પોરબંદર જીલ્લા ના વિસાવાડા ગામની મોડેલ વિલેજ તરીકે પસંદગી કરાઈ હોવાનું અહી યોજાયેલ રાત્રીસભા માં અધિકારીઓ એ જાહેર કર્યું હતું.
પોરબંદર જિલ્લા વિકાસ અધિકારી કે.બી.ઠક્કરના અધ્યક્ષસ્થાને પોરબંદર તાલુકાના વિસાવાડા ગામે રાત્રી સભા યોજાઈ હતી. વિસાવાડા ગામની મોડેલ વિલેજ તરીકે પસંદગી થઈ છે. જેમા જિલ્લા વિકાસ અધિકારી ના હસ્તે પ્લાસ્ટીક મુક્ત ગામ માટે કાપડની થેલીનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ રાત્રી સભામાં જિલ્લા વિકાસ અધિકારી કે.બી.ઠક્કરે માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, પોરબંદર જિલ્લામાં હાલમાં વિસાવાડા ગામને ( exemplary ) મોડેલ વિલેજ તરીકે પસંદગી કરવામાં આવી છે.
પોરબંદર જિલ્લાના અન્ય ગામ માટે વિસાવાડા ગામ ઉદાહરણરૂપ બની રહે તે દિશામાં સરકાર કામ કરી રહી છે. વિસાવાડાને અનેકવિધ યોજનાનો લાભ આપવા માટે સરકાર કટીબધ્ધ છે. સરકાર અનેકવિધ કલ્યાણકારી યોજનાઓથી વિસાવાડા ગામને આવરી લેવામાં આવશે. વિસાવાડા ગામને સમૃધ્ધ બનાવવા માટે સરકારની યોજનાનો લાભ લેવા લોકોને અનુરોધ કરવાની સાથે ગામ પ્રત્યેની સૌ ની ફરજ અને જવાબદારી વિશે માહિતગાર કર્યા હતા.
જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક રેખાબા સરવૈયાએ જણાવ્યું હતું કે, સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજના અંતર્ગત વિસાવાડા ગામમાં કાર્યરત સેગ્રીગેશન શેડમાં ભીના સૂકા કચરાનું સેગ્રીગેશન કરી વેલ્યુ ચેન કાર્યરત કરવી, કમ્પોસ્ટ પીટમાં ખાતર બનાવવાની પ્રક્રિયા ચાલુ કરવાની સમજણ આપવામાં આવી હતી. વિસાવાડા ગામમાં સુકા કચરાના સલામત નિકાલ માટે સેગ્રીગેશન શેડ, ભીના કચરાના સલામત નિકાલ કરી ખાતરમાં રૂપાંતરિત માટે કંમ્પોસ્ટ પીટ, જાહેર સ્થળોએ ભરાતા પાણીના નિકાલ માટે સામુહિક શોક પીટ અને સામુહિક શૌચાલયની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. ૧૦૦ ટકા વ્યક્તિગત શૌચાલયનો ગ્રામજનોને લાભ આપવામાં આવ્યો છે. તેમજ ગામની જરૂરિયાત મુજબ વિવિધ યોજનાઓનો આપ આપવામાં આવશે.
ઉપરાંત તમામ વિભાગના અધિકારીઓ દ્રારા યોજનાકીય માર્ગદર્શન પુરુ પાડવામાં આવ્યું હતું. તેમજ ગ્રામજનોએ રાત્રીમાં રજુ કરેલા પ્રશ્નનો નિકાલ કરવા માટે અધિકારીઓએ ખાત્રી આપી હતી. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી પોરબંદર દ્રારા પ્રાથમિક શાળા વિસાવાડા ખાતે આયોજીત રાત્રી સભામાં સરપંચ, તાલુકા વિકાસ અધિકારી, કર્મચારીઓ અને ગ્રામજનો સહભાગી થયા હતા.