ફાઈલ તસ્વીર

પોરબંદર

હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ કમોસમી માવઠું અને દરિયો તોફાની રહેવાની આગાહી કરવામાં આવી છે.જેથી પોરબંદર ફિશરીઝ કચેરી દ્વારા દરિયામાં ફિશિંગ કરી રહેલી બોટો ને પરત ફરવા સુચના અપાઈ છે.

માવઠા તથા દરિયો તોફાની બનવા અંગે હવામાન વિભાગ ની આગાહી ને લઇ ને ગાંધીનગર સ્થિત ફિશરીઝ કચેરી દ્વારા પોરબંદર ફિશરીઝ કચેરીના કાર્યક્ષેત્ર હેઠળના તમામ બોટ ધારકો તથા ફિશિંગ સંલગ્ન સંસ્થાઓ,બોટ એસોસિએશનને પત્ર પાઠવી સુચના આપી છે.કે ખરાબ હવામાન તથા કમોસમી વરસાદની સંભાવના તેમજ ભારે પવન ફૂંકાવાની શક્યતા હોવાથી દરીયામાં માછીમારી માટે ગયેલ તમામ ફીશીંગ બોટોને તાત્કાલીક પરત આવવા જણાવ્યું છે.

તેમજ તા.૧૯/૦૧/૨૦૨૨ થી તા.૨૨/૦૧/૨૦૨૨ સુધી ફીશીંગ બોટોને માછીમારી માટે ટોકન ઇસ્યુ કરવામાં આવશે નહી તેવું પણ પત્ર માં જણાવ્યું છે.જો કે હજુ સુધી બંદર પર કોઈ સિગ્નલ લગાવવામાં આવ્યું નથી.તો બીજી તરફ હવામાન વિભાગ ની સામાન્ય આગાહી હોય તો પણ ફિશરીઝ કચેરી દ્વારા બોટો પરત ફરવા સુચના આપવામાં આવે છે.જેને કારણે ફિશિંગ માં ગયેલ બોટો ને અધવચ્ચે થી ટ્રીપ ટૂંકાવી પરત ફરવું પડે છે.જેના કારણે તેઓનો રાશન,બરફ,ખલાસીઓનાં પગાર સહિતનો ખર્ચ માથે પડે છે.તેવું માછીમારો એ જણાવ્યું છે.