પોરબંદર

પોરબંદર આરટીઓ કચેરી ને ડ્રાઇવિંગ લાયસન્સના પ્રિન્ટ માટેનો કાર્ડનો સ્ટોક અનિયમિત મળી રહ્યો છે.એમાં પણ ૨૮ ફેબ્રુઆરી બાદ એકપણ વખત સ્ટોક ન મળતાં હાલ માં ૪૨૦૦ ડ્રાઇવિંગ લાયસન્સ પેન્ડિંગ રહ્યા છે.જેને લઇ વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

પોરબંદર ની આર ટી ઓ કચેરી ને છેલ્લા એકાદ વર્ષ થી ડ્રાઇવિંગ લાયસન્સના પ્રિન્ટ માટેનો કાર્ડનો સ્ટોક અનિયમિત અને અપૂરતો મળી રહ્યો છે.તેમાં પણ ૧ માર્ચ થી એક પણ વખત કાર્ડનો સ્ટોક મળ્યો નથી.જેના કારણે ડુપ્લીકેટ,રીન્યુ ,સુધારા સહિતના ૪૨૦૦ લાયસન્સ આરટીઓમાં તૈયાર હોવા છતાં પ્રિન્ટિંગના અભાવે વાહન ચાલકો સુધી પહોંચી શક્યા નથી.જેથી આવા વાહન ચાલકો લાયસન્સ મેળવવા શહેર થી સાત કિમી દુર આવેલ દેગામ ગામ ખાતે આવેલ આરટીઓ કચેરી ના ધક્કા ખાઇ રહ્યા છે.

આરટીઓ કચેરીના સૂત્રોએ એવું જણાવ્યું હતું કે કાર્ડનો જથ્થો ક્યારે મળશે તેની કોઇ જાણ નથી.ઉલ્લેખનીય છે કે વાહન ચાલક ફાઇનલ ટેસ્ટ આપે,રિન્યુ,ડુપ્લીકેટ કે સુધારાની પ્રોસેસના ત્રીજા દિવસે લાયસન્સ પ્રિન્ટ થતું હતું.અને ત્યાર બાદ વધુમાં વધુ 7 થી 10 દિવસમાં પોસ્ટ મારફતે જે-તે વાહન ચાલકને તેના ઘરે મળી જતું હતું.

જો કે આરટીઓ કચેરી ના સુત્રો એ એવું પણ જણાવ્યું હતું કે લાયસન્સ ન હોય તો એમ પરિવહન અને ડીજીલોકર માં ડીજીટલ સ્વરૂપે મુકેલું ડ્રાઈવિંગ લાયસન્સ માન્ય છે આ ઉપરાંત જે અરજદારો એ ડ્રાઈવિંગ લાયસન્સ નો ફાઈનલ ટેસ્ટ પાસ કર્યો છે પરંતુ તેમને સ્માર્ટ કાર્ડ નથી મળ્યું તેવા વાહનચાલકો સારથી પોર્ટલ પર જઈ પ્રિન્ટ ડ્રાઈવિંગ લાયસન્સ અથવા તેમના મોબાઈલ નંબર પર મળેલા એપ્લીકેશન એપ્રુવલ એસ એમ એસ લીંક પર થી ઓનલાઈન ડ્રાઈવિંગ લાયસન્સ ની પ્રિન્ટ કઢાવી તેને ઉપયોગ માં લઇ શકે છે.જે મોટર વ્હીકલ્સ એક્ટ અન્વયે માન્ય ગણાય છે.