પોરબંદર

પોરબંદર ના બિલેશ્વર ગામે આવેલ બિલનાથ મહાદેવ ના મંદિરે મહાદેવ ને ૨૦૦૦ કિલો કેરી નો શણગાર કરાયો હતો ત્યાર બાદ આ કેરી રાણાવાવ તાલુકા ની ૧૦૫ આંગણવાડીઓ ના બાળકો ને પ્રસાદી રૂપે વિતરણ કરાઈ હતી.

પોરબંદર નજીક આવેલ બિલેશ્વર ગામે બિલનાથ મહાદેવ નું ઐતિહાસિક મંદિર આવેલું છે.આ મંદિરે વિવિધ ધાર્મિક કાર્યક્રમો નું આયોજન થતું હોય છે.ત્યારે  ભીમ અગિયારસ ના દિવસે કેરી મહોત્સવ મહાપર્વ નિમિત્તે મહાદેવને ૨૦૦૦ કિલો કેરીનો શણગાર કરાયો હતો.આ તમામ કેરીઓ આસપાસ ના વિસ્તાર માં આવેલ કેરી ના બગીચા ધરાવતા ખેડૂતો એ મહાદેવ ને અર્પણ કરી હતી.ત્યાર બાદ કેરીના પ્રસાદને “સ્વસ્થ માતા સ્વસ્થ બાળ” ના સુત્રને સાકાર કરવા વહિવટી તંત્ર દ્વારા રાણાવાવ તાલુકા ની ૧૦૫ આંગણવાડીના બાળકો, સગર્ભા મહિલા , ધાત્રી માતાઓ અને જરૂરિયાત મંદ લોકોને વિતરણ કરવામાં આવ્યું હતું.

જનભાગીદારીથી લોક કલ્યાણલક્ષી કાર્યોને રાજ્ય સરકાર દ્રારા પ્રોત્સાહન આપવામાં આવે છે.ત્યારે બરડા વિસ્તારમાં આવેલા બિલેશ્વર ગામમાં લોકોએ સરકારની આ પહેલને સાર્થક કરી અન્ય ગામોને પ્રેરણા પુરી પાડી છે.બિલેશ્વર, ખંભાળા, હનુમાનગઢ, આસિયાપાટ, રામગઢ તથા તરસાઇનાં ગ્રામજનોએ બિલેશ્વર મહાદેવને ધરેલી ૨ હજાર કિલો કેરી રાણાવાવ તાલુકાની ૧૦૫ આંગણવાડીનાં ૫ હજાર જેટલા લાભાર્થીઓને પ્રસાદીથી પોષણરૂપે ઉપયોગી બનશે.

આ પ્રસંગે ૧૦૦ કિલોથી વધુ કેરી આપનાર દાતાઓનું સન્માન કરી જિલ્લા કલેકટર અશોક શર્માએ જણાવ્યું કે, આ ગામની મુલાકાત દરમિયાન ગ્રામલોકો સમક્ષ વિચાર મુક્યો હતો કે આ વિસ્તારમાં આંબાના બગીચા વધુ હોવાથી ખેડૂતો બિલેશ્વર મહાદેવને કેરી ધરવા આવતા હોય છે. આ કેરી આંગણવાડીના બાળકો, સર્ગભા બહેનો, ધાત્રીમાતાને ઉપયોગી બને તેવો શુભ પ્રયાસ કરવો જોઇએ. જેથી બિલેશ્વર સહિતનાં ગ્રામજનોએ કેરી મનોરથ કાર્યક્રમનું આયોજન કર્યુ હતું.

મહાદેવને મહાભોગ ધર્યા બાદ આ ૨ હજાર કિલો જેટલી કેરી વિનામૂલ્યે આંગણવાડીના લાભાર્થી બાળકો, સર્ગભા બહેનો તથા ધાત્રી માતાને વિતરણ કરવામાં આવી. જિલ્લા કલેકટરે આ તકે વધુ કહ્યુ કે, આધ્યાત્મિક વૃતિ જ્યારે સેવામાં પરિણામે ત્યારે ખરો ધર્મ પ્રગટ થાય, શિવજ્ઞાન થી જીવસેવા શુભ સંકલ્પ બદલ કલેકટરે આ તકે પ્રાંત અધિકારી, આગેવાનો,મંદિરના પુજારી,સીડીપીઓ,દાતાઓ,મામલતદાર સહિતને અભિનંદન પાઠવી આભાર વ્યક્ત કર્યો હતો.આ તકે જિલ્લા વિકાસ અધિકારી વી.કે. અડવાણી, તાલુકા પંચાયતના પ્રમુખ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

આ તકે ૧૦૦ કિલો કેરીના દાતા ચિરાગભાઇ ટીલવાએ જણાવ્યુ કે, કેરી મનોરથ કાર્યક્રમ દરેક ગામ તથા દરેક શહેરમાં થવો જોઇએ. કલેકટરે  એક મહિના પહેલા ગામની મુલાકાત દરમિયાન આ વિચાર મુક્યો હતો. જેને ગ્રામજનોએ વધાવી લીધો છે.તથા આવો કાર્યક્રમ દર વર્ષે કરવા અમે કટીબધ્ધ થયા છે.આ ઉપરાંત કોઇ વારે, તહેવારે પણ જો નાગરિક આંગણવાડી, શાળાઓમાં આ રીતે સેવાની સરવાણી વરસાવે તો કુપોષણ મૂક્ત પોરબંદર, કુપોષણ મૂક્ત ભારત બનાવી શકાય.સમગ્ર આયોજન મંદિર ના પુજારી કૌશિકગિરી મેઘનાથી સહીત મહાદેવ ભક્તો દ્વારા કરવામાં આવ્યું હતું આ દર્શનનો લાભ મોટી સંખ્યા માં લોકો એ લીધો હતો.