પોરબંદર

રાણાવાવ નજીક હાઇવે પર આવેલ બીલગંગા નદીના પુલ પાસે ગત મધરાતે નવજાત શિશુ મળી આવ્યું હતું.જે મામલે પોલીસે બાળક ને સારવાર માં ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

રાણાવાવ થી હનુમાન ગઢ જતા રસ્તે બીલગંગા નદીના પુલ પાસે ગઈકાલે રાત્રીના સમયે કોઈએ એક નવજાત બાળક ત્યજી દીધું હતું.મધરાતે દોઢેક વાગ્યે અહીંથી પસાર થતા ટ્રેકટર ચાલકનું ધ્યાન પડતા તેણે આ અંગે હનુમાનગઢ ચેકપોસ્ટ ખાતે ફરજ બજાવતા જી આર ડી જવાનો ને જાણ કરી હતી.જેથી તેઓએ રાણાવાવ પોલીસ ને જાણ કરતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી.અને આ નવજાત શિશુનો કબજો લઇ પોરબંદરની લેડી હોસ્પિટલ ખાતે સારવાર માટે દાખલ કર્યું હતું.ત્યાર બાદ વધુ સારસંભાળ માટે જામનગર ખાતે ખસેડવામાં આવ્યું હતું.

આ અંગે જીઆરડી જવાન મયુર નારણભાઇ વેગડા (ઉવ ૨૭)એ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.જેમાં કોઈ અજાણી વ્યક્તિ એ બાળક નો જન્મ છુપાવવા અંગે તથા તાજા જન્મેલા બાળક ને અસુરક્ષિત જગ્યા એ જાહેર માં ત્યજવા અંગે ફરિયાદ માં જણાવ્યું છે.બનાવ અંગે રાણાવાવ પી.એસ.આઈ. પી.ડી.જાદવ વધુ તપાસ ચલાવી રહ્યા છે.તેઓએ જણાવ્યું હતું કે આ નવજાત શિશુ પુત્ર છે.સામાન્ય સંજોગોમાં બાળકી પસંદ ન હોવાથી નવજાત બાળકીઓ ને ત્યજી દેવામાં આવતી હોવાના બનાવ બનતા હોય છે.પરંતુ આ પુત્રને ત્યજવાનો બનાવ છે.જેથી કુંવારી સગીરા કે યુવતી માતા બની હશે.અને પોતાની આબરૂ બચાવવા બાળકને ત્યજી દીધું હશે.

તપાસ દરમ્યાન આ નવજાત શિશુને જન્મ આપનાર માતા સગીરા હશે.તો આ દુષ્કર્મ કરનાર સામે પોકસો સહિતની કલમ ઉમેરી ગુન્હો દાખલ કરવામાં આવશે.અને જો પુખ્ત વયની યુવતી હશે.તો તે અને તેના માતા પિતા સામે કાર્યવાહી કરવામાં આવશે તેવું જણાવ્યું હતું.પોલીસે એવું પણ જણાવ્યું હતું કે સરકારી દવાખાના તથા ખાનગી હોસ્પિટલ માં પણ તપાસ કરાઈ છે.પરંતુ ઘરે ડીલેવરી કરી ને બાળક ને ત્યજી દીધું હોવાની શક્યતા છે.મધરાતે હાઇવે પર નવજાત શિશુ મળી આવતા સમગ્ર પંથક માં ભારે ચકચાર મચી છે.

જુઓ આ વિડીયો 

Advertisement