પોરબંદર જિલ્લામાં અનેક શાળાઓ નિયમનો ભંગ કરીને ધમધમતી હોવાની ફરિયાદ જિલ્લા શાળા સંચાલક મંડળ દ્વારા ઉચ્ચ કક્ષા એ રજૂઆત કરાઈ છે.
પોરબંદર જિલ્લા શાળા સંચાલક મંડળના મહામંત્રી કરશનભાઈ ઝેડ. મોઢાએ પોરબંદરના સ્થાનિક અને ગાંધીનગર સુધીના અધિકારીઓને તેમજ શિક્ષણમંત્રીને કરેલી ફરિયાદમાં જણાવ્યુ છે કે પોરબંદર જિલ્લામાં અનેક સ્કૂલો રોડ સેફટી પોલીસી, જાહેર રજા, વેકેશન દરમ્યાન ચાલુ હોવા અંગેની ફરિયાદો તેમના દ્વારા કરવામાં આવી છે પરંતુ જવાબદાર કચેરીઓ દ્વારા ગોકળગાયની ગતિએ કામગીરી કરવામાં આવે છે તે દુઃખદ બાબત છે. વધુમાં તેમણે જણાવ્યુ છે કે પોરબંદર જિલ્લામાં કુલ ૧૨૦ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ અને ૪૧૬ પ્રાથમિક શાળાઓ સહિત કુલ ૫૩૬ શાળાઓ નોંધાયેલ તે પૈકી આ જિલ્લાની ૩૫ સ્વનિર્ભર શાળાઓ સ્કુલ વાહનો, જાહેર રજા અને વેકેશનમાં શિક્ષણકાર્ય, ડે સ્કૂલ તરીકે ચાલુ રાખવામાં આવતુ હોવાથી જિલ્લાની ૫૦૦ શાળાઓને તેની વિપરીત અસર થાય છે. તથા જિલ્લાની પ્રાથમિક તેમજ માધ્યમિક અંદાજીત ૫૦ શાળાઓમાં સ્થળ ફેરફાર, વહીવટ ફેરફાર, નામ ફેરફાર, નેશનલ હાઇવેની રાષ્ટ્રપતિના નામે એવોર્ડ થયેલ જમીન તેમજ સ્ટેટ હાઇવેની રાજ્યપાલના નામે એવોર્ડ થયેલ જમીનમાં દૂર શૈક્ષણિક સ્કૂલો તથા ખાણખનીજ ખાતાએ ખનીજ માટે અપાયેલ લીઝવાળી જમીન વગેરે સ્કૂલ અને રોડ સેફટીના નિયમોનો ભંગ થાય છે.
પોરબંદર જિલ્લાના બોર્ડરના જિલ્લાઓ જેવા કે જુનાગઢ જિલ્લાના માણાવદર અને માંગરોળ તાલુકા, રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકો, જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકો, દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ અને કલ્યાણપુર તાલુકાના બોર્ડરના શહેર કે ગ્રામ્ય વિસ્તારમાં નોંધાયેલ શાળાઓ પોરબંદર જિલ્લાની હદમાં તેમના સ્કૂલ વાહનો મારફત તેઓની શાળાઓ તેમના સ્કૂલ વાહનો મારફત તેઓની શાળાઓ દરરોજ વિદ્યાર્થીઓને અભ્યાસ અર્થે પરિવહન થતું હોવાથી પોરબંદર જિલ્લાની વસ્તી મુજબ વિદ્યાર્થીઓનું નોમીનેશન થતુ ન હોવાથી શાળાઓ વર્ગ ઘટાડો, સરાસરી હાજરી તથા પ્રાથમિકમાં વિદ્યાર્થીઓની સંખ્યા મુજબ મહેકમ મંજૂર થતુ હોવાથી ઘણી શાળાઓમાં એક શિક્ષક બે કે વધારે ધોરણના વિદ્યાર્થીઓને એકસાથે અભ્યાસ કરાવવો પડતો હોવાથી શિક્ષણકાર્યમાં ખુબજ માઠી અસરો જોવા મળે છે.
સ્કૂલ વાહન પરમીટનો સ્કૂલ મોટર વ્હીકલ એકટ અને રૂલ્સ તથા સ્ટેટ મોટર વ્હીકલ એકટ રૂલ્સમાં કોઈ કાયદાકીય જોગવાઈ ન હોવા છતાં પણ સ્કૂલવાન પરમીટો આપવામાં આવે છે.
સમગ્ર ગુજરાતમાં પોરબંદર અને જામનગર આર.ટી.ઓ. દ્વારા જુના વાહનો તેમજ અન્ય રાજ્યના પાર્સીંગના વાહનોનું સ્કૂલ વાહનો તરીકે પાસિંગ કરવામાં આવે છે તે પણ તપાસનો એક વિષય છે.
શાળાના નામજોગ ફરિયાદ
કરશનભાઈ ઝેડ. મોઢાએ જુદી-જુદી શાળાના નામજોગ ફરિયાદ કરીને જણાવ્યુ છે જેમાં એક સંસ્થાની મંજૂરી અલગ જગ્યાએ છે અને તે સંસ્થા બીજી જગ્યાએ ચાલે છે. એક સંસ્થા જયાં મંજૂર થઇ હતી તેનું સ્થળ ફેરફાર કરીને કેટલાક વર્ષો પહેલા જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા સ્થળ ફેરફાર મંજૂર થયેલ છે તેમાં અંતરની કોઈ ખરાઈ કર્યા વગર ચાલે છે. ખરેખર તેનું અંતર જુનાથી નવા સ્થળનું વધારે છે જે જિલ્લા શિક્ષણની કચેરીના કાર્યક્ષેત્રમાં સમાવેશ થતો નથી. તો અન્ય એક શાળામાં
મોબાઈલ ટાવર પાસેનો પ્લોટ વહેચાતો લઇ શૈક્ષણિક કાર્ય કરાવાય છે. મકાન અને જમીનમાલિક બંને બદલાયા છે તો એક શાળા ખાણખનીજ દ્વારા ખનીજ માટે લીઝમાં અપાયેલી જમીન હોવાથી ખરેખર તે જામીનનો ભાડાકરાર છે કે અન્ય જમીનનો ભાડા કરાર કરેલ છે? તેમજ ભંગાર સ્કૂલ વાહનો તથા અન્ય રાજ્યના પાર્સીંગ વાહનો ખરીદીને આ જિલ્લામાં પાસીંગ કરાવીને લે-વેચનો ધંધો કરે છે.
અન્ય એક શૈક્ષણિક સંસ્થા અન્ય સંસ્થાને ભાડા પેટે લીઝ પર અપાયેલ છે તે અન્ય સ્કૂલના નામના વાહનો ચલાવે છે અને જમીન પણ પેશકદમીમાં છે. એન.એ. થયેલ જમીનનો ભાડાકરાર દર્શાવી સ્થળ ફેરફારવાળી શાળા ચલાવતી હતી પણ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીએ ઉંડાણથી તપાસ કરાવ્યા વગર ફાઈલ બંધ કરી દીધી છે. અમુક શાળાઓમાં વિદ્યાર્થીઓને પરીક્ષામાં ચોરીની લાલચ આપીને ભંગાર સ્કૂલવાહનોમાં અન્ય જિલ્લામાં વિદ્યાર્થીઓને અભ્યાસ માટે લઇ જવાય છે. તેમ જણાવીને નવ જેટલી શાળાના નામ સાથે ફરિયાદ કરીને જણાવ્યુ છે કે ઉપરોકત નવ શાળાના સંચાલકો દ્વારા બહારના રાજ્યોના પાસિંગવાળા અને ભંગાર વાહનોને પોરબંદર આર.ટી.ઓ. કચેરીમાં પાર્સિંગ કરાવી લે-વેચનો ધંધો કરતા હોવાથી આ નવ સ્કૂલમાં અત્યાર સુધીમાં કેટલા સ્કૂલ વાહનોનું પાર્સિંગ થયેલ છે. તેમાં અત્યારે કુલ કેટલા વાહનો હયાત છે તેમાં ડુપ્લીકેટ વીમા ફિટનેશ વગેરેનો ભ્રષ્ટાચારના માધ્યમથી વિદ્યાર્થીઓના ભવિષ્યની ચિંતા કર્યા વગર આવા વાહનોમાં પરિવહન કરાવવામાં આવે છે. પણ આ ડુપ્લીકેટ ડોકયુમેન્ટ એમ પરિવહન એપમાં મોબાઇલમાં દર્શાવે છે પણ તેના ઓરીજીનલ ડોકયુમેન્ટ ચકાસવામાં આવશે તો સ્કૂલવાહનોમાં એક મોટું ષડયંત્ર બહાર આવશે. તેમ જણાવીને કરશનભાઈ ઝેડ. મોઢાએ યોગ્ય કરવા માંગ કરી છે.