Friday, April 19, 2024

|| तुम रक्षक काहू को डरना ||

video:પોરબંદર જેસીઆઈનાં સ્થાપનાદિન ની ઉજવણી કરાઈ

પોરબંદર

પોરબંદરમાં અનેક સમાજીક સંસ્થાઓ કાર્યરત છે, તેમાં જેસીઆઈ પોરબંદર છેલ્લા આઠ વર્ષથી પોરબંદરની યુવા પેઢીના વ્યક્તિત્વ વિકાસ અને સામાજિક કાર્યક્રમો યોજીને શહેરની એક અગ્રીમ હરોળની સંસ્થા તરીકે પ્રસ્થાપિત થઈ છે. 6 ફેબ્રુઆરીના રોજ જેસીઆઈ પોરબંદરનો સ્થાપના દિવસ સાદાયથી ઉજવવામાં આવ્યો હતો.

◆ 2014માં JCI પોરબંદરની સ્થાપના:
વિશ્વ શાંતિના સંદેશા સાથે આજથી 106 વર્ષ પહેલાં જેસીઆઈ (જુનિયર ચેમ્બર ઇન્ટરનેશનલ)ની સ્થાપના કરવામાં આવી હતી. આજે આ સંસ્થા વિશ્વના 125 જેટલા દેશોમાં કાર્ય કરી રહી છે.
પોરબંદરમાં 6 ફેબ્રુઆરી 2014ના રોજ લાખણશી ગોરાણીયાના નેતૃત્વમાં જેસીઆઈ પોરબંદરની સ્થાપના કરવામાં આવી હતી.જેસીઆઈના બંધારણ મુજબ દર વર્ષે નવા પ્રમુખની નિમણુંક થતી હોવાથી 2015માં બિરાજ કોટેચા, 2016માં સંજય કારીયા,2017માં કલ્પેશ અમલાણી,2018માં સંદીપ કાનાણી,2019માં નિલેશ જોગીયા,2020માં તેજશ બાપોદરા,2021માં હાર્દિક મોનાણીએ જેસીઆઈ પોરબંદરનું નેતૃત્વ કર્યું હતું.

હાલ 2022માં રોનક દાસાણી પ્રમુખ તરીકે સેવા આપી રહ્યા છે.આ આઠ વર્ષમાં સ્થાપક પ્રમુખ લાખણશી ગોરાણીયાનું નેતૃત્વ અને તમામ પ્રમુખોની કાર્યકુશળતા તથા ટીમવર્કના કારણે જેસીઆઈ દ્વારા અઢળક પ્રવૃત્તિઓ થઈ છે,તેનાથી પોરબંદરનું સામાજિક જગત ધબકતું થયું છે.જેસીઆઈમાં 18 થી 40 વર્ષના યુવક યુવતીઓ સભ્ય બની શકે છે.તથા જેસીઆઈ પોરબંદરમાં મહિલા વિંગ અને બાળકોની જુનિયર વિંગ પણ કાર્ય કરી રહી છે.

◆ રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે નેતૃત્વ:
જેસીઆઈ પોરબંદર શરૂ થયાના માત્ર આઠ વર્ષમાં જેસીઆઈ પોરબંદરના સભ્યોને રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે નેતૃત્વ કરવાની તક મળી છે.લાખણશી ગોરાણીયાએ 2017માં નેશનલ કો-ઓર્ડીનેટર તરીકે રાષ્ટ્રીય કક્ષાએ જવાબદારી નિભાવી હતી. બિરાજ કોટેચાએ વર્ષ 2021માં ઝોનપ્રમુખ તરીકે ઉત્તમ કામગીરી કરી સમગ્ર દેશમાં પોરબંદરનું ગૌરવ વધાર્યું છે. આ ઉપરાંત સંજય કારીયા, કલ્પેશ અમલાણી, સંદીપ કાનાણી, નિલેશ જોગીયા અને તેજશ બાપોદરાએ ઝોન ડિરેકટર તરીકે સેવાઓ આપી હતી.હાલ હાર્દિક મોનાણી ઝોન ઉપપ્રમુખ તરીકે રાજ્ય કક્ષાએ નેતૃત્વ કરી રહ્યા છે.આમ દર વર્ષે જેસીઆઈની ઝોન અથવા રાષ્ટ્રીય ટીમમાં પોરબંદર જેસીઆઈના એક યુવાનનો સમાવેશ હોય જ છે તે પોરબંદર માટે ગૌરવની વાત છે.

◆ આઠ વર્ષમાં અનેક કાર્યક્રમો યોજાયા:
જેસીઆઈ પોરબંદર દ્વારા આઠ વર્ષમાં જુદા જુદા કાર્યક્રમોના માધ્યમથી બે લાખ લોકો સુધી પહોંચી વ્યક્તિત્વ વિકાસ અને સેવાકીય તથા સામાજિક કાર્યો કરવામાં આવ્યા છે.જેમ કે સેવાકીય કાર્યોમાં સર્વરોગ નિદાન કેમ્પો,રક્તદાન કેમ્પો, કોવિડ સમયે અનેક રીતે લોકસેવાના કાર્યો કરવામાં જેસીઆઈ સતત સક્રિય રહી છે.વ્યક્તિત્વ વિકાસના કાર્યોમાં વિવિધ સરકારી નોકરીની ભરતીઓ માટે માર્ગદર્શન સેમિનાર,શાળા કોલેજના વિધાર્થીઓ માટે ટ્રેનિંગ સેમિનાર,નેશનલ લેવલની જનરલ નોલેજ સ્પર્ધાઓ,આંતર કોલેજ વક્તૃત્વ સ્પર્ધાઓ વગેરે.

આ ઉપરાંત પોરબંદરની જનતામાં પડેલી કલાને બહાર લાવવા વોઇસ ઓફ પોરબંદર કાર્યક્રમ,નવરાત્રી રાસોત્સવ, ડાન્સ કોમ્પિટિશન,ડ્રોઈંગ કોમ્પિટિશન,મહેંદી કોમ્પિટિશન,રંગોળી કોમ્પિટિશન,હેલ્ધીબેબી કોમ્પિટિશન જેવા અનેક કાર્યક્રમોના આયોજનોથી સ્પર્ધકોને સ્ટેજ આપવાની કોશિશ કરી છે.આ ઉપરાંત લોક જાગૃતિના કાર્યક્રમોમાં દર વર્ષે પોરબંદર પોલિશ સાથે મળીને ટ્રાફિક વિક સેલિબ્રેશનનું આયોજન,ઇંધણ બચાવો અને પર્યાવરણ જાળવણી માટે સાયકલોથોન, કુદરતી આફતો સમયે વ્યક્તિગત સામનો કેવી રીતે કરી શકાય તે માટે પ્રાથમિક સારવારની તાલીમો, આરોગ્ય દિવસની ઉજવણી, વ્યસન મુક્તિ અને આરોગ્ય જાગૃતિના કાર્યક્રમ વગેરે અનેક કાર્યક્રમોના આયોજનો કરી આઠ વર્ષમાં લગભગ બે લાખથી પણ વધુ લોકોને પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે મદદરૂપ થવા પ્રયત્ન કર્યો છે.

◆ તમામ સંસ્થાઓને સાથે લઈ ચાલતી JCI:
પોરબંદરમાં સામાજિક અથવા સેવાકીય પ્રવૃત્તિની વાત આવે ત્યારે જેસીઆઈ શહેરની અન્ય સંસ્થાઓને પણ આયોજનમાં સાથે જોડી સામાજિક એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. જેસીઆઈના આ ભાતૃભાવને કારણે પોરબંદરની સંસ્થાઓમાં સ્પર્ધા નહીં પણ સહકારની ભાવના જાગૃત બની છે તે સમગ્ર શહેર માટે ગૌરવની વાત છે.

જેસીઆઈની આઠ વર્ષની સફરમાં પોરબંદરની જનતાનું યોગદાન ખૂબ જ મહત્વનું રહ્યું છે. આ ઉપરાંત સામાજિક સંસ્થાઓ, પત્રકાર મિત્રો, સરકારી અધિકારીઓ, રાજકીય અને સામાજિક આગેવાનો તથા પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે મદદરૂપ થનાર તમામનો જેસીઆઈ પોરબંદરના સ્થાપના દિવસે સ્થાપક પ્રમુખ લાખણશી ગોરાણીયાએ આભાર વ્યક્ત કર્યો હતો.
જુઓ આ વિડીયો

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે