પોરબંદર
પોરબંદર ના બળેજ ગામે ત્રણ ખાણો માં એક કરોડ થી વધુ રકમ ની ખનીજચોરી અંગે ચાર શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
પોરબંદર ખાણખનીજ વિભાગ માં માઈન્સ સુપરવાઈઝર તરીકે ફરજ બજાવતા મેરામણ સામતભાઈ ગોજીયા (ઉવ ૨૮)એ બળેજ ગામે ટોડારા સીમ વિસ્તાર માં એક કરોડ થી વધુ રકમની ખનીજચોરી અંગે માધવપુર પોલીસ મથક માં ત્રણ અલગ અલગ પોલીસ ફરિયાદ નોંધાવી છે.જેમાં વેરાવળ ના વાવડી ગામે રહેતા ઉસ્માન હનીફ મકરાણી તથા માધવપુર ના મંડેર ગામે રહેતા દીનેશભાઈ લખમણભાઈ પરમાર નામના શખ્સો એ બળેજ ગામે ટોડારા સીમ વિસ્તાર માં સરકારી જમીનમાં ગેરકાયદેસર રીતે બીલ્ડીંગ લાઇમ સ્ટોનનું અન અધિકૃત ખોદકામ-વહન કરી કુલ .રૂ.૧૬,૭૮,૫૮૭ ની ખનીજ ચોરી કરી હતી.અને દરોડા દરમ્યાન સ્થળ પરથી ટ્રક લઈ નાશી ગયા હતા અને સમાધાન દંડની રકમ ભરપાઇ કરી ન હતી.
એ સિવાય બળેજ ગામે રહેતા લખમણભાઈ ભદુભાઈ તથા રાણાભાઈ નામના શખ્સો સામે નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ બન્ને શખ્શો એ બળેજ ગામે સરકારી જમીનમાં ગેરકાયદેસર રીતે બીલ્ડીંગ લાઇમ સ્ટોનનું અનઅધિકૃત ખોદકામ- વહન કરી કુલ રૂ .૬૯,૦૬,૫૬૮ ની ખનીજ ચોરી કરી હતી.અને તે અંગે સમાધાન દંડની રકમ ભરપાઇ કરી ન હતી. ઉપરાંત અજાણ્યા શખ્સ સામે નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ બળેજ ગામે સરકારી જમીનમાં અજાણ્યા શખ્શે ગેરકાયદેસર રીતે બીલ્ડીંગ લાઇમ સ્ટોનનું અનઅધિકૃત ખોદકામ-વહન કરી કુલ .રૂ.૨૦,૪૮,૮૦૩ની ખનીજ ચોરી કરી છે.પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.ઉલ્લેખનીય છે કે મિયાણી થી માધવપુર સુધી ની દરિયાઈ પટ્ટી પર ઠેર ઠેર ગેરકાયદેસર ખાણો ધમધમી રહી છે.તાજેતર માં માધવપુર ના મેળા માં રાષ્ટ્રપતિ અને મુખ્યમંત્રી સહિતના મહાનુભાવો પધારવાના હોવાથી દસેક દિવસ થી પોલીસે ગેરકાયદેસર ખાણો બંધ કરાવી હતી જે ફરીથી ધમધમતી થઇ છે.