Wednesday, April 17, 2024

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર ના મહિલા પીએસઆઈ એ ગંભીર ઇજાગ્રસ્ત બાળકીઓ અને માતાને તાત્કાલિક હોસ્પિટલે પહોંચાડી

સામાન્ય રીતે પોલીસ અધિકારીઓ પોલીસ ખાતામાં ફરજ બજાવતા બજાવતા પોતાની કામગીરીમાં એટલી હદે ગૂંચવાઇ જતા હોય છે કે અવનવા અનુભવો થતાં તેઓ ગુન્હેગારો સાથેના સંપર્કને લીધે કઠોર બની જતાં હોય છે. પરંતુ ઘણાખરા પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ પોલીસબેડામાં ફરજ બજાવતા હોવા છતાં પોતાનો માનવતાવાદી સ્વભાવ છોડતા નથી અને ફરજની સાથોસાથ માનવતાને પણ કેન્દ્ર સ્થાને રાખી કામ કરતા હોય છે.

ત્યારે આવા જ એક બનાવમાં પોરબંદરના ઉદ્યોગનગર પોલીસ મથકના મહિલા પી.એસ.આઇ.એ અન્ય પોલીસ મથકની હદમાં અકસ્માતનો ભોગ બનેલ માતા અને તેની બે માસુમ બાળકીઓને સરકારી વાહનમાં જ તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલે પહોંચાડીને ખૂબ મહત્વની ઉમદા કામગીરી ફરજના ભાગરૂપે નહીં પરંતુ માનવતાના ધોરણે બજાવતા તેમની કામગીરીને માત્ર ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા જ નહીં પરંતુ આમ જનતા દ્વારા પણ બિરદાવવામાં આવી છે.

પોરબંદરના ઉદ્યોગનગર પોલીસ મથકના અગાઉ ના પીએસઆઈ સસ્પેન્ડ થયા બાદ તેની જગ્યા એ કવિતાબેન ઠાકરીયા ની નિમણુક કરાઈ છે. તેઓ પરમ દિવસે રાત્રે નરસંગ ટેકરી નજીક વાહનચેકીંગની ફરજમાં જોડાયેલા હતા. તે દરમ્યાન કોઇએ તેમને એવું જણાવ્યું હતું કે કર્લીપુલ ઉપર એક અકસ્માત થયો છે. જેમાં પતિ-પત્ની અને તેના બાળકો લોહીલુહાણ હાલતમાં રોડ ઉપર પડ્યા છે. જયાં અકસ્માતનો બનાવ બન્યો એ વિસ્તાર ઉદ્યોગનગર પોલીસ મથકની હદમાં નહીં પરંતુ કમલાબાગ પોલીસ મથકની હદમાં આવે છે તેમ છતાં માનવતા માટે પોલીસમથકની હદનો કોઈ વિસ્તાર ન હોય તેમ સબ ઇન્સપેકટર તાત્કાલિક ત્યાં પહોંચી ગયા હતા અને તપાસ કરતા જોયું તો ત્રણેક વર્ષની બાળકી અને પાંચેક વર્ષની બાળકી તથા તેની માતા અને પિતા લોહીલુહાણ હાલતમાં પડેલા જોવા મળ્યા હતા. અને બંને બાળકીઓ કરૂણ આક્રંદ કરતી હતી.

કોઇએ ઇમરજન્સી સેવા ૧૦૮ને જાણ કરી દીધી હતી. પરંતુ ૧૦૮ એમ્બ્યુલન્સ વાન આવે ત્યાં સુધીમાં મોડું થઈ જાય તેમ હોવાથી પી.એસ.આઇ. કવિતાબેન ઠાકરીયાએ તાત્કાલિક પળનો પણ વિલંબ કર્યા વગર બંને બાળકીઓને જાતે ઉંચકીને પોતાના સરકારી બોલેરોમાં બેસાડી દીધી હતી. અને તેની માતાને પણ સાથે લઇ લીધા હતા. તથા તાત્કાલિક સારવાર માટે સરકારી ભાવસિંહજી હોસ્પિટલે પહોંચાડયા હતા. એ દરમ્યાન તેમની વર્દી પણ લોહીથી લથબથ થઇ ગઇ હતી. પરંતુ તેની પરવા કર્યા વગર માનવતાને કેન્દ્રસ્થાને રાખીને તાત્કાલિક સારવાર અપાવીને મહત્વની સેવા બજાવી હતી. અને સરકારી હોસ્પિટલના તબીબોએ તેમની સારવાર કરી હતી અને વધુ સારવાર માટે બહારગામ લઇ જવાની જરૂરિયાત હોવાથી તેની તજવીજ હાથ ધરાઇ હતી.

આ કામગીરી કોઈપણ પ્રકારની પ્રસિધ્ધિનો મોહ રાખ્યા વગર પી.એસ.આઇ. ઠાકરીયા દ્વારા કરવામાં આવી હતી અને કોઇ વિડીયો કે ફોટો પણ પ્રસિધ્ધિ માટે લેવામાં આવ્યા ન હતા પરંતુ ઘટના સ્થળે ઉપસ્થિતો પાસેથી માહિતી મળ્યા બાદ સમગ્ર હકીકત બહાર આવી છે ત્યારે આ પોલીસ અધિકારીને બિરદાવવામાં આવ્યા છે.

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે