બગવદર પોલીસ દ્વારા પરપ્રાંતીય શ્રમિકો ની તપાસ દરમ્યાન મધ્યપ્રદેશ થી સગીરા નું અપહરણ કરી સીમાણી ગામે લાવનાર શખ્સ ને ઝડપી લીધો હતો. તથા સગીરા અને શખ્સ નો કબ્જો મધ્યપ્રદેશ પોલીસ ને સોપ્યો હતો.
પરપ્રાંતીય મજુરો તેના વતન માંથી ગુન્હાઓ કરીને ગુજરાતના અલગ અલગ ગામડાઓમાં આવીને વસવાટ કરીને મજુરીકામ કરતા હોય છે. પોરબંદર ના બરડા પંથક માં આવા શ્રમિકો મોટા પ્રમાણ માં વસવાટ કરે છે. આથી જિલ્લા પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈની એ તાજેતર માં બગવદર પોલીસ મથક ના કરાયેલા ઇન્સ્પેકશન દરમ્યાન આવા મજુરોને ચેક કરવા અંગે સુચના આપવામાં આવી હતી.
આથી ઇન્ચાર્જ પીએસઆઈ એચ સી ગોહિલ તથા સ્ટાફ ગ્રામ્ય પંથક માં પરપ્રાંતીય મજુરોને ચેક કરવાની કામગીરીમાં હતા. તે દરમ્યાન બાતમી મળી હતી કે સીમાણી ગામમાં મધ્યપ્રદેશના એક યુવક તથા એક યુવતી ઝૂંપડુ બાંધીને રહે છે. અને શંકાસ્પદ છે. જેથી પોલીસે સીમાણી ગામે જઇ ચેક કરી મળી આવેલ બંને યુવક તથા યુવતીની પુછપરછ કરતા તેઓ ખરગોન જિલ્લાના બરૂડ પોલીસ સ્ટેશન વિસ્તારના ટેમલા ગામના રહેવાસી હોવાનું જણાવ્યું હતું. આથી આ અંગે પોલીસે બરૂડ પોલીસ સ્ટેશનમાં તપાસ કરાવતા મળી આવેલ યુવક રાહુલ સીકદાર ભીલ તેના વતન માંથી એક સગીર યુવતીને ભગાડીને લઇને આવ્યો હોવાનું તથા અપહરણ બદલ તેના વિરુદ્ધ બરૂડ પોલીસ સ્ટેશનમાં ગુન્હો પણ નોંધાયો હોવાનું સામે આવ્યું હતું. આથી પોલીસે તે શખ્શ તથા સગીરા ને બગવદર પોલીસ સ્ટેશન લાવી બરૂડ પોલીસ ને જાણ કરતા આજે પોલીસ આવતા બન્ને નો કબ્જો સોપી અપાયો હતો.