પોરબંદર

પોરબંદર ના ઊંટડા ગામે રહેતો ૧૨ વર્ષીય બાળક ઘરે થી બાઈક લઇ ને નીકળ્યા બાદ હાઈવે પર કાર સાથે બાઈક અથડાતા બાળક ને ગંભીર ઈજાઓ થઇ હતી.જેનું સારવાર દરમ્યાન મોત નીપજતા ભારે અરેરાટી વ્યાપી છે.

ઊંટડા ગામે રહેતા દેવાયતભાઈ અરજણભાઈ કોડીયાતર (ઉવ ૩૯)એ નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ ગત તા 3 ના રોજ તેઓ બળેજ ગામે કામ અર્થે ગયા હતા.ત્યારે તેનો ભત્રીજો મહેશ બાવનભાઈ (ઉવ ૧૨) ઘરે થી બાઈક લઇ ને ઘરે થી નીકળી ગયો હતો.અને ઊંટડા ગામના બસ સ્ટેન્ડ પાસે પહોંચ્યો ત્યારે હાઈવે રોડ પર સામે થી આવી રહેલ કાર નં જીજે ૨૭ બીએલ ૬૮૬૪ સાથે તેનું બાઈક અથડાયું હતું.આથી મહેશ ને ગંભીર ઈજાઓ થતા ૧૦૮ મારફત પોરબંદર ની ખાનગી હોસ્પીટલે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

જ્યાં તેની સ્થિતિ વધુ ગંભીર જણાતા વધુ સારવાર માટે રાજકોટ ની ખાનગી હોસ્પીટલે લઇ જવાયો હતો.જ્યાં તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.આથી તેના મૃતદેહ ને ફરી પોરબંદર સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ માટે લાવવામાં આવ્યો હતો.પોલીસે કાર ચાલક સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.મૃતક મહેશ ઊંટડા ગામે સરકારી શાળા માં ધો 7 માં અભ્યાસ કરતો હોવાનું તથા બે બહેનો નો એક નો એક ભાઈ હોવાનું જાણવા મળે છે.બનાવ ના પગલે નાના એવા ઊંટડા ગામે અરેરાટી વ્યાપી ગઈ છે.