પોરબંદર

ઘર કામ કર્યા પછી નિરાંતની પળોમાં અમારા ગ્રુપની બહેનો વાતવાતમાં કહેતી, આપણે કંઈક કામ કરીએ તો થોડી ઘણી આવક થાય.અમને સખી મંડળ ની માહિતી મળી.પોરબંદર જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના સહકાર ને લીધે આજે સાત વર્ષથી અમારું સખીમંડળ પ્રગતિ કરે છે.આજે અમે બહેનોને પગભર કરવાની રાજ્ય સરકારની યોજના થકી બે પૈસા રળતા થયા છીએ.આ શબ્દો છે પોરબંદરના ઘેડ વિસ્તારમાં રહેતા અને સખીમંડળ ચલાવતા સંતોકબેનના…

પોરબંદર જિલ્લાના ઘેડ પંથકમાં આવેલ મહિયારી ગામ ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારને આઠ વર્ષ પૂર્ણ થતા સુશાસન સેવાના જિલ્લાકક્ષાના કાર્યક્રમ અંતર્ગત લાભાર્થીઓને લાભો વિતરણ કરવાનો કાર્યક્રમ હતો.
કાર્યક્રમમાં આવેલા ગ્રામજનો જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની યોજનાની જાણકારી મેળવી શકે તે માટે અહીં સ્ટોલ નિદર્શન રાખવામાં આવ્યું હતું. જેની મુલાકાત પ્રવાસન અને વાહન વ્યવહાર રાજ્યમંત્રી અરવિંદભાઈ રૈયાણી એ લીધી હતી.વિવિધ સ્ટોલ માં એક સ્ટોલ સિમરન સખી મંડળ નો હતો.હમાદપરા ગામના સંતોકબેન અને તેમની સાથે અન્ય દસ બહેનો ગૃહ સજાવટની વિવિધ વસ્તુઓ,ગુથણિયા ઝુમ્મર, તોરણ ,ઝુલા વિગેરે બનાવે છે. ઘેડના ગામોમાં બહેનો ગૃહ સજાવટ માટે આવી ચીજવસ્તુઓ ખરીદતી હોય છે. બહેનો પાસે હાથ વણાટના આ વિશિષ્ટ કલાત્મક કામની રહેલી આ કલા અહીંની એક પ્રકારની સંસ્કૃતિ પણ છે.
સિમરન સખીમંડળના સંતોક બેને તેમના મંડળની સાફલ્યગાથા કહેતાં કહ્યું કે સાત વર્ષથી સતત અમારું મંડળ પ્રગતિ કરે છે. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના સ્ટાફ દ્વારા અમને ગાંધીનગર, અમદાવાદ ,રાજકોટ સહિતના સ્થળોએ અમારી ચીજવસ્તુઓનું વેચાણ થાય અને અમને વેંચાણ નું પ્લેટફોર્મ મળી રહે તે માટે અમને પ્રોત્સાહન માટે મોકલે પણ છે. અમને આ માટે તાલીમ પણ આપવામાં આવી છે. ૭ વર્ષ પહેલા અમારે કોઇ આવક ન હતી. આજે સખી મંડળની આ યોજના થકી અમે પગભર થયા છીએ. અમને રૂ.૨૦૦૦૦નું ફંડ પણ આપવામાં આવ્યું છે.
કેન્દ્ર અને રાજ્ય સરકાર બહેનોની પ્રગતિ થાય અને મહિલાઓનું કલ્યાણ થાય તે માટે અનેક પ્રયાસ કરે છે .આ તકે તેમણે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ નો આભાર પણ માન્યો હતો.