્ચ માં વધારો થતો હોવાથી આવા સંજોગો માં મેન્યુઅલી ટોકન ઈશ્યુ કરવા માંગ ઉઠી છે.

પોરબંદર સહીત રાજ્યભર માં ફિશિંગ માં જવા માટે અગાઉ બોટો ના મેન્યુઅલી ટોકન ઇશ્યુ થતા હતા.ત્યારે પોરબંદરમાં ફિશરીઝ વિભાગની કચેરી તથા ફિશરીઝ ટર્મિનલ ખાતે તેમજ નવીબંદર, માધવપુર, મિયાણી ખાતેથી મેન્યુઅલી ટોકન ઇશ્યુ કરવામાં આવતા હતા.પરંતુ તા. 1 એપ્રિલથી રાજ્યભર ના માછીમારો ને ફિશિંગ માં જવા માટે મેન્યુઅલી ટોકન ઇશ્યુ કરવાનું બંધ કરીને ફક્ત ઓનલાઇન ટોકન ઇશ્યુ કરવામાં આવે છે.ગઈકાલે ઓનલાઇન ટોકન ઇશ્યુ કરવામાં માછીમારોને મુશ્કેલી પડી હતી.વારંવાર પ્રયાસ કરવા છતાં ટોકન ઈશ્યુ થતા ન હતા.

માછીમારો ફિશિંગ માં જવા માટે રાશન,બરફ,ડીઝલ સહીત નો જથ્થો બોટ માં રાખી ટોકન ઈશ્યુ થવાની રાહ જોઈ રહ્યા હતા.પરંતુ વેબસાઈટ સર્વર ડાઉન હોવાથી ટોકન ઇશ્યુ થતા ન માછીમારો ફિશરીઝ કચેરી ખાતે દોડી ગયા હતા.ત્યાના કર્મચારીઓ એ પણ વારંવાર પ્રયાસ કરવા છતાં ટોકન ઈશ્યુ થયા ન હતા.ત્યાર બાદ ઉચ્ચ અધિકારી એ એવું જણાવ્યું હતું કે વેબસાઈટનું મેન્ટેનન્સ થતું હોવાથી સમગ્ર રાજ્યમાં આ સમસ્યા છે.આથી માછીમારો ને એક દિવસ બોટ પડતર રાખવી પડી હતી.જેના કારણે પડ્યા પર પાટું જેવો ઘાટ સર્જાયો હતો.આમ પણ માછીમારો ને ઓનલાઇન ટોકન ઇશ્યુ કરવા માટે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.કેટલાક બોટ માલિકોને વેબસાઈટ ખોલવામાં અને ફોર્મ ભરવામાં મુશ્કેલી પડે છે.કેટલાક બોટ માલિકો અભણ પણ હોય શકે.તો કેટલાક પાસે સ્માર્ટફોન નો પણ અભાવ હોય જેથી ટોકન ઇશ્યુ કરવા માટે ઓનલાઇન સાથોસાથ મેન્યુઅલી ટોકન ઇશ્યુ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.