પોરબંદર
પોરબંદર ના મિયાણી મરીન પોલીસ મથકના મહિલા એ એસ આઈ મિયાણી ચેકપોસ્ટ ખાતે ટ્રક ચાલક પાસે થી રૂ ૫૦૦ ની લાંચ લેતા જુનાગઢ એસીબી ના હાથે રંગે હાથ ઝડપાયા છે.
પોરબંદર –દ્વારકા હાઈવે પર આવેલ મિયાણી ચેકપોસ્ટ પર થી પસાર થતા વાહનચાલકો પાસે થી પોલીસ દ્વારા ઉઘરાણા કરવામાં આવતા હોવાની માહિતી જુનાગઢ એસીબી ના ઉચ્ચ અધિકારીઓ ને મળતા પી આઈ પી બી ગઢવી અને એસીબી ની ટીમ દ્વારા મિયાણી ચેકપોસ્ટ ખાતે છટકું ગોઠવવામાં આવ્યું હતું.જેમાં એક ભેંસો થી ભરેલ ટ્રકના ચાલક ને પાવડર વાળી નોટો આપી ચેકપોસ્ટ પસાર કરવા જણાવ્યું હતું.આથી ટ્રક ચાલક ચેકપોસ્ટ પાસે પહોંચતા અહી ફરજ પર રહેલા મહિલા એ એસ આઈ રૂડીબેન નથુભાઈ ઓડેદરા(ઉવ ૪૬)એ તેઓની પાસે થી રૂ ૫૦૦ ની લાંચ માંગી હતી.આથી ટ્રક ચાલકે એસીબી ની ટીમે આપેલ પાવડર વાળી નોટ આપતા નજીક માં રહેલ એસીબી ની ટીમે રૂડીબેન ને ૫૦૦ ની લાંચ લેતા રંગે હાથ ઝડપી લીધા હતા.અને મોડી સાંજે તેઓને પોરબંદર એસીબી કચેરી એ લાવવામાં આવ્યા હતા.જ્યાં તેઓની સામે ગુન્હો નોંધવા તજવીજ હાથ ધરી છે.ઉલ્લેખનીય છે કે આ ચેકપોસ્ટ ખાતે ઉઘરાણા થતા હોવાની અનેક ફરિયાદો ઉઠી હતી.બનાવ ના પગલે પોલીસબેડા માં ચકચાર મચી છે.
૨૦૦ થી ૧૫૦૦ રૂ ની લાંચ લેવાતી હોવાની જુનાગઢ એસીબી ને મળી હતી ફરિયાદ
જુનાગઢ એસીબી ને એવી બાતમી મળી હતી કે મિયાણી ચેકપોસ્ટ ખાતે પસાર થતા માલવાહક વાહન ચાલકો પાસે થી રૂ ૨૦૦ થી ૧૫૦૦ સુધી ની લાંચ માંગવામાં આવે છે જેના આધારે જુનાગઢ એસીબી ના મદદનીશ નિયામક બી એલ દેસાઈ ના સુપરવિઝન માં આ છટકું ગોઠવવામાં આવ્યું હતું
૬૦૦ લાંચ માંગી હતી ૫૦૦ માં નક્કી થયું
રુડીબેને ભેંસ ભરેલ વાહનના ચાલક પાસે થી રૂ ૬૦૦ ની લાંચ માંગી હતી રકઝક ના અંતે તેઓએ ૫૦૦ રૂ લાંચ સ્વીકારતા રંગે હાથ ઝડપાયા હતા